જાણો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ મંદિરનો રસપ્રદ ઇતિહાસ…

498

વિશ્વમા ભગવાન શિવના લાખો મંદિરો છે, ભગવાન શિવના 12 મંદિરો વિશેષ છે. પરંતુ શું તમે જાણો છો કે, ભગવાન શંકરના બે મુખ્ય જ્યોતિર્લિંગોની સાથે 4 એવા શિવાલય છે, જેની ઉત્પત્તિની કથા એકબીજા સાથે જોડાયેલી છે અને તેમનો ઉદ્ભવ એક જ ઘટના સાથે જોડાયેલો છે. એક દંતકથા અનુસાર, દ્વાપરા યુગમાં પાંડવો ગોત્ર હત્યાના પાપથી મુક્ત થવા માટે ભગવાન શંકરની આશીર્વાદ મેળવવા માંગતા હતા, પરંતુ શિવ તેમનાથી ગુસ્સે હતા. આવી સ્થિતિમાં, પાંડવો તેમની શોધમાં હિમાલય પહોંચ્યા. પરંતુ ભગવાન શંકર પાંડવોને દર્શન આપવા માંગતા ન હતા, તેથી તેઓ ત્યાંથી કેદારમાં જતા રહ્યા.

પરંતુ પાંડવો પણ દ્રઢ હતા. ભગવાન શંકરની પાછળ તેઓ પણ કેદાર પહોંચ્યા. પછી ભગવાન શંકરે બળદનું રૂપ લીધું અને તે ત્યાંથી જતા રહ્યા અને અન્ય પ્રાણીઓના સમૂહમાં ભળી ગયા. પાંડવોને આ વાતનો સંદેહ થઈ ગયો હતો, તેથી ભીમે તેનું વિશાળ રૂપ ધારણ કર્યું અને બે પર્વતો પર પગ ફેલાવી દીધા. બધી જ ગાયો અને બળદો પર્વત પર રાખેલ ભીમના પગની નીચેથી નીકળી ગયા, પરંતુ શંકરજી તેના બળદ રૂપથી  પગની નીચે જવા તૈયાર ન હતા. ભગવાન શિવ બળદના રૂપમાં જમીન પર પ્રવેશ કરવા લાગ્યા અને ભગવાન શંકરના રૂપી આખલાએ તેનું મસ્તક પર્વતમાં ફસાવી દીધું. આમ આથી આપણે તેને પશુપતિ નાથ તરીકે ઓળખીએ છીએ.

પર્વતમાં ફસાઈ જતાં ભીમે તેની પીઠ પકડી લીધી, પછી ભીમે બળદના શિંગડા પકડ્યા. પછી અંતે ભગવાન શંકર પાંડવોની ભક્તિ અને નિશ્ચય જોઈને પ્રસન્ન થયા. તેણે તરત જ પાંડવોને દર્શન આપીને પાપમાંથી મુક્ત કર્યા. ત્યારથી બળદના શરીરની પીઠના રૂપમાં ભગવાન કેદારનાથની પૂજા કરવામાં આવે છે. શ્રી કેદારનાથને પંચકેદાર પણ કહેવામાં આવે છે. અહીં શિવજીના ભવ્ય મંદિરો છે.

શિયાળા દરમિયાન આ મંદિરના દરવાજા બંધ રહે છે કારણ કે, ભારે બરફવર્ષાના કારણે મંદિર બરફથી ઢંકાયેલું રહે છે. કેદારનાથના દર્શન માટે આ મંદિર ઉનાળામાં વૈશાખી પૂનમ પછી ખોલવામાં આવે છે. દિવાળી પછી, જ્યારે પડવાના દિવસે મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે, ત્યારે મંદિરમાં એક દીવો પ્રગટાવવામાં આવે છે. પછી 6 મહિના બાદ જ્યારે પુજારી મંદિરનો દરવાજો ખોલે છે, ત્યારે તેને દીવો પ્રગટતો જ જોવા મળે છે.

આશ્ચર્યજનક વાત તો એ છે કે, જ્યારે મંદિર ખોલવામાં આવે છે, ત્યારે મંદિરને જયારે બંધ કરવામાં આવ્યું હોય તેવું જ સાફ હોય છે. જ્યારે કેદારનાથના દરવાજા બંધ કરવામાં આવે છે, ત્યારે પુજારીઓ ભગવાન શિવના વિગ્રહ અને દાંડીને 6 મહિના સુધી પર્વત પરથી ઉખીમઠમાં લઈ જાય છે અને ત્યાં તેમની પૂજા કરે છે. 6 મહિના પછી, પૂજારીઓ તેમને પાછા કેદારનાથમાં લાવે છે.

પાંડવોથી સંબંધિત આ દંતકથા ઉપરાંત, અન્ય દંતકથા અનુસાર, કેદારનાથ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઉંચાઇ પર સ્થિત છે, તે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. અહીં ભગવાન શિવના બિરાજમાન થવાંની એક રસપ્રદ કથા પણ છે, જે ભગવાન વિષ્ણુના અવતારો નર અને નારાયણ સાથે સંબંધિત છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર,હિમાલયના કેદાર શ્રુંગ પર નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે મહાદેવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા હતા. નર-નારાયણે ભગવાન શિવને કેદાર શ્રુંગ પર સ્થાયી થવા વિનંતી કરી હતી, તેથી ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં અહીં બિરાજમાન થયા હતા.

Previous articleજાણો મહાભારત કાળના આ 5 મહાન લોકો વિષે, જે આજે પણ છે ચિરંજીવી…
Next articleજાણો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા વિષે, જેણે સત્ય અને ધર્મનું પાલન કરવા માટે તેની પત્ની અને પુત્રને વેચી દીધા હતા.