આજકાલ લોકોના ખાન-પાન એવા થઇ ગયા છે કે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો સામાન્ય બની ગયા છે. અને ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં, આપણે વિવિધ પ્રકારની તળેલી વસ્તુઓ ખાતા રહીએ છીએ, જેના કારણે પેટ, છાતીમાં કે ક્યારેક માથામાં પણ એસિડિટીના રૂપમાં તીવ્ર દુખાવો થાય છે. અને એ સમયે એવું લાગવા માંડે કે આ પીડા શક્ય તેટલી વહેલી દૂર થાય તો સારું. પેટમાં બનેલા ગેસથી છુટકારો મેળવવા માટે ઘણા અસરકારક ઘરેલૂ ઉપાયો છે, જેના વિશે આ લેખમાં જણાવીશું.
વધુ ખાટા, તીખા, મસાલેદાર ખોરાક ખાવાથી, મોડી રાત સુધી જાગવું, ઓછું પાણી પીવું, ગુસ્સો, ચિંતા, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું, વગેરે જેવી બાબતો પેટમાં ગેસ નિર્માણનું કારણ બને છે, આ ઉપરાંત કેટલાક કઠોળ અને શાકભાજી પણ એવા છે જે પેટમાં જવાથી ગેસ બને છે. વધારે પડતી ચા પીવાથી પણ ગેસ ઉત્પન્ન થાય છે. આનાથી પેટ, પીઠ, છાતી, માથામાં દુખાવો થાય છે, ભૂખ ઓછી લાગે છે, ઓડકાર આવે છે, છાતી અને પેટમાં બળતરા થાય છે, ચક્કર આવે છે, આવી સમસ્યાઓ થાય છે. આ માટે, આ ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
લીંબુનો રસ અને આદુ એક ચમચી લો, પછી તેમાં થોડું કાળું મીઠું ઉમેરો અને ખાધા પછી ખાઓ, તેનાથી પાચન શક્તિ સુધરે છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ગેસ અને અપચોથી રાહત મળે છે.
2 – 3 નાની હરડે ને મોંઢામાં નાખી અને ચૂસતા રહેવા થી ફાયદાકારક રહેશે.
મેથીના દાણા અને ગોળને પાણીમાં ઉકાળીને આ પાણીને ગાળીને પીવાથી, તમને ગેસમાં રાહત મળશે. (જેમનું શરીર નબળું છે, ચક્કર આવે છે અથવા ગરમ વસ્તુઓ પચાવી શકતા નથી, તેઓ મેથીના દાણાનો ઉપયોગ કરવો નહીં)
અડધી ચમચી હરડેમાં અડધી ચમચી સુકા આદુનો પાઉડર અને થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ભોજન કર્યા બાદ તેને ગરમ પાણી સાથે ખાઓ, ફાયદો થશે.
બે ચપટી હળદરને બે ચપટી મીઠું સાથે મિક્સ કરો અને તેને ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થશે.
શેકેલી હિંગ અને કાળું મીઠું મિક્સ કરીને ગરમ પાણી સાથે ખાઓ, આરામ મળશે.
જમવાની સાથે ટામેટાં, મૂળા, કાકડીમાં કાળું મીઠું નાખીને ખાવાથી, ફાયદાકારક રહેશે.
આદુના ટુકડા પર કાળું મીઠું નાખીને મોઢામાં રાખીને ચૂસતા રહો, ધીમે ધીમે ગેસ બંધ થઈ જશે.
એક ચમચી જીરું લો અને તેને બે કપ પાણીમાં 10-15 મિનિટ સુધી ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને ભોજન પછી પીવો.
મૂળાનો રસમાં કાળા મીઠું અને હિંગ મેળવીને પીવો.
વધુમાં વધુ પાણી પીવો, તેનાથી પેટ સાફ થશે અને ગેસ બનશે નહીં.
ડુંગળીના રસમાં કાળું મીઠું અને હિંગ પીસીને તેને મિક્સ કરીને પીવાથી પેટનો ગેસ અને ગેસનો દુખાવો મટે છે.
બે ચમચી સફરજનના વિનેગરમાં નવશેકું પાણી મિક્સ કરીને પીવાથી ગેસમાં તાત્કાલિક રાહત મળે છે.
છાશમાં એક ચપટી શેકેલું જીરું, કાળું મીઠું અને ફુદીનો ભેળવીને ભોજન કર્યા બાદ પીવાથી સામાન્ય રીતે ગેસની સમસ્યા થતી નથી.