જ્યારે આપણે સ્વર્ગની કલ્પના કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણા મનમાં બરફથી ઢંકાયેલા પર્વતો, લીલાછમ જંગલો અને ઝરણાંનું દ્રશ્ય દેખાવા લાગે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે કે, જેને જોયા પછી સ્વર્ગનો અનુભવ થાય છે. આજે અમે તમને ભારતના કેટલાક સુંદર ગામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભારતનાં આ ગામો કોઈ સ્વર્ગથી ઓછા નથી. આ ગામોમાં પર્વતોની હરિયાળી જોવા મળે છે. ચાલો જાણીએ ભારતના 5 એવા સુંદર ગામો વિશે જ્યાં સ્વર્ગનો અનુભવ થાય છે…
1) સ્મીત :- સ્મિત ગામ મેઘાલયની રાજધાની શિલાંગથી 11 કિલોમીટરના અંતરે પર્વતો પર સ્થિત છે. ગામ પ્રકૃતિની સુંદર ચાદર ઓઢેલી હોય તેવું લાગે છે. ભારતના આ સુંદર ગામને પ્રદૂષણ મુક્ત ગામનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. સ્મિત ગામમાં ખુબ જ સુંદરતા જોવા મળે છે. સ્મિતના લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.
2) માવલિનોન્ગ, મેઘાલય :- માવલિનોન્ગ શિલૉન્ગથી લગભગ 90 કિમી દૂર આવેલું એક નાનું ગામ છે. આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો પણ મળેલ છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલુ આ ગામ ખુબ જ સુંદર છે. અહીંયા એશિયાનો સૌથી પ્રખ્યાત રૂટ બ્રિજ પણ આવેલો છે.
3) ખોનોમા :- ખોનોમા ગામ કોહિમાથી 20 કિમી દૂર આવેલું છે. અહીંની હરી-ભરી વાડીઓ લોકોને વધારે આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે, ખોનોમાને એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામમાં 100 થી વધુ જાતિના વન્યપ્રાણીઓ અને જીવજંતુઓ જોવા મળે છે. આ ઉપરાંત લગભગ 250 જેટલી વનસ્પતિના છોડ પણ અહીં જોવા મળે છે.
4) મિરિક :- મિરિક દાર્જીલિંગની પશ્ચિમમાં સમુદ્રની સપાટીથી લગભગ 4905 ફુટની ઉંચાઇ પર સ્થિત એક નાનું સુંદર ગામ છે. આ સ્થાનના કુદરતી દ્રષ્ટિકોણો મનને આકર્ષિત કરે છે. અહીં સ્થિત મીરિક તળાવ આ ગામની સુંદરતામાં વધારો કરે છે. તમને જણાવી દઈએ કે, મીરિક તળાવ પાઈનનાં ઝાડથી ઘેરાયેલું છે. મીરિકમાં ચાનું વાવેતર, જંગલી ફૂલો અને ક્રિપ્ટોમેરિયા વૃક્ષો લોકોને આકર્ષિત કરે છે.
5) મલાના :- હિમાચલની કુલ્લુ ખીણની ઉત્તર તરફ પાર્વતી ખીણની ચંદ્રખાનીની લીલીછમ પહાડીઓમાં સુંદર મલાના ગામ આવેલું છે. આ ગામમાં ખુબ સુંદર ટેકરીઓ આવેલી છે. માલાના ગામ માલાના નદીના કાંઠે વસેલું છે. અહીં પણ તમને સ્વર્ગનો અનુભવ થાય છે.