Home ધાર્મિક ભીડ એટલી કે દર્શન માટે લાગી જાય છે 30 કલાક, ભગવાન શ્રીકૃષ્ણને...

ભીડ એટલી કે દર્શન માટે લાગી જાય છે 30 કલાક, ભગવાન શ્રીકૃષ્ણને પણ જોવી પડી હતી રાહ

207

મહારાષ્ટ્રના પંઢરપુરમાં વિઠ્ઠલસ્વામી એટલે કે ભગવાન કૃષ્ણનું વિશ્વ પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિર આવેલું છે. પંઢરપુર સોલાપુર પાસે ભીમા નદીના કિનારે વસેલું શહેર છે. આ શહેરનું એક નામ પંઢારી પણ છે. મહારાષ્ટ્રના લોકો આ સ્થાનને ભૂ વૈંકુઠ પણ માને છે. અહીં ભીમા નદીને ચંદ્રભાગા નદી નામથી પણ ઓળખવામાં આવે છે. વિઠ્ઠલ સ્વામીની પૂજા અહીં સ્થાનીકો વિઠોબા અને રુક્ષ્મણીજીને રખુમાઈ કહી કરે છે.

વિઠોબાના મંદિરના દર્શન માટે અહીં વર્ષભર ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં દર્શન કરવામાં 30 કલાકનો સમય લાગી જાય છે. વિઠોબા મંદિરમાં બે રીતે દર્શન થાય છે. ગર્ભ ગૃહ ઉપરાંત મુખ દર્શન પણ અહીં થાય છે. મંદિરના ગર્ભ ગૃહમાં વિઠ્ઠલ પ્રભુ અને રુક્ષ્મણીજીની પ્રતિમા છે.

આ દેશનું એવું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન કૃષ્ણ સાથે રાધા નહીં રુક્ષ્મણીની પૂજા કરવામાં આવે છે. આ બંને મૂર્તિઓ કાળા પથ્થરથી બનેલી છે. મુખ્ય મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું અને તે દેવગિરીના યાદવ શાસકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરનું પરિસર વિશાળ છે અને તેમાં ચાર દિશા તરફ ચાર દ્વાર બનેલા છે.

દંતકથાઓ અનુસાર, 6 ઠ્ઠી સદીમાં અહીં સંત પુંડલિક થઈ ગયા હતા, જે તેમના માતાપિતાના મહાન ભક્ત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના અધિપતિ દેવતા માન્યા હતા અને સંપૂર્ણ ભક્તિથી તેમની પૂજા કરતા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર, એક દિવસ ભગવાન કૃષ્ણ આ સાચી ભક્તિથી પ્રસન્ન થયા અને તેમની પત્ની રૂકમણી સાથે સંત પુંડલિકને દર્શન આપ્યા અને પ્રભુએ તેમને સ્નેહથી હાકલ કરી અને કહ્યું, ‘પુંડલિક, અમે તમારું આતિથ્ય માણવા આવ્યા છીએ.’

ત્યારે સંત પુંડલિકે કૃષ્ણ તરફ જોઈને કહ્યું કે હે પ્રભુ મારા પિતા અત્યારે ઊંધી રહ્યા છે, અને હું તેમની સેવા કરી રહ્યો છું, તમે આ ઈંટ પર ઉભા રહો અને વાટ જુઓ અને સંત પુંડલિક ફરીથી તેના પિતાની સેવામાં લીન થઈ ગયા. પ્રભુએ પોતાના ભક્તના આદેશનું પાલન કર્યું અને બંને હાથ કમર પર રાખી અને પગ ભેગા કરીને એ ઇંટ પર ઉભા રહ્યા.

એવું કહેવાય છે કે ઈંટો પર ઉભા રહેલા પ્રભુનું વિગ્રહ રૂપ માનવામાં આવે છે. અને બાદમાં આ સ્થળ પુંડલિકપુર પરથી અપભ્રંશ થઈને પંઢરપુર તરીકે ઓળખાયું, જે હાલમાં મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. આજે પણ અહીં ભક્તરાજ પુંડલિકનું સ્મારક આવેલું છે.

મંદિરની પૂજામાં પાંચ દૈનિક સંસ્કાર હોય છે. સૌથી પહેલા સવારે ત્રણ કલાકે ભગવાનને જાગૃત કરી આરતી કરવામાં આવે છે. આ આરતીને કાકડ આરતી કહેવામાં આવે છે. ત્યારબાદ પંચામૃત પૂજા થાય છે. છેલ્લી પૂજા રાત્રે દસ કલાકે થાય છે અને ત્યારબાદ ભગવાન પોઢી જાય છે.

વિઠ્ઠલ સ્વામી મંદિરમાં સંગીતની પરંપરા છે જેથી મંદિર પરિસરમાં ભગવાન સિતાર લઈ અને ઈશ્વરની આરાધના કરતા જોવા મળે છે. જેઠ અને અષાઢ માસમાં અહીં વિઠ્ઠલ સ્વામી મંદિર માટે યાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રાને વારકરી કહેવામાં આવે છે. વિઠોબાના સમ્માનમાં પંઢરપુર માટે તીર્થયાત્રીઓ આ યાત્રા કરે છે. આ યાત્રામાં દર વર્ષે લાખો લોકો જોડાય છે.

પંઢરપુર જવા માટે પૂના, મુંબઈ જેવા શહેરોથી ખાસ બસ અને ટ્રેન સમયાંતરે મળે છે. અહીં ટ્રેન, બસ, કાર કોઈપણ રીતે પહોંચી શકાય છે. પંઢરપુર પુનાથી 200 કિલોમીટર દૂર અને મુંબઈથી 385 કિલોમીટર દૂર આવેલું છે.