અમે ન તો સૌથી ઉચ્ચા પર્વતોની વાત કરી રહ્યા છીએ અને ન પર્વતોમાળાની. આજે અમે સૌથી ધાર્મિક પર્વતો વિશે વાત કરી રહ્યા છીએ. તો ચાલો જાણીએ 10 સૌથી પવિત્ર પર્વતો વિશે.
1. કૈલાસ પર્વત :- હિંદુઓ આ પર્વતને સૌથી પવિત્ર માને છે. એવું માનવામાં આવે છે કે, અહીં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. આ પર્વતની નજીક માનસરોવર આવેલું છે. આ સ્થાન સાથે સંકળાયેલ વિવિધ માન્યતાઓ અને લોકવાયકાઓ ફક્ત એક જ સત્યને પ્રદર્શિત કરે છે, જે એ છે કે, ઈશ્વર જ સત્ય છે અને સત્ય જ શિવ છે. આ પર્વત ચીનના તિબેટમાં આવેલ છે.
2. માઉન્ટ આબુ :- માઉન્ટ આબુ પર્વત રાજસ્થાન અને ગુજરાત સીમા પર આવેલો છે. આ પર્વત નીલગિરિ પર્વતમાળાનો સૌથી ઉંચો પર્વત છે, આ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલો છે. માઉન્ટ આબુ હિન્દુ અને જૈન ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે. માઉન્ટ આબુ પ્રાચીન કાળથી જ સાધુ-સંતોનું નિવાસ સ્થાન છે. જૈન ધર્મના 24 મા તીર્થંકર ભગવાન મહાવીર પણ અહીં આવ્યા હતા. માઉન્ટ આબુમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં શિવજીના પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.
3. નંદાદેવી પર્વતો :- માતા નંદાદેવીના નામે ઓળખાતો આ પર્વત ભારતનો બીજો અને વિશ્વનો 23 મો સૌથી ઉંચો પર્વત છે. ભારતમાં આ પર્વત કરતા ઉંચો પર્વત કંચનજંગા પર્વત છે. નંદાદેવી પર્વત ભારત અને નેપાળના સરહદી ક્ષેત્રમાં ફેલાયેલો છે. નંદાદેવી પર્વત ભારતના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લામાં આવેલ છે.
4. ગોવર્ધન પર્વત :- ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલ ગોવર્ધન પર્વત વિશે કહેવામાં આવે છે કે, તે એક શાપને કારણે ધીરે ધીરે નાનો થતો જાય છે. દૂર-દૂરથી ભક્તો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા માટે આવે છે. આ પરિક્ર્મા લગભગ 21 કિલોમીટરની છે. પરિક્રમા જ્યાંથી શરૂ થાય છે, ત્યાં એક પ્રસિદ્ધ મંદિર છે, જેને દાનઘાટી મંદિર કહેવામાં આવે છે. પરિક્રમા માર્ગમાં ઘણા પ્રાચીન અને ધાર્મિક સ્થળો આવે છે, તેમાંથી એક તે સ્થળ એ પણ છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણે આ પર્વત ઉંચો કર્યો હતો.
5. ગબ્બર પર્વત :- ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક નાનકડો પર્વત છે જેને ગબ્બર પર્વત કહેવામાં આવે છે, જે પ્રખ્યાત તીર્થસ્થળ અંબાજીથી 5 કિલોમીટર દૂર છે. આ અરાસુર પર્વત પર પવિત્ર વૈદિક નદી સરસ્વતીનો ઉદ્દગ્મ થાય છે. આ સ્થાન પ્રાચીન પૌરાણિક 51 શક્તિપીઠોમાંનું એક ગણાય છે. પુરાણો અનુસાર અહીં સતીનું હૃદય પડ્યું હતું. તેનું વર્ણન તંત્ર ચુડામણિમાં પણ જોવા મળે છે. મંદિરમાં માતા અંબાના દર્શન કરવા માટે 999 પગથિયા ચઢવા પડે છે.
6. ગિરનાર પર્વત :- ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત ‘ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક’, આ પર્વતનાં જંગલ વિસ્તારમાં સ્થિત છે. ગિરનારનું પ્રાચીન નામ ‘ગિરિનગર’ હતું. ગિરનાર મુખ્યત્વે જૈન લોકો માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. અહીં મલ્લિનાથ અને નેમિનાથનાં મંદિરો પણ આવેલા છે. અહીં સમ્રાટ અશોકનો એક સ્તંભ પણ છે.
7. ચામુંડા ટેકરી :- ચામુંડા ટેકરી મૈસુરથી લગભગ 13 કિ.મી. દક્ષિણમાં સ્થિત છે. આ ટેકરીની ટોચ પર ચામુંડેશ્વરી મંદિર છે, જે દેવી દુર્ગાને સમર્પિત છે. આ મંદિર દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસને હરાવી અને જીત મેળવી હતી તેનું પ્રતીક છે. પર્વતની ટોચ પરથી મૈસૂરના મનોહર દ્રશ્યો દેખાય છે. મંદિરની નજીક મહિષાસુરની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે.
8. ત્રિકૂટ પર્વત :- ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજ્યના કટરા જિલ્લામાં સ્થિત ત્રિકૂટ પર્વત પર એક પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં માતારાણી વૈષ્ણોદેવી બિરાજમાન છે. અહીં માતા વૈષ્ણોદેવી સાથે હનુમાનજી અને ભૈરવનાથજી પણ બિરાજમાન છે. આ પર્વત હિંદુઓનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
9. મનસાદેવી પહાડી મંદિર :- શિવાલિકની ટેકરીઓ વચ્ચે આવેલું માતા મનસાદેવીનું પ્રખ્યાત મંદિર છે. આ પર્વત ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં આવેલો છે. મંદિર ઉંચી ટેકરી પર હોવાથી ત્યાં પહોંચવા માટે રોપ-વેનો ઉપયોગ કરવામાં આવે છે. મનસાદેવીને ભગવાન શિવની પુત્રી માનસ તરીકે પૂજાવામાં આવે છે. તેનો ઉદ્ભવ માથામાંથી થયો હતો, તેથી તેને નામ મનસા પાડવામાં આવ્યું. તેમના પતિ જગત્કારુ અને પુત્ર આસ્તિકજી છે. તે નાગરાજ વાસુકીની બહેન છે. આ મૂળભૂત રીતે આદિવાસીઓની દેવી છે.
10. પાવાગઢ પર્વત :- એવું માનવામાં આવે છે કે, ગુજરાતના પાવાગઢમાં માતાનું વક્ષઃસ્થલ પડ્યું હતું. પાવાગઢ મહાકાળી માતાનું જાગ્રત સ્થળ છે. અહીં લાખો શ્રધ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન કરવા આવે છે. આ પર્વત ગુરુ વિશ્વામિત્ર સાથે પણ સંકળાયેલી છે. એવું કહેવામાં આવે છે કે, ગુરુ વિશ્વામિત્રએ અહીં મહકાળી માતાની તપશ્ચર્યા કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે, મહાકાળી માતાની મૂર્તિને વિશ્વામિત્રએ પ્રતિષ્ઠિત કરી હતી. તેથી અહીં વહેતી નદીનું નામ પણ ‘વિશ્વામિત્ર’ રાખવામાં આવ્યું છે.