‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા…’

218

(વિશેષ નોંધ : જો તમે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા…’ ગીતથી સુપેરે પરિચિત છો તો એના સર્જક વિશે જાણવું ગમશે અને જો આ ગીત વિશે નથી જાણતા તો તો આ લેખ ખાસ વાંચવો રહ્યો.)

આજે એક એવા સર્જકની વાત કરવી છે જેઓ ગુજરાતી સાહિત્યમાં મોરપીંછ સમાન ગણાય છે. ભાષાનાં માધ્યમથી જેમણે ગુજરાતી સંસ્કૃતિનું મંગલગાન કર્યું છે એવા ગુજરાતી ભાષાનાં જાણીતાં લેખક, કવિ, ગીતકાર, ગઝલકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, સંપાદક, અનુવાદક અને વિવેચક એવા શ્રી હરીન્દ્ર દવેને આજે એમના જન્મદિવસ પર સ્મરણવંદના..!!

‘કોઈનોય પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષા વધારે હોય છે.’ કહેવતરૂપ બની ગયેલી આ ઉક્તિનાં સર્જક શ્રી હરીન્દ્ર દવેનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૦નાં રોજ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકામાં આવેલા એક ગામ ખંભરામાં થયો હતો. એમના પિતાનું નામ જયંતિલાલ અને માતાનું નામ સરિતાબા હતું.

પિતા જયંતિલાલ દવે મુંબઈ વસેલા. એમનું સમગ્ર જીવન મુંબઈમાં વીત્યું હતું. એમનાં પત્ની જયલક્ષ્મી અને સંતાનોમાં રોહિત, પ્રકાશ, દીપક એમ ત્રણ દીકરાઓનો પરિવાર. એમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી.

૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકનાં તંત્રી રહ્યા અને ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’નાં સંપાદક રહ્યા. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી પણ રહ્યા. જન જીવનને નજીકથી જોવાના ધખારાનાં કારણે અમેરિકન સરકારની ‘યુસીસ’ જેવી માતબર સંસ્થાની નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાયેલા. ૧૯૭૩માં ફરી જનશક્તિમાં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યારબાદ જન્મભૂમિ-પ્રવાસીનાં મુખ્ય તંત્રી તરીકે અંતિમ દિવસ સુધી કાર્યરત રહ્યા.

હરીન્દ્ર દવે એટલે મીણનાં માણસ એવું કહેવાતું. એમના કાવ્ય ગીતોમાં પ્રભુપ્રેમ, પ્રણય, વેદના-વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો ઋજુ-મધુર વાણીમાં આગવા લય અને ભાવનાનાં માધુર્ય સાથે વ્યક્ત થયા છે. તેઓ મૂળે ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. કુલ છપ્પન ગ્રંથોનાં સર્જક હૃદયથી તો કવિ જ રહ્યા છે. એમનામાંનો કવિ નવલકથા-નિબંધ-લેખોમાંય વર્તાઈ આવે છે. તો ચાલો આજે એમના વિશાળ સર્જન પર એક આછી પાતળી ઝાંખી કરીયે.

૧૯૪૬માં (૧૬ વર્ષની વયે) ‘માનસી’માં પહેલું કાવ્ય પ્રકાશિત થયું ત્યારથી સતત ચાલેલી એમની કાવ્યસાધનાનાં પરિણામ રૂપે એમણે ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એ બે ગઝલસંગ્રહો; ‘મૌન’ (૧૯૬૬) ગીતસંગ્રહમાં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. ૧૯૭૭માં, ત્યાં સુધીનાં એમનાં કાવ્યોમાંથી, સુરેશ દલાલે ‘હયાતી’ નામે સંગ્રહ સંપાદિત કર્યો જેમાં બીજી નોંધપાત્ર રચનાઓ પણ ગ્રંથસ્થ થઈ છે.

એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગ્રહિત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે.

‘સૂર્યોપનિષદ’માંનાં અછાંદસ કાવ્યોમાં માનુષી વ્યથા-વિટંબણાનાં સંવેદનોનું આધુનિક સંદર્ભોમાં આલેખન થયું છે, પણ ભારતીય કવિનો આસ્થાળુ અવાજ એમાં ઉપર તરી આવે છે. એમની દરેક સ્વરૂપની કવિતામાં, મૃત્યુનું એક લાક્ષણિક સંવેદન પણ આલેખન પામતું રહ્યું છે. કવિ તરીકે એમની મુદ્રા પ્રેમની મસ્તી અને વેદનાને ગૂંથતી રંગદર્શી પણ માર્મિક અને સાફ-સુઘડ ગઝલોથી તથા રાધા-કૃષ્ણને પાત્રો બનાવતાં ગોપશૈલીનાં તેમજ અન્ય પ્રેમ-પ્રકૃતિ-સંવેદનને આલેખતાં લયમધુર ગીતોથી બંધાયેલી છે.

‘રજકણ સૂરજ થવાને શમણે’, ‘કાનુડાને બાંધ્યો છે’, ‘ફૂલ કહે ભમરાને…’, ’ના, મેળે નહિ આવું…’, ‘પાન લીલું જોયું…’ વગેરે એમનાં સ્વરબદ્ધ થવાથી વધુ જાણીતાં થયેલાં કાવ્યમર્મસભર ગીતો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહનાં ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં.. માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં….’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે.

કૃતિનાં રચનાવિધાન અને ભાષા કવિ હરીન્દ્રનો નોખો પરિચય કરાવી રહે છે. રાધા – કૃષ્ણનાં ભાવ સભર ગીતો એ તેમની વિશેષતા છે. ‘માધવ ક્યાંય નથી’(૧૯૭૦) – બહુ જ પ્રસિધ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણકથા, જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે. એમની આ અત્યંત સફળ કૃતિમાં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગનાં પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે.

કૃષ્ણનાં આંશિક રૂપ સમા નારદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યક્તિત્વ વડે અખંડ વ્યક્તિત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય. કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ થોડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણે જીવનલીલા સંકેલી દીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાનાં ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને કથામાંથી ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રોની દ્રષ્ટિથી નિરૂપીને કર્યું છે. કૃતિની ભાષામાં કાવ્યાત્મકતાનો સ્પર્શ વર્તાય છે.

એમની પહેલી નવલકથા ‘અગનપંખી’ (૧૯૬૨) છે પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (૧૯૬૬) છે. વિદ્વદભોગ્ય આ કૃતિમાં પ્રણય અને તજજન્ય વેદનાનાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રયુગ્મોને મૂકીને લેખકે સંરચનાનો વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. વિવેચકોએ એમાં અસ્તિત્વવાદની દાર્શનિક પીઠિકા પણ જોયેલી. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત’ નલકથાનું કાઠું લઘુનવલનું છે. પ્રણય ને વેદનાસભર એકલતાને જીવતાં-જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રોની જીવનચેતના પણ સરસ નિરૂપણ પામી છે.

એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સ્ત્રી-પુરુષોની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત થઈ છે. એમની કેટલીક નવલોમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે. વિવિધ પાત્રોને સંદર્ભે માનવની સુખની શોધની કથા કહેતી ‘સુખ નામનો પ્રદેશ’ (૧૯૬૬), સાધુ-સંતોનાં આંતર-જીવનનાં પ્રશ્નોને આલેખતી ‘સંગ-અસંગ’ (૧૯૭૯) અને સમસ્યાકથન તરફ જતી ‘લોહીનો રંગ લાલ’ (૧૯૮૧) જેવી મધ્યમશક્તિની નવલકથાઓ પ્રાપ્ત થઈ.

એ પછી સાંપ્રત રાજકારણને કટાક્ષ-લક્ષ્ય કરતી, લેખકની સામાજિક પ્રતિબદ્ધતાને વિલક્ષણ રીતે આલેખતી બીજી જાણીતી નવલકથા ‘ગાંધીની કાવડ’ (૧૯૮૪) પણ એમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘મુખવટો’ (૧૯૮૫) ‘વસિયત’ (૧૯૮૭), ‘નંદિતા’ (૧૯૮૭) જેવી લોકપ્રિય કોટિની નવલકથાઓ પણ એમણે લખી છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યક્તિ આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે.

‘યુગે યુગે’ (૧૯૬૯) તથા ‘સન્ધ્યાકાળે પ્રભાતફેરી’ (૧૯૮૭) નામનાં બે નાટકો પણ એમણે આપ્યાં છે. ‘મધુવન’ (૧૯૬૨) નામે, ગુજરાતી ગઝલોનું એમનું સંપાદન વધુ જાણીતું છે. એ ઉપરાંત અન્યોનાં સહયોગે એમણે ‘કવિતા ૫૭–૫૮–૫૯’ (૧૯૬૭), ‘મડિયાનું મનોરાજ્ય’ (૧૯૭૦) તથા ‘શબ્દલોક’ (૧૯૭૨) એ સંપાદનગ્રંથો પણ કર્યા છે.

હરીન્દ્ર દવેની પત્રકાર તરીકેની કારકિર્દીએ એમની પાસેથી સતતપણે નિબંધાત્મક લખાણો પણ અપાવ્યાં છે. અલબત્ત, એમાં એમની ચિંતનશીલતાનો તેમજ સાહિત્ય-અભિમુખતાનો ફાળો પણ છે જ. ‘નીરવ-સંવાદ’ (૧૯૮૦)માં એમના ચિંતનલેખો છે. ‘વેરાતું સ્વપ્ન ઘુંટાતુ સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘ઈશ્વરની આંખમાં આંસુ’ (૧૯૮૫), ‘શબ્દ ભીતર સુધી’ (૧૯૮૭), ‘ઘીના દીવાનો ઉજાસ’ (૧૯૮૮), ‘ધર્મસભા’ (૧૯૮૯) અને ‘ભીતર ઝળાંહળાં’ (૧૯૯૦) એ સંગ્રહોમાં ધર્મ, ઈશ્વર, મૃત્યુ, જીવન-સંદર્ભ આદિ વિષયક નાનામોટા લેખો-નિબંધો છે જે સામયિકો ઉપરાંત મહદંશે તો વર્તમાનપત્રોમાં પૂર્વપ્રકાશિત થયેલા છે.

પત્રકારત્વમાં પ્રસરેલાં આ લખાણોને મુકાબલે ‘કૃષ્ણ અને માનવ સંબંધો’ (૧૯૮૨)માં એમનું ચિંતન વિચારણીય અને સઘન જણાય છે. અહીં એમની દ્રષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. કવિતામાં ને નવલકથામાં પણ એમના ચિત્તનો કબજો લઈ બેઠેલું કૃષ્ણનું પાત્ર અહીં, નિબંધાત્મક ગદ્યની મોકળાશમાં વધુ મુખર છતાં સુચિંતિત રૂપે એમના વિશિષ્ટ ર્દષ્ટિકોણને પ્રગટ કરે છે. આ કારણે પણ એમનું આ પુસ્તક વિશેષ જાણીતું બનેલું છે.

વિવેચનના ક્ષેત્રમાં એમની મુખ્ય ભૂમિકા મધુદર્શી, પ્રાસાદિક, વિચારશીલ આસ્વાદકની છે. ‘કવિ અને કવિતા’ (૧૯૭૧) તથા ‘કાવ્યસંગ’ એ બે સંગ્રહો ગુજરાતી ને અન્યભાષી કાવ્યોના આસ્વાદોના છે. ‘વિવેચનની ક્ષણો’ (૧૯૮૭) તથા ‘કથાથી કવિતા સુધી’ (૧૯૮૯) એ બે લેખસંગ્રહોમાં વૈવિધ્ય ને વ્યાપકતા છે. છતાં એમની મુખ્ય મુદ્રા એમાં આસ્વાદકની જણાશે. આ ઉપરાંત, ‘મુશાયરાની કથા’ (૧૯૫૯), ‘દયારામ’ (૧૯૬૫), ‘ગાલિબ’ (૧૯૬૯), ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ (૧૯૭૨) એ પરિચયપુસ્તિકાઓનો તેમજ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીમાં લખેલા ‘ઉમાશંકર જોશી’ (૧૯૮૬) લઘુગ્રંથનો પણ એમનાં વિવેચનોમાં સમાવેશ થાય છે.

એમણે કેટલીક નવલકથાઓનાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા છે : ‘ધરતીનાં છોરુ’, ‘પિંજરનું પંખી’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’, એલિયટના ‘વેસ્ટ લૅન્ડ’નો ‘મરુભૂમિ’ નામે તથા ‘ડેવિડ વૅગ્નર’ (૧૯૬૫) વિશેની એક પુસ્તિકાના પણ ગુજરાતી અનુવાદ એમણે કરેલા. ‘કપ ઑવ્ લવ’ (૧૯૬૧) નામે, સ્વામિનારાયણી કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ એમણે આપ્યો છે.

એમના ગઝલ સંગ્રહ ‘હયાતી’ માટે એમને ૧૯૭૮માં દિલ્હી સાહિત્ય અકાદમી ઍવોર્ડથી નવાજવામાં આવેલા અને ૧૯૮૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક પત્રકાર તરીકેની સેવા માટે એનાયત થયેલો. મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા એમની સાહિત્ય પ્રતિભાને કબીર સન્માનથી પુરસ્કારવામાં આવેલી. ૧૯૯૦નો મહારાષ્ટ્ર ગૌરવ ઍવૉર્ડ અને ૧૯૯૧માં બી.ડી. ગોએંકા ઍવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન જર્નાલિઝમ પણ એમના ખાતે જમા છે.

શ્રી હરીન્દ્ર દવેનું નામ માત્ર ગુજરાતી સાહિત્યનાં રસિકોને જ ખબર હોય એવું કદાચ બને, પણ તમને ગુજરાતી ભાષા આવડતી હોય અને તમે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ રચના ન સાંભળી હોય કે વાંચી હોય એવું જવલ્લે જ બને. ગુજરાતી રસિકોનાં મોબાઈલ રીંગટોન અને કોલર ટ્યુન સહજ બની જતી આ રચનાનાં સર્જક શ્રી હરીન્દ્ર દવેને એમના જન્મદિવસ નિમિત્તે સાદર સ્મરણવંદના..!!

લેખક:- વૈભવી જોષી (સૌજન્ય : એમની કૃતિઓની વર્ષ સહિતની વિગતવાર માહિતી ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાંથી સાભાર)

Previous articleચિમાજી અપ્પા જેવા મહાપુરુષ નું નામ ઈતિહાસના પન્નાઓ માંથી કેમ ગાયબ થઈ ગયું છે ?
Next article13 વર્ષ પાકિસ્તાનની જેલમાં, 23 દેશમાં સેવા આપી અને 27 ભાષાના જાણકાર એવા વેજાદાદા બાપોદરા, હાલમાં પણ સરકાર ચૂકવે છે પગાર