Home ધાર્મિક ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ...

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ અહીં આવે છે, જાણો આ પવિત્ર ચોટીલા ધામની કથા વિષે…

1893

જો તમે ચામુંડા માતાના દર્શન કરવા માટે ચોટીલા મંદિર આવવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારી યાત્રાને વધુ સરળ બનાવશે. આજે આપણે ચામુંડા માતાના આ ધાર્મિક સ્થળ વિષે થોડું વિગતવાર જાણીએ. ચોટિલા મંદિર એક હિન્દુ ધર્મનું મંદિર છે, જે માતા ચામુંડાનું ખૂબ જૂનું મંદિર છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ચોટીલા હીલ તરીકે ઓળખાતા ડુંગર પર આવ્યું છે, જેનું આ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વ છે.

માતાના દર્શન કરવા અને માતાના આશીર્વાદ મેળવવા માટે દેશ-વિદેશથી હજારો ભક્તો આ મંદિરમાં આવે છે. આ શહેરનું સંચાલન નાગર પાલિકા દ્વારા કરવામાં આવે છે. માતા શક્તિ તરીકે ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ છે. જેને રણચંડી, ચર્ચિકા અને ચંડી ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે, આખા દેશમાં માતાનું મંદિર એટલે કે મઢ મોટા ભાગે ડુંગરની ટોચ પર જ હોય છે. આ કારણોસર, લોકોમાં એવી માન્યતા પણ છે કે માતાના દર્શન કષ્ટ ઉઠાવીને જ થાય છે.

આજે ઘણા સ્થળોએ રોપ-વેની સુવિધા બનાવવામાં આવી છે, જેથી ડુંગર ચડવો સરળ બને. પરંતુ ચોટીલામાં કોઈ પણ જગ્યાએ રોપ-વેની સુવિધા નથી, તેથી માતાના દર્શન કરવા માટે તમારે સીડી ઉપર ચડવું પડશે. ચોટીલામાં લગભગ 635 પગથિયા છે. પરંતુ બીજા બધા મંદિરની સીડીઓ કરતા અહીં ઓછી સીડીઓ છે.

પહેલાં ચોટીલાનો ડુંગર ચડવા માટે રફ (કાચી) સીસીઓ (દાદર) હતી.પરંતુ, અત્યારે ફક્ત થોડા વર્ષો પહેલા તે સંપૂર્ણપણે પાકી સીડીઓમાં ફેરવાઈ ગયો છે. અને બધી સીડીઓની ઉપર પતરા ફિટ કરેલા છે. જેથી યાત્રાળુઓ તડકા અને વરસાદથી રક્ષણ મેળવી શકે અને સરળતાથી ડુંગર પર ચડી શકે. દાદરમાં થોડા થોડા અંતરે પીવાના પાણીની સુવિધા અને પંખાની પણ સુવિધા છે. અહીં માતાના મંદિરે દર્શન કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ એકવાર તમે પર્વત પર પહોંચ્યા પછી તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરશો, સાથે સાથે તમે પર્વતની આજુબાજુના સુંદર દૃશ્યનો આનંદ પણ માણી શકો છો. પ્રાચીન કાળમાં આ સ્થળને ‘છોટગઢ’ તરીકે પણ ઓળખાતું હતું. હજારો વર્ષો પહેલા ચંડ-મુંડ નામના બે રાક્ષસો અહીં રહેતા હતા અને અહીં રહેતા સામાન્ય લોકોને હેરાન કરતા હતા. તેથી અહીં રહેતા લોકો અને ઋષિઓએ આદ્ય શક્તિની ઉપાસના કરી, પછી માતા પ્રસન્ન થયા અને તે બે રાક્ષસોનો વધ કર્યો. તેથી લોકોએ તે જ પર્વત પર માતા ચામુંડાના નામે માતાની સ્થાપના કરી હતી, જ્યાં માતાએ તે બંને રાક્ષસોનો વધ કર્યો હતો.

ચામુંડા માતાનું વાહન સિંહ છે અને આજે પણ એવી માન્યતા છે કે, રાત્રિના સમયે અહીં સિંહ આવે છે જેના કારણે લોકોને સાંજની આરતી બાદ મંદિરની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પુજારી પણ સાંજની આરતી બાદ નીચે ઉતરી જાય છે. રાત્રે માતાની મૂર્તિ ઉપરાંત આ ડુંગર ઉપર કોઈ માનવ રહેતું નથી.

ચોટીલા મંદિરની મૂર્તિ સ્વયંભુ છે. માતા એકવાર તેના ભક્તના સ્વપ્નમાં આવ્યા હતા, ત્યારે તેમણે તે ભક્તને એક નિશ્ચિત સ્થળ ખોદીને તેની પ્રતિમાનું અનાવરણ કરવાનો આદેશ આપ્યો હતો. તેણે પણ એવું જ કર્યું અને ચામુંડામાની મૂર્તિ મળી આવી હતી. આજ જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે, મંદિર પણ એ જ જગ્યાએ છે છતાં યાત્રાળુઓની સુવિધા માટે ત્યાં વિસ્તૃત હોલ અને કાર્પેટ અને પગથિયાં સાથે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

દર્શનનો સમય :-
દરરોજ સવારે 06:30 થી 07:30 વાગ્યા સુધી

આરતીનો સમય :-
સોમવારથી શનિવાર – સવારે 6 થી સાંજે 6 વાગ્યે
રવિવારે સવારે – 05:30 વાગ્યે અને સાંજે 06:00 વાગ્યે

દરેક પૂર્ણિમાના દિવસે આરતીનો સમય :-
સવારે 04:00 વાગ્યે અને સાંજે 06:00 વાગ્યે

ચોટીલાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી નથી દર્શન એકદમ નિ: શુલ્ક છે. મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ છે.
આ સાથે વાહન પાર્કિંગની સારી વ્યવસ્થા પણ છે જે એકદમ નિ: શુલ્ક છે. મંદિરમાં યાત્રાળુઓ માટે ફ્રીમાં જમવાની વ્યવસ્થા પણ છે, જે બપોરે 11 વાગ્યાથી થી 2 વાગ્યા સુધી ચાલે છે. જો તમરે મંદિરમાં ન જમવું હોય તો પ્રાઇવેટ રેસ્ટોરેન્ટની સુવિધા પણ છે, ત્યાં તમને બધી જ પ્રકારનું જમવાનું મળી રહે છે.

ચોટીલા એક ધાર્મિક સ્થળ હોવાને કારણે, અહીં ઘણી ધર્મશાળાઓ અને પ્રાઇવેટ હોટલો પણ છે, જ્યાં તમે તમારી જરૂરીયાતો અનુસાર હોટેલની રૂમનું બુકિંગ કરી શકો છો.