Homeખબરપૈસા આપો તો પોલીસ સ્ટેશનમાં/જેલમાં સુવિધા મળે !

પૈસા આપો તો પોલીસ સ્ટેશનમાં/જેલમાં સુવિધા મળે !

લોકઅપ/જેલથી સામાન્ય નાગરિક ડરે છે; કેમકે ત્યાં સુવિધાઓનો અભાવ હોય છે. પરંતુ કૌભાંડ કરીને અમીર બનેલા ઈસમોને પોલીસ એરેસ્ટ કરે ત્યારે એમને સઘળી સુવિધા મળે છે ! અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ અને દશરથ પટેલને બોગસ મંડળીઓ બનાવી કરોડો રુપિયાની જમીનો પચાવી પાડવાના કેસમાં રીમાન્ડ ઉપર લીધા છે.

7 નવેમ્બર 2020 ના રોજ સંદેશ અખબારમાં; આ બન્ને આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે પોલીસ સ્ટેશનના પ્રથમ માળે એક આરામદાયક રુમમાં રાખેલ છે; તેનો ફોટો છપાયો છે. બન્ને આરોપીઓની સેવા કરવા કોન્સ્ટેબલ સંગ્રામસિંહને મૂકવામાં આવેલ ! બન્ને આરોપીઓને તેમના મળતિયાઓ મળી શકે, તેવી વ્યવસ્થા કરી છે. બહારથી ભોજન/મિનરલ વોટર/સિગારેટ આવે છે !

આ સેવા માટે એક અંદાજ મુજબ રોજનો ચાર્જ પાંચ લાખનો છે ! આ બાબતે પત્રકારે વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછ્યું તો તેમનો જવાબ હતો કે મને ખબર નથી ! દોષનો ટોપલો કોન્સ્ટેબલ સંગ્રામસિંહ ઉપર ઢોળીને ભીંનું સંકેલી લેવાશે !

લોકઅપનો/જેલનો ડર બતાવીને પોલીસ લોકોને ખંખેરે છે. ગરીબ/વંચિત/પછાત વર્ગના લોકોને પોલીસની એટ્રોસિટી સહન કરવી પડે છે ! પૈસા આપો તો પોલીસ સ્ટેશનમાં/જેલમાં સુવિધા મળે ! અમીર લોકોને પોલીસ પૈસા લઈને સુવિધા પૂરી પાડે છે; જેલમાં પણ પૈસા ફેંકો; સુવિધા મેળવો, તે સ્થિતિ છે !

અમીર અને સત્તાપક્ષ સાથે જોડાયેલ નેતાને જેલ થઈ હોય તો તેઓ જેલ કરતા સિવિલ હોસ્પિટલમાં વધુ રહે છે ! કેન્દ્ર સરકારના હાલના ગૃહમંત્રીને, મર્ડરના આરોપસર 25 જુલાઈ 2010ના રોજ CBIએ એરેસ્ટ કરેલ અને સાબરમતી જેલમાં પૂરેલ; ત્યારે તેઓ જેલ કરતા સિવિલ હોસ્પિટલમાં વધુ રહેતા હતા ! હોસ્પિટલમાં સીનિયર IPS અધિકારીઓ તેમને મળતા અને સેવા કરતા હતા !

અમીર ગુનેગારોને/વગદાર ઈસમોને ભાગ્યે જ સજા થાય છે; પરંતુ તેમને લાખો/કરોડો રુપિયાનો દંડ સુવિધા પ્રાપ્ત કરવા માટે થાય છે ! નાણા ભરીને લોકઅપ/જેલમાં સુવિધા પ્રાપ્ત કરવાની જોગવાઈ ન હોવાથી; આ નાણા પોલીસ/જેલ અધિકારીઓના ઘેર પહોંચે છે. અખબારમાં આરોપીઓની મહેમાનગતિની વિગતો પ્રસિધ્ધ થઈ એટલે DGPએ અમદાવાદ પોલીસ કમિશ્નરને તપાસ કરવા લખ્યું છે !

શું DGPને એ ખબર નહીં હોય કે અમદાવાદ જ નહીં; આખા ગુજરાતમાં અમીર આરોપીઓને પોલીસ સુવિધા કેમ આપે છે? એક પણ કિસ્સામાં સુપરવાઈઝરી પોલીસ અધિકારીને ખાતાકીય શિક્ષા કેમ થતી નથી? માત્ર કોન્સ્ટેબલ લેવલના કર્મચારી ઉપર દોષનો ટોપલો ઢોળી ઢાંક પિછોડો કેમ કરાય છે?

રમેશભાઈ સવાણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments