જાણો, પડદા પ્રથા દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારી ‘ચંદ્રપ્રભા સૈકિયાણી’ વિષે…

રસપ્રદ વાતો

વર્ષ 1925 આસામના નૌ ગામમાં આસામ સાહિત્ય સભાની બેઠક થઈ રહી હતી. આ બેઠકમાં મહિલાઓમાં શિક્ષણના પ્રોત્સાહન અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી અને છોકરીઓમાં શિક્ષણના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો. આ બેઠકમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હતા. પરંતુ સ્ત્રીઓ પુરુષોથી અલગ વાંસના બનેલા પડદા પાછળ બેઠી હતી. 

“ચંદ્રપ્રભા સૈકિયાણીએ સ્ટેજ પર ચડી અને માઇકમાં સિંહ જેવી ગર્જનાના અવાજમાં કહ્યું – “મહિલાઓ તમે કેમ પડદા પાછળ બેઠા છો” અને મહિલાઓને આગળ આવવાનું કહ્યું. તેની આ વાતથી આ સભામાં બેઠેલી મહિલાઓ એટલી પ્રેરીત થઈ ગઈ કે, તેઓ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે રહેલી વાંસની દિવાલ તોડીને પુરુષોની સાથે બેસી ગઈ. આમ ચંદ્રપ્રભાની આ પહેલને આસામના સમાજમાં પ્રચલિત પડદા પ્રથાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આસામમાં રહેનારી ‘ચંદ્રપ્રભા’નો જન્મ 16 માર્ચ 1901 ના રોજ કામરૂપ જિલ્લાના ‘દોઈસિંગારી’ ગામમાં થયો હતો. તેમના પિતા ‘રતિરામ’ મઝુમદાર ગામના મુખી હતા અને તેમણે તેમની પુત્રીના અભ્યાસ પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે માત્ર ચંદ્રપ્રભા પર જ નહીં પરંતુ તેના ગામની છોકરીઓના ભણતર પર પણ ભાર મુક્યો હતો. તેમનો પુત્ર ‘અંતનુ સૈકિયાણી’ એક પત્રકાર છે. “તેણી જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેણે તેના ગામની છોકરીઓ માટે એક પ્રાથમિક શાળા ખોલી હતી. 13 વર્ષીય શિક્ષિકાને જોઇને શાળાના નિરીક્ષક પ્રભાવિત થયા હતા. 

ચંદ્રપ્રભા ઉપર એક નવલકથા લખનાર ‘નિરૂપમા બૉરગોહાઇ’ કહે છે કે ચંદ્રપ્રભા અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ ‘બસ્ત્ર યજના’ એટલે કે વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરવા માટે અભિયાન ચલાવ્યું હતું, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ સમયે મહાત્મા ગાંધી તેજપુર આવ્યા હતા. નિરૂપમા બૉરગોહાઇની નવલકથા ‘અભિજાત્રી’ ને સાહિત્ય એકેડેમી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે કહે છે કે, ચંદ્રપ્રભા સૈકિયાણીના લગ્ન ખુબ જ નાની ઉંમરે એક વધારે ઉંમરવાળા પુરુષ સાથે નક્કી કરવામાં આવ્યા હતા જેનો તેણે ઇનકાર કરી દીધો હતો.

લેખિકા નિરૂપમા બૉરગોહાઇ કહે છે કે તે ખૂબ જ હિંમતવાન મહિલા હતી. જ્યારે તે શિક્ષક હતી ત્યારે તે એક પુત્રની માતા બની હતી. ચંદ્રપ્રભાએ માત્ર કન્યા કેળવણી માટે જ નહીં પરંતુ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને રાજ્યભરમાં આઝાદીની ચળવળ ફેલાવવા સાયકલ ચલાવીને રાજ્યભરની યાત્રા કરી હતી.

તેમનો પુત્ર અંતનુ કહે છે કે, “ગામમાં અનુસૂચિત જાતિના લોકોને તળાવમાંથી પાણી લેવા દેવામાં આવતું ન હતું પરંતુ ચંદ્રપ્રભા સૈકિયાણીએ તેની સામે લડ્યા હતા અને લોકોને તેમનો હક અપાવ્યો.” તેના પ્રયત્નોથી લોકોને તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મળ્યો. તેમણે મંદિરમાં પછાત જાતિના પ્રવેશ માટે પણ આંદોલન કર્યું પરંતુ તે તેમાં સફળ થઈ શક્યા નહીં. 1930 માં તેમણે અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા. 1947 સુધી તેમણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું. તેમના કાર્ય બદલ તેમને 1972 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *