ત્રૈતાયુગમાં હનુમાનજી અને જાંબુવંતજીને ભગવાન શ્રી રામે ચિરંજીવીને રહેવાનું વરદાન આપ્યું હતું. અને કહ્યું હતું કે હું તમને દ્વાપર યુગમાં મળીશ. પ્રભુ શ્રીરામ તેમને કૃષ્ણ રૂપમાં મળ્યા પણ હતા. એવું કહેવામાં આવે છે કે, હનુમાનજીને એક કલ્પ એટલે કે કળિયુગનો અંત આવે સુધી આ પૃથ્વી પર જીવવાનું વરદાન મળ્યું છે.
કળિયુગમાં જ્યાં પણ ભગવાન શ્રી રામની કથા-કીર્તન થાય છે ત્યાં હનુમાનજી ગુપ્ત રીતે બિરાજમાન હોય છે. હવે તને વિચાર આવશે કે, આ ધરતી પર હનુમાનજી છે તો તે ક્યાં બિરાજમાન છે?
સીતાજીના વચન અનુસાર – ‘અજર-અમર ગુન નિધિ સુત હોઉં. કરહુ બહુત રઘુનાયક છોઉં.’ અર્થાત જો મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિ કરે, તો તુલસીદાસજીની જેમ તેને પણ હનુમાન અને રામ-દર્શન કરવામાં લાંબો સમય લાગતો નથી.
શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર, હનુમાનજી કળિયુગમાં “ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે. આ ગંધમાદન પર્વત હિમાલયના હિમવંત પર્વતની નજીક આવેલો છે જેને યક્ષલોક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એક ખૂબ જ આશ્ચર્યજનક સરોવર છે અને તેમાં જે કમળ ખીલે છે તેની કથા પુરાણોમાં જોવા મળે છે. હનુમાનજી આ તળાવની પાસે રહે છે. દરરોજ શ્રી રામની આરાધના કરતી વખતે હનુમાનજી અહીંથી કમળ તોડે છે અને તેને અર્પણ કરે છે.
પૌંડ્ર શહેરના પૌંડ્રએ આ કમળ તોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેના મિત્ર વનાર દ્વિતે તેને લાવવાની કોશિશ કરી પરંતુ હનુમાજીના કારણે તે કમળ તોડી શક્યો ન હતો. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો હિંમવંતને પાર કર્યા બાદ ગંધમાદન પર્વત પાસે પહોંચ્યા હતા. અર્જુન જયારે ઇન્દ્રલોકમાં જતા હતા ત્યારે તેમણે હિમવંત અને ગંધમાદન પાર કર્યો હતો.
એકવાર ભીમ પણ કમળ લેવા ગંધમાદન પર્વત પાસે આવ્યા હતા, ત્યાં તેણે હનુમાનજીને સૂતેલા જોયા. ત્યારે હનુમાનજીએ કહ્યું કે, તમે મારી પૂછ હટાવીને આગળ ચાલ્યા જજો. પણ ભીમ હનુમાનજીની પૂછને હટાવી શક્યા નહીં. ત્યારે ભીમને તેનું પ્રબળ હોવાનો ગર્વ તૂટી ગયો અને તેણે હનુમાનજી પાસે માફી માંગી અને તેમનું મહાન સ્વરૂપ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. પછી હનુમાનજીએ ભીમને પોતાનું મહાન સ્વરૂપ બતાવ્યું.
હનુમાનજી કળિયુગમાં ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે એવું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં પણ છે. ગંધમાદન પર્વત પર ઋષિઓ, સિધ્ધો, ચરણો, વિદ્ધાધારો, દેવતાઓ, ગંધર્વ, અપ્સરાઓ અને કિન્નરો નીવાસ કરે છે. આ બધા અહીં નિર્ભય રીતે ભટકતા રહે છે. પુરાણો અનુસાર, જમ્બુદ્વીપના ઈલાવૃત ખંડ અને ભદ્રાક્ષ ખંડની વચ્ચે ગંધમાદન પર્વત આવેલો છે, જે તેના સુગંધિત જંગલો માટે પ્રખ્યાત છે.
એવું માનવામાં આવે છે કે હિમાલયના કૈલાસ પર્વતની ઉત્તરમાં ગંધમાદન પર્વત આવેલો છે. અને દક્ષિણમાં કેદાર પર્વત આવેલો છે. સુમેરુ પર્વતની ચારે દિશામાં સ્થિત ગજદંત પર્વતોમાંથી એકને તે સમયે ગંધમાદન પર્વત કહેવામાં આવતો હતો. આજે આ વિસ્તાર તિબેટમાં આવેલો છે. અહીં જવા માટેના ત્રણ રસ્તાઓ છે, પ્રથમ નેપાળ માર્ગે માનસરોવરથી અને બીજો ભૂટાનની ટેકરીઓથી અને ત્રીજો અરૂણાચલ થઈને ચીનમાંથી જઈ શકાય છે.