આ મહિલા IPS અધિકારીનું નામ સાંભળતા જ આરોપીઓ તેમનો ગુનો કબુલી લે છે, જે જગ્યાએ બદલી થાય ત્યાંથી ગુનેગારો એ વિસ્તાર છોડીને ભાગી જાય છે

185

આપણે સહુ ઘણા આઈપીએસ અધિકારી વિશે સાંભળીએ છીએ, પણ તેમણે આ સફળતા પાછળ કરેલા સંધર્ષ વિશે નથી જાણતા, પરંતુ અમે તમને વડોદરાના એક મહિલા આઈપીએસના સંઘર્ષની એક એવી કહાની જણાવી રહ્યા છે કે, જેને જોઈ તમને પણ જીવનમાં કંઈક કરવાની ભાવના ઉત્પન થશે. ત્યારે કોણ છે આ મહિલા આઈપીએસ અને કેવી છે તેમની સંઘર્ષમય કહાની…

આ મહિલા પોલીસ અધિકારી છે સરોજ કુમારી, જેમનો જન્મ રાજસ્થાનના ઝુનઝૂનુ જિલ્લાના આંતરિયાળ ગામ બુડાનીયામાં થયો હતો. સરજો કુમારીના પિતા બનવારીલાલ આર્મીમાં હવાલદાર હતા. સરજો કુમારી ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા આર્મીમાંથી નિવૃત થઇ ગયા હતા. સરોજ કુમારીના ત્રણ ભાઇ છે. તેમના પિતાને પેન્શન દર મહિને માત્ર 700 રૂપિયા આવતું હતું. જેથી પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ હતું. જેથી સરોજ કુમારીએ નાનપણથી જ પિતાને સાથ આપવાનું નક્કી કર્યું હતું.

સરોજ કુમારી બાળપણમાં પશુપાલન, ખેતી, ખેત મજૂરી કરી રૂપિયા કમાવતા હતા તેમજ તેઓએ સરકારી શાળામાંથી જ અભ્યાસ કર્યો હતો. તેઓ અભ્યાસ કરવા રોજ 12 કિલોમીટર ચાલીને જતા હતા. તેમ છતાં તેમને જીવનમાં કંઇક કરવાની હિંમત ન હારી. સરોજ કુમારીએ રાજસ્થાનના જયપુરની મહારાણી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ જયપુરની જ રાજસ્થાન યુનિવર્સીટીમાંથી સોશિયોલોજીમાં માસ્ટર ડીગ્રી મેળવી અને ત્યારબાદ બી.એડ કરી ચુરૂમાં એક સરકારી કોલેજમાં લેકચરર તરીકે નોકરી લગ્યા હતા.

સરોજ કુમારી જયપુરમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તેમના બે ભાઇ અને તે પોતે એક રૂમના મકાનમાં ભાડે રહેતા હતા. સરોજ કુમારી કહે છે કે, તેમના આર્દશ ભારતની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદી છે. જેથી તેમને પણ આઇપીએસ અધિકારી બનીને જ રહેવાની પ્રબળ ઇચ્છા હતી. સરોજ કુમારીએ લેકચરરની નોકરી સાથે જ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. તેઓ 2011માં આઇપીએસ અધિકારી બન્યા. તેમણે ગુજરાતના વલસાડમાં સૌ પ્રથમ 6 માસ માટે ટ્રેનિંગ કરી. ત્યારબાદ તેઓ સુરત જિલ્લામાં બે વર્ષ સુધી એએસપી તરીકે ફરજ બજાવી હતી.

જોકે, ત્યારબાદ તેઓની બદલી બોટાદ જિલ્લાના એસપી તરીકે થઇ જ્યાં તેમણે રાજ્યમાં પ્રથમ વખત દેહ વ્યપાર સાથે સંકળાયેલી મહિલાઓને નરકમાંથી બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેમણે 35થી વધુ મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી બહાર કાઢી તેમને પગભર કર્યા હતા. જેથી તેમના કામની કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ટ્વિટ કરી પ્રશંસા કરી હતી. સરોજ કુમારી ઓક્ટોબર 2017માં વડોદરા ડીસીપી ઝોન 4 તરીકે ફરજ પર આવ્યા હતા. વડોદરામાં આવતા જ તેમને ડીસીપી ક્રાઇમનો વધારાનો હવાલો આપી દેવામાં આવ્યો હતો.

આ સાથે સાથે તેમને મહિલા પોલીસ સ્ટેશનના સુપરવાઇઝર પણ બનાવ્યા હતા. સરોજ કુમારીએ એક અધિકારી તરીકે તમામ જવાબદારી નિભાવી હતી. તેમનાથી આરોપીઓ થરથર કાપે છે. સરોજ કુમારીનું નામ સાંભળતા જ કૃખ્યાત આરોપીઓ તેમનો ગુનો કબુલી લે છે. સરોજ કુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે.

વડોદરા પોલીસે સમજ સ્પર્શ નામનો પ્રોજેક્ટ સોપ્યો છે. જેમાં તેમને વડોદરાની 88 શાળાના 1 લાખની વધુ વિદ્યાર્થીઓ, 50 હજારથી વધુ શિક્ષકો અને વાલીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ આપી છે. જેના કારણે તેમને તમિલનાડુના ગર્વનર પુરોહીતે વુમસ આઇકોનનો એવોર્ડ આપ્યો છે. સરોજકુમારીના સમજ સ્પર્શ પ્રોજેક્ટની ફરીથી કેન્દ્રીય મંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રશંસા કરી તેમને સન્માનિત કર્યા હતા.

સરોજ કુમારી કહે છે કે, તેમને બાળપણ જોયું જ નથી. બાળપણમાં તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેમને માત્ર કામ જ કર્યું છે. તેમણે ઘરના કામને પહેલી પ્રાથમિકતા આપી જ્યારે બીજી પ્રાથમિકતા અભ્યાસને આપી હતી. સરોજ કુમારી તમામ મહિલાઓને સંદેશ આપે છે કે, મહિલાઓ જેટલું વધુ સંઘર્ષ કરશે તેટલી જ મોટી સફળતા તેમને મળશે. તેઓ આજે પણ તેમના જુના દિવસો યાદ કરી પોતે જ સિદ્ધી હાંસલ કરી તેના પર ગર્વ અનુભવે છે. ત્યારે ખરેખર આઇપીએસ સરોજ કુમારી દેશની તમામ મહિલાઓ માટે એક પ્રેરણારૂપ મહિલા બન્યા છે.

Previous articleલ્યુના: એનો પણ એક જમાનો હતો કે ‘ચલ મેરી લ્યુના’
Next articleધનની સામે આયુર્વેદને ભૂલી ગયા લોકો અને ધન્વંતરિ તેરસ થઈ ધનતેરસ