એવું કહેવામાં આવે છે કે જ્યાં ચાહ હોય છે, ત્યાં રાહ પણ હોય છે. આ કહેવતની સાબિત કરી છે મુંબઈના રહેવાસી “જસવંતી” બેન. બિઝનેસની એબીસીડીથી અજાણ જસવંતી હંમેશાં કંઈક એવું કરવા માંગતી હતી કે, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બને. આ હેતુ માટે તેણે તેની છ સખીઓ સાથે મળીને પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
આ માટે તેણે 80 રૂપિયા પણ ઉધાર લીધા હતા. પરંતુ તેની મહેનત એક રંગ લાવી અને તેમના દ્વારા બનાવેલો પાપડ આખા દેશમાં એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યો. જેને આપણે “લીજ્જત પાપડ”ના નામથી જાણીએ છીએ. વર્ષ 2018 માં કંપની ટર્નઓવર આશરે 800 કરોડ રૂપિયા હતું.
લિજ્જત પાપડ બનાવવાની શરૂઆત વર્ષ 1959 માં થઈ હતી. આ માટે જસવંતી બેન ઉપરાંત તેની 6 સખીઓએ પણ આ કાર્યમાં ભાગ લીધો હતો. જેમાં પાર્વતીબેન રામદાસ ઠોડાની, ઉઝમબેન નારણદાસ કુંડલીયા, ભાનુબેન તન્ના, લાગુબેન અમૃતલાલ ગોકાણી અને જયાબેન વિઠ્ઠલાણીનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ તેમણે ઘરે પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને પાપડ વેચવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
બધી બહેનપણીઓએ પાપડ બનાવવાની શરૂઆત ધંધાના મક્સદથી નહીં પરંતુ ઘર ચલાવવા માટે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે કરી હતી. આ માટે તેણે એક સામાજિક કાર્યકર પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા હતા. જેથી તે પાપડ બનાવવાનો સામાન ખરીદી શકે. તેણે સૌથી પહેલા એક મશીન ખરીદ્યુ. શરૂઆતમાં તેણે પાપડના 4 પેકેટ બનાવ્યા અને વેપારીને વેચી દીધા. પછી ધીમે ધીમે પાપડની માંગ વધી અને લોકોમાં તેની બ્રાન્ડ લોકપ્રિય થઈ ગઈ.
દરેક ભારતીય ઘરમાં પોતાનું સ્થાન બનાવનાર પ્રખ્યાત પાપડ કંપની લિજ્જતનું નામકરણ વર્ષ 1962 માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સંસ્થાને ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ નામ આપવામાં આવ્યું હતું. 2002 માં લિજ્જત પાપડ કંપનીનું ટર્નઓવર લગભગ 10 કરોડ હતું. હાલમાં તેની 600 થી શાખાઓ છે, જેમાં લગભગ 45 મહિલાઓ કાર્યરત છે. વર્ષ 2018 માં કંપનીનું ટર્નઓવર 800 કરોડ રૂપિયા થયું.