ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત પિંક તળાવની જેમ ભારતમા પણ એક તળાવનુ પાણી ગુલાબી થઈ ગયુ છે. જાણો આ સરોવર વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો. ઘણીવાર કુદરત પોતાનો રંગ બતાવે છે જેને કારણે આપણે બધા આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવુ જ કંઈક મહારાષ્ટ્રના લોનાર તળાવ સાથે બન્યુ છે. રાતોરાત આ તળાવનુ પાણી ગુલાબી થઈ ગયુ. હવે આ ગુલાબી તળાવ એક ટ્વિટર ટ્રેન્ડ બની ગયુ છે. આ ઘટના બાદ અહીંના સ્થાનિકો આશ્ચર્ય ચકિત થઇ ગયા છે. તળાવના પાણીનો રંગ કઈ રીતે બદલાવ્યો તેનુ કારણ શોધવા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. પાણીનો કોઈ રંગ હોતો નથી તો પછી તેનો રંગ બદલાઈ ને ગુલાબી કેમ થઈ ગયો.
શુ તમે ઓસ્ટ્રેલિયાના પિંક લેક વિશે સાંભળ્યુ છે? દૂર-દૂરથી લોકો તે તળાવ જોવા માટે આવે છે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની ગયુ છે. તો હવે તમારે પિંક લેક જોવા ઓસ્ટ્રેલિયા જવાની જરૂર નથી. હવે તે મહારાષ્ટ્રમા જ જોવા મળશે. વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કે તે કેટલો સમય ગુલાબી રહેશે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કુદરતી તળાવની ઉંમર 50 હજાર વર્ષ છે. આ તળાવ પૃથ્વી પર પડતી ઉલ્કાના કારણે બન્યુ છે. આ તળાવને પ્રથમ જ્વાળામુખીનો ખાડો હોવાનુ અનુમાન લગાવવામા આવ્યુ હતુ.પરંતુ પાછળથી તે સાબિત થયુ કે આ મીઠા પાણીનુ તળાવ ઉલ્કાના પતન દ્વારા રચાયેલ છે. જો કે ૨૦૧૦ મા કરાયેલા એક અધ્યયનમા કહેવામા આવ્યુ છે કે આ તળાવની ઉંમર ૫૦ હજાર વર્ષથી વધુ જૂની હોઈ શકે છે.
તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આઈઆઈટી બોમ્બે દ્વારા કરવામા આવેલા અધ્યયનમા જાણવા મળ્યુ છે કે આ તળાવમા હાજર ખનીજ એપોલો પ્રોગ્રામ અંતર્ગત પૃથ્વી ઉપર પાછા લાવવામા આવેલા ખનીજ સાથે મેળ ખાય છે. હવે આ ચોક્કસપણે એક અનન્ય હકીકત છે.
આ તળાવ મુંબઇથી ૫૦૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામા હાજર છે. તે મહારાષ્ટ્રના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનુ એક છે. નિષ્ણાંતોના મતે આ પાણીનો રંગ પહેલીવાર બદલાયો નથી પરંતુ તે પહેલા પણ બદલાયો છે. આ વખતે તે ખૂબ જ ગુલાબી થઈ ગયુ છે. પ્રારંભિક તપાસમા નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે કે આ પાણીની ખારાશ તેમા રહેલા તત્વો અને શેવાળને લીધે આવુ પરિવર્તન થયુ છે. આ તળાવનો વ્યાસ આશરે ૧.૨ કિલોમીટર છે અને તે હવે કુદરતી પરિવર્તનનો અનોખો દાખલો બની ગયો છે.
લોનાર તળાવ ખૂબ જ વિશેષ છે કારણ કે તેને રાષ્ટ્રીય જિઓ હેરિટેજ સ્મારક તરીકે જાહેર કરાયુ છે. તેમા મીઠા પાણીનુ પીએચ સ્તર ૧૦.૫ છે. પી.ટી.આઇ. સાથે વાત કરતા લોનાર તળાવ સંરક્ષણ અને વિકાસ સમિતિના સભ્ય ગજાનન કરાતે કહ્યુ કે લોનાર તળાવની સપાટીથી ૧ મીટર નીચે ઓક્સીઝન નથી. ઈરાનના એક તળાવનુ પાણી પણ લાલ થઈ જાય છે. પાણીના રંગ વિશે અત્યાર સુધીમા ઘણા સિદ્ધાંતો બહાર આવી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર સંશોધન જાહેર ન થાય ત્યાં સુધી કોઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાતો નથી.