Homeરસપ્રદ વાતોશું તમને ખબર છે કે ગાંધીજી એ શા માટે મીઠા નો સત્યાગ્રહ...

શું તમને ખબર છે કે ગાંધીજી એ શા માટે મીઠા નો સત્યાગ્રહ કર્યો હતો, જાણો તેનું કારણ.

૧૯૩૦ મા મહાત્મા ગાંધીજીએ પોતાના ૮૦ સત્યાગ્રહીઓ સાથે સાબરમતીથી મીઠાનો સત્યાગ્રહ કરવા માટે પગપાળા યાત્રા શરુ કરી હતી. ભારતની આઝાદી પાછળ ગાંધીજી અને અન્ય ઘણાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન તથા વિવિધ સત્યાગ્રહોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. ચાલો આજે એવા જ એક અગત્યના સત્યાગ્રહ દાંડીકૂચ વિશે માહિતી મેળવવાની સાથે નવસારીમાં આવેલ દાંડી સ્થળ વિશેની માહિતી મેળવીએ.

આપણે શાળાના અભ્યાસક્રમ દરમ્યાન દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ, નમક સત્યાગ્રહ જેવા શબ્દો અવારનવાર કાને સાંભળ્યા છે. તો આ દાંડી શું છે? નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામા અરબી સમુદ્રના કિનારે વસેલું એક ગામ જ્યા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનુ પસંદ કર્યું અને એ ઐતિહાસિક સ્થળ એટલે દાંડી.

૧૯૩૦ મા મહાત્મા ગાંધી દ્વારા બ્રિટીશરો મીઠા ઉપર લાદવામા આવેલ કરના વિરુદ્ધ અહિંસક નાગરિક અસહકાર કૂચ કરવામા આવી જે ‘મીઠાના સત્યાગ્રહ’તરીકે ઓળખાય છે. આ મહત્ત્વપૂર્ણ અને યાદગાર પ્રસંગના સ્મરણાર્થે તાજેતરમા જ દાંડીમા National Salt Satyagraha Memorial બનાવવામા આવેલ છે. જેનુ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ.

બ્રિટીશ શાશનકાળ દરમિયાન મીઠાના ઉત્પાદન અને વેચાણમા માત્ર બ્રિટીશરોનો જ ઇજારો હતો. તે સમયના કાયદા દ્વારા ભારતીય જનતાને સ્વતંત્રપણે મીઠાનુ ઉત્પાદન કરવા પર અને તેનુ વેચાણ કરવા પર પ્રતિબંધ લાદવામા આવ્યો. ઉપરાંત ભારતીયોને બ્રિટીશરો પાસેથી કર લાદેલુ આયાત કરેલુ મોંઘા ભાવનુ મીઠુ ખરીદવાની ફરજ પાડવામા આવતી.

મીઠુ એ અમીર-ગરીબ સૌની એક આવશ્યક જીવનજરૂરિયાત વસ્તુ છે. સરકારના આવા દમનકારી મીઠાના કરની વ્યવસ્થાને તોડવા માટે ૧૯૩૦ મા મહાત્મા ગાંધીજીએ પોતાના ૮૦ સત્યાગ્રહીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પગપાળા કૂચ કરવાનો નિર્ધાર કર્યો.

આ કૂચમાં સૌથી વયસ્ક સત્યાગ્રહી મહાત્મા ગાંધી પોતે હતા, જ્યારે સૌથી નાના સત્યાગ્રહી વિઠ્ઠલ લીલાધર ઠાકર હતા. તેમની ઉંમર તે વખતે ૧૬ વર્ષની હતી. દિવસના અંતે કૂચ બાદ આખુ જૂથ ગામડામા રોકાતુ જ્યા ગાંધીજી સભા ભરતા અને હજારોની મેદની તેમને સાંભળવા માટે ભેગી થતી. તેમના ભાષણોથી પ્રેરાઈને અન્ય લોકો પણ આ દાંડીયાત્રામા જોડાવવા લાગ્યા.

આખરે ૨૪ દિવસ અને ૨૪૦ માઇલની યાત્રા બાદ ૫ એપ્રિલના રોજ ૮૦ સત્યાગ્રહીઓથી શરૂ કરેલુ જૂથ મોટી સંખ્યામા દાંડી પહોંચ્યુ. ૬ એપ્રિલની સવારે ગાંધીજીએ ચપટી મીઠુ હાથમા લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો. બે મહિના સુધી ગાંધીજીએ આ સત્યાગ્રહ ચાલુ રાખ્યો હતો અને દરેક ભારતીયને મીઠાનો કાયદો તોડવા અનુરોધ કર્યો હતો. વર્ષના અંત સુધીમા ગાંધીજી, જવાહરલાલ નહેરુ સહિત હજારો સત્યાગ્રહીઓની ઘરપકડ થઈ હતી.

ત્યારબાદ લાંબા સમય બાદ બ્રિટીશરોએ મીઠા પરથી કર ઉઠાવ્યો અને ભારતીય મીઠાનુ ઉત્પાદન અને વ્યવસાય કરવા સ્વતંત્ર બન્યા. ભારતના ઇતિહાસમા બ્રિટીશરો વિરુદ્ધ અન્યાય વિરોધી અહિંસાના આંદોલન રૂપે કરેલ આ સત્યાગ્રહે લોકોના મનમા તેની અમીટ છાપ છોડી.

દાંડીમા આવેલ National Salt Satyagraha Memorialમા મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમાની સાથે તે ૮૦ સત્યાગ્રહીઓના જીવન કદની મૂર્તિઓ પ્રદર્શિત કરવામા આવી છે. ઉપરાંત દાંડીકૂચની વિવિધ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનુ નિરૂપણ કરતા ૨૪ વર્ણનાત્મક ભીંતચિત્રો પણ ઉપસાવવામા આવ્યા છે. સાધારણ પ્રવેશ ફી ભરી આ મેમોરીયલની મુલાકાત લઈ શકાય છે.

સુરતથી દાંડી ૨૬ કિ.મીના અંતરે આવેલુ છે. દાંડી પહોંચવા માટે નજીકનુ રેલ્વે સ્ટેશન નવસારી છે, જ્યાંથી રીક્ષા અથવા બસ દ્વારા દાંડી પહોંચી શકાય છે. તમારા પોતાના વાહનની મદદથી તમે દાંડી ઉપરાંત નવસારીના આજુબાજુના અનેક સ્થળો સહેલાઈથી માણી શકો છો.

આ મેમોરીયલની પાસે દરિયો આવેલો છે, જ્યાં સુરત-નવસારીથી અનેક સહેલાણીઓ આવે છે. દરિયાથી થોડે દૂર શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો સમર્પણ આશ્રમ આવેલો છે. જ્યા ચા-નાસ્તો, બપોરના જમણવાર વગેરેનો આનંદ નજીવી કિમતે લઈ શકાય છે. આવા વિવિધ સ્થળોની મુલાકાત અને દાંડીની તાજી યાદ લઈ ઘરે જઈએ ત્યારે આત્મામા અલગ જ ઉર્જાનો સંચાર થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments