હિન્દી ફિલ્મોમાં ‘બેડમેન’ તરીકે જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવર ૨૧ સપ્ટેમ્બરના રોજ પોતાનો ૬૫ મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ગુલશન ગ્રોવરે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ભારતની વિવિધ ભાષાઓમાં પણ કામ કર્યું છે. જેમાં હોલીવુડ, જર્મન, પોલિશ, કેનેડિયન, ઈરાની, મલેશિયન, યુકે અને નેપાળી ફિલ્મોનો સમાવેશ છે.
પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવનારા ગુલશન ગ્રોવર માટે તે એટલું સરળ નહોતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન ગુલશન ગ્રોવરે પોતાના જીવન વિશે કહ્યું કે મેં મારા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. મારું બાળપણ ખરાબ પરિસ્થિતિમાં વિતાવ્યું હતું. મને હજી યાદ છે કે મારી સ્કૂલ બપોરે હતી પણ હું સવારે સ્કૂલનો ગણવેશ મૂકીને ઘરની બહાર નીકળતો હતો.
દરરોજ સવારે હું મારા ઘરથી દૂર આવેલા મોટા રહેણાંક વિસ્તારમાં વાસણ અને લોન્ડ્રી ડિટરજન્ટ પાવડર વેચતો હતો. ક્યારેય ડીટરજન્ટ પાવડર તો ક્યારેક ફીનાઈલ ની ગોળી તો ક્યારેક સફાઈ કરવાના પોતા પણ વેચતા. આ બધું વેચીને જે પૈસા મળતા તેમાંથી તે સ્કુલ નો ખર્ચો કાઢતા હતા. અહિયાં રહેતા લોકો મારી પાસેથી સમાન પણ ખરીદી લેતા કારણ કે તે લોકો પણ ઈચ્છતા હતા કે હું મારો આગળ નો અભ્યાસ પૂરો કરું.
હું મારી ગરીબીથી ક્યારેય ડરતો નથી. આનું સૌથી મોટું કારણ મારા પિતા છે જેમણે હંમેશાં અમને પ્રામાણિકતા અને સખત મહેનતનો માર્ગ અપનાવવાનું શીખવ્યું. તે દિવસોમાં અમારી પાસે ખાવા માટે પૈસા પણ નહોતા. ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું.
મને કહેવામાં કોઈ શરમ નથી કે અમે કોલેજ સુધી પણ આવી જ હાલતમાં હતા અને જ્યારે હું અભિનય માટે મુંબઈ આવ્યો હતો, ત્યારે પણ ઘણી વાર ભૂખ્યો હતો. દરરોજ હું વિચારતો હતો કે આજે બહાર નીકળવાનો દિવસ છે, ક્યાં જવું છે પરંતુ મેં હિંમત ગુમાવી નથી. જીતવાનો પ્રયાસ કરી રહ્યો પરિણામ તમારા બધાની સામે છે.
ગુલશન ગ્રોવરનું માનવું છે કે તે પહેલા ભારતીય અભિનેતા છે કે જેણે હોલીવુડની ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. તેમની પ્રથમ હોલીવુડ ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મૌગલી અને બલ્લુ’ વર્ષ ૧૯૯૭ માં જ રજૂ થઈ હતી.