નવી કુશળતા શીખવાની ક્ષમતા એ જ સફળ જીવનની ચાવી છે. આજે આપણે મજૂરીમાંથી કરોડો રૂપિયાનો ધંધો શરૂ કરનાર ‘અરવિંદ’ની કહાની વિષે જાણીશું. હરિયાણાના રોહતકમાં જન્મેલા અરવિંદના પિતા નાના પાયાના સિવિલ કોન્ટ્રાક્ટર હતા. જ્યારે તેમના પિતાનો ધંધો બંધ થઈ ગયો, ત્યારે જીવન જીવવા માટે અરવિંદને મજૂરી કરવી પડી હતી. તેમણે પોતાનું ઘર પણ વેહચી દીધું અને આખો પરિવાર એક ઓરડા વાળા મકાનમાં ભાડે રહેવા ગયો. આ નાના મકાનમાં અરવિંદ, તેનો એક ભાઈ, એક બહેન અને તેના માતા-પિતા સાથે રહેતા હતા.
વર્ષ 2001 માં, સોળ વર્ષની ઉંમરે અરવિંદે દૈનિક વેતન મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રોજની 50 રૂપિયાની આવકથી તેમના ઘરની આર્થિક જરૂરિયાતો પૂરી થતી હતી. આવું જીવન જીવવું અઘરું હતું પણ અરવિંદ તેના આ જીવનથી હંમેશા ખુશ રહેતો. જો કે, તે તેના પરિવારની આવી સ્થિતિ જોઈને ખૂબ નિરાશ હતો. અરવિંદે વિવિધ પ્રકારની ઘણી નાની-મોટી નોકરીઓ કરી.
વીસ વર્ષની ઉંમરે, અરવિંદે સંગીત પ્રત્યે થોડી રુચિ વિકસાવી અને કેટલાક સ્થાનિક સંગીતકારો સાથે મિત્રતા કરી. આખો દિવસ સખત મહેનત કરી રાત્રે તે ડીજે પાર્ટીમાં તેના મિત્રો સાથે જતો હતો. આ સમયે રોહતકમાં ડીજે એક નવું વલણ હતું અને ત્યાંના લોકો નાના-મોટા પ્રસંગ અને પાર્ટીઓમાં ડીજે ભાડે રાખતા હતા.
અરવિંદને ડીજેનો વ્યવસાય ખૂબ આકર્ષક લાગ્યો, અને તેણે સંગીત પ્રત્યેની તેની રુચિ વધારી. ધીરે ધીરે, ડીજે પાર્ટીઓમાં તેમને ઓર્ડર મળવા લાગ્યા, અને ખૂબ જ ટૂંક સમયમાં, તેણે ડીજેની કળામાં નિપુણતા મેળવી. રોહતક અને આસપાસના વિસ્તારોમાં અરવિંદ સૌથી લોકપ્રિય ડીજેમાંની એક હતો.
ડીજેના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા છતાં, અરવિંદ નવા વ્યવસાયિક ક્ષેત્રો વિશે શીખવા માટે ઉત્સુક હતા. વર્ષ 2013 માં, દિલ્હીના રામલીલા મેદાનમાં ચાલી રહેલા કાર્યક્રમમાં થયેલ અકસ્માત વિશે તેમને જાણ થઈ. ત્યારે તેણે લોકોને આવા પ્રકારના કાર્યક્મમાં એલ્યુમિનિયમ ટ્રસનો ઉપયોગ કરવાથી વાકેફ કર્યા. અરવિંદને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગના ઘણા લોકો જાણતા હતા. તેમણે આ ક્ષેત્રમાં વ્યાપાર કરવકાનું વિચાર્યું અને ટૂંક સમયમાં જ દિલ્હીમાં એલ્યુમિનિયમ ટ્રસના એક વેપારીને મળ્યા.
અરવિંદે એલ્યુમિનિયમ ટ્રસ પર સંશોધન શરૂ કર્યું હતું અને પ્રારંભિક સંશોધન પાછળ તેની કિંમત 10 લાખ રૂપિયા હતી. વ્યવસાય વિશે વધુ સારી રીતે સમજ્યા પછી, તેમણે વ્યવસાયિક લોન લીધી. તેની પ્રથમ એલ્યુમિનિયમ ટ્રસ 9 મહિના પછી તૈયાર થઈ હતી અને તેણે દિલ્હીના તે જ ઉદ્યોગપતિને ફોન કર્યો હતો જેણે શરૂઆતમાં તેના વિચારની મજાક ઉડાવી હતી. તે વેપારીએ તેને તૈયાર કરેલ ટ્રસને દિલ્હીના એક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવાની સલાહ આપી.
અરવિંદ તેની ટ્રસ લઈને દિલ્હી ગયો અને તેને પ્રદર્શનમાં બતાવી. તેમની આ મહેનત સફળ થઈ, અરવિંદને તેના ઉત્પાદન માટે સારો પ્રતિસાદ અને પ્રશંસા મળી. ત્યારથી, અરવિંદની કંપની “ડેવિલ ટ્રસ” નાના અને મોટા કાર્યક્રમમાં ટ્રસના નિર્માણ માટે જાણીતી બની. રાજકીયથી માંડીને કોર્પોરેટ અને મનોરંજન કરનારાઓથી દાર્શનિકો – અરવિંદના ટ્રસનો ઉપયોગ તમામ ઇવેન્ટ્સમાં થતો. 2019 માં, ડેવિલ્સ ટ્રસને ભારતમાં સર્વશ્રેષ્ઠ ટ્રસિંગ કંપનીનો એવોર્ડ મળ્યો હતો.
અરવિંદ પોતાના જીવનમાં બે બાબતોને મહત્વપૂર્ણ માને છે – દ્રઢતા અને કાર્ય કરવા માટે નિશ્ચય. તેઓ માને છે કે આપણા સપના ભલે ગમે તેટલા અવાસ્તવિક હોય, પરંતુ આપણા ધ્યેયને દ્રઢતાથી આગળ વધારવામાં આવે, તો તે ધ્યેય ચોક્કસપણે પ્રાપ્ત થાય છે.