ગુજરાતમાં આવેલ અંબાજી મંદિર ખૂબ પ્રાચીન મંદિર છે. માતા અંબા-ભવાનીના શક્તિપીઠોમાંથી માતાના આ મંદિર પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી નથી. આ મંદિર શક્તિના ઉપાસકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં માતા અંબાજી ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે.
અંબાજી માતાનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા પર આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. આ મંદિરના નવીનીકરણનું કામ 1975 થી શરૂ થયું હતું અને આજ સુધી ચાલુ છે. સફેદ આરસપહાણમાંથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઉંચુ છે. શિખર પર 358 સુવર્ણ કળશ સુસજ્જિત છે.
મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર એક પર્વત છે જેને ગબ્બર કહેવામાં આવે છે. આ પર્વત પર માતા અંબાનું પ્રાચીન મંદિર પણ સ્થાપિત થયેલ છે. એવું માનવામાં આવે છે કે, અહીં એક પત્થર પર માતાના પગલા પણ છે. પગનાં નિશાનની સાથે અહીં માતાના રથના ચિન્હો પણ જોવા મળે છે. અંબાજીની મુલાકાત લીધા પછી, ભક્તો ચોક્કસપણે ગબ્બર પર્વત પર જાય છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમના દિવસે અહીં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
અહીં માતાનું એક શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવ્યુ છે કે લોકોને એવું લાગે છે કે, માતા અંબે અહીં સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી કૃષ્ણનો મુંડન સમારોહ અહીં કરવામાં આવ્યો હતો. ભગવાન રામ પણ શક્તિની પૂજા કરવા અહીં આવ્યા હતા.
શક્તિસ્વરૂપ અંબાજી દેશના સૌથી પ્રાચીન 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. હકીકતમાં, હિન્દુ ધર્મના બાર શક્તિપીઠ છે. નવરાત્રી દરમિયાન અહીંનું વાતાવરણ આકર્ષક અને શક્તિશાળી હોય છે. નવ દિવસીય નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાના દર્શન માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે. નવરાત્રીમાં આ મંદિરના આંગણમાં ગરબા લેવામાં આવે છે અને શક્તિની આરાધના કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતના ખેડુતો તેમના પરિવારના સભ્યો સાથે આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે ભેગા થાય છે.
આ સિવાય અહીં જોવા માટે અન્ય સ્થળો પણ છે, જેમાં સનસેટ પોઇન્ટ, ગુફાઓ, માતાજીનો ઝૂલો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થસ્થાન અંબાજી મંદિર, માતા દુર્ગાના 51 શક્તિપીઠોમાંનું એક છે અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તમે રાજસ્થાન કે ગુજરાતમાંથી અહીં પહોંચી શકો છો. અહીંનું નજીકનું સ્ટેશન માઉન્ટઆબુ છે. તમે અમદાવાદથી પણ હવાઈ માર્ગ દ્વારા અહીં પહોંચી જઈ શકો છો. અંબાજી મંદિર અમદાવાદથી 180 કિમી અને માઉન્ટઆબુથી 45 કિમી દૂર આવેલું છે.