Homeરસોઈખાસ ઉત્તરાયણ પર બનતી આ વાનગીને ગુબીચ, ગોળ પાપડી, ગોળનો પાયો, ગોળની...

ખાસ ઉત્તરાયણ પર બનતી આ વાનગીને ગુબીચ, ગોળ પાપડી, ગોળનો પાયો, ગોળની ચોકલેટ, વગેરે નામથી પણ ઓળખાય છે.

ગુબીચ બનાવવા માટે 200 ગ્રામ ગોળ દિઠ એક ટેબલસ્પૂન ચોખ્ખુ ઘી, એક ટેબલસ્પૂન પાણી, એક ટેબલસ્પૂન ખાંડ, એક ટેબલસ્પૂન બેકીંગ સોડા નુ પ્રમાણ રાખી શકાય. ગોળ દેશી કે નરમ હોય તો વધારે સારો. નહીંતર કઠણ ગોળને છીણી લેવો પડે.

સહુથી પહેલા છેલ્લે જરુર પડતી તૈયારી કરી લેવી જરુરી છે, કેમ કે ગોળનો પાયો થતા તે તરત ઠરવા લાગે છે.

એટલે એક નોનસ્ટિક ટ્રે કે થાળી કે મોલ્ડ ટ્રે લઇને તેમાં ઘી થી ગ્રિસિંગ કરી લેવુ. અથવા Parchment paper મુકીને ટ્રે કે થાળીને અંદરથી કવર કરી લેવી. આ ટ્રે કે થાળીની સાઇઝ ગોળના પ્રમાણ મુજબ લેવી, જો જાડી ગુબીચ જોઈએ તો ઉંડી અને નાની અને પાતળી ગુબીચ જોઈએ તો છીછરી અને પહોળી લેવી.

હવે એક નોનસ્ટિક પેન ને મિડીયમ ફ્લેમ પર ગરમ કરવી અને તેમાં પાણી રેડવુ, પાણી સહેજ ઉકળે એ પછી જ તેમાં ઘી ઉમેરવુ અને ઘી ઓગળવાની શરૂઆત થતા જ ખાંડ ઉમેરવી તેને મિક્ષ કરવુ, તે પછી ગોળ ઉમેરીને તરત હલાવતા રહેવુ.

અહીં પાણી ઉમેરવાનુ કારણ ખાંડ છે, અને બીજુ કે તેનાથી ગોળ પણ જલદી ઓગળે છે.

ખાંડ ઉમેરવાનુ કારણ એ છે કે તેનાથી ગુબીચ- ગોળ ખાતા સમયે દાંતે ચોંટતા નથી.

ગોળ ઓગળીને તેમાંથી પરપોટા થવા લાગે અને તેનો કલર બદલાતો લાગે એટલે પાયો બનવાની શરૂઆત થઇ ગણાય. આ દરમ્યાન પણ ગોળને સતત હલાવતા રહેવુ, જેથી તે ચોંટી ના જાય.

ગોળનો પાયો બની ગયો તે ચકાસવા એક વાડકીમાં ઠંડુ પાણી લઇ તેમાં ગરમ ગોળના એક બે ટીપા પાડવા, અડધી થી એક મિનિટ માં તે ઠંડા પડી જશે એટલે તેને હાથથી તોડી જોવા…. જો તે ખેંચાય તો હજુ પાયો બન્યો નથી અને વધારે ગરમ કરવાની જરુર છે, જો તુટી જાય તો પાયો તૈયાર છે. સ્ટવ બંધ કરીને તરત જ ગરમ ગોળમાં બેકીંગ સોડા ઉમેરીને સતત હલાવતા રહેવુ.

બેકીંગ સોડા ઉમેરાતા ગોળ નો કલર ખુલે છે અને તેમાં હવા ભરાય છે. જે ખુબ જ જરુરી છે.

હવે તે ગરમ ગરમ ગોળને તૈયાર ટ્રે માં પાથરી દેવો. યાદ રહે કે ગોળને ટ્રે માં કાઢતા સમયે તેને થપથપાવવો નહીં કે તેને પાથરવા વજન આપવુ નહી.. આપમેળે જ જેટલો પથરાય તેટલો પથરાવા દેવો. નહીંતર ગુબીચ ફુલવાને બદલે કડક બનશે.

ગોળને પાથરીને તરત તેના પર ઈલાયચી પાવડર અને સુંઠ પાવડરનુ એક ટેબલસ્પૂન જેટલુ મિશ્રણ છાંટી દેવુ કે પછી સીંગદાણા કે ગમતા-ભાવતા ડ્રાયફ્રુટ્સ ના ટુકડા પાથરી દેવા.

આ ગાર્નિશીંગ કરતા સમયે પણ તેને હલકા હાથે જ જાણે છાંટતા હોય તેમ કરવુ.

જો આ ગાર્નિશીંગ ની વસ્તુઓ ગોળ ગરમ કરતા સમયે જ ઉમેરશો તો ગોળ બરાબર ફુલશે નહીં અને પછી તે ગુબીચ ના રહેતા ચિક્કી કે પાપડી બની જશે.

ગુબીચ માં તે કડક અને છતાં અંદરથી જાળીદાર હોવુ જરુરી છે. કડક અને વજનમાં હલકી હોય તે જ ગુબીચ.

એકાદ કલાક બાદ, તે ઠરે એટલે ટ્રે/થાળી માંથી કાઢી લેવુ… તમારી મનપસંદ ગુબીચ તમારુ બાળપણ યાદ કરાવવા તૈયાર છે. તેના ટુકડા કરી લેવા.

ખાસ ઉત્તરાયણ પર બનતી આ વાનગીને ગુબીચ, ગોળ પાપડી, ગોળનો પાયો, ગોળની ચોકલેટ, વગેરે નામથી પણ ઓળખાય છે.

આ તો બે દિવસ થી મિત્રો “ગુબીચ” “ગુબીચ” કરતા હતા તો મારી રીતે સમજ આપી દીધી. તમારી રીત અલગ પણ હોઇ શકે છે… પણ મારા મમ્મી કંઇક આ રીતે બનાવતા હતા. જે બનાવે તો તેની મિઠી સુગંધ આજુબાજુના ઘરોમાં જતી અને પછી તો અમારી એ ગુબીચ પણ એ ઘરોમાં જતી, અને ધાબા પર પણ એ જ સહુથી વધારે ખવાતી…

રેસીપી & ફોટો સૌજન્ય:- મુકેશભાઈ રાવલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments