માતા ભવાનીના આ શક્તિપીઠ મંદિરમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર, એવું કહેવામાં આવે છે કે, જ્યારે ભગવાન વિષ્ણુએ માતા સતીના શરીરથી મોહ દૂર કરવા માતાના શરીરના ઘણા ભાગો કર્યા હતા. જ્યાં માતાના શરીરના ભાગો, વસ્ત્રો અને આભૂષણો પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી. તો આજે અમે તમને 51શક્તિપીઠોમાંના એક તાંત્રિક પૂજા માટે જાણીતા શક્તિપીઠ વિષે જણાવીશું…
આસામના નીલાંચલ પર્વત ઉપર સમુદ્રની સપાટીથી આશરે 800 ફુટની ઉંચાઇ પર અહીં એક દેવી મંદિર છે, જે “કામખ્યા દેવી” મંદિર તરીકે જાણીતું છે. આ મંદિર દેવીના 51 શક્તિપીઠોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ જ્યારે દેવી સતીના શરીરને ચક્રથી કાપી નાખ્યું હતું, ત્યારે સતીના શરીરનો યોનિનો ભાગ આ સ્થળે પડ્યો હતો.
આ માન્યતાને કારણે, આ મંદિરમાં કામખ્યા દેવીની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દર વર્ષે ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રહે છે. આ દરમિયાન માતા કામખ્યા રજસ્રાવ હોવાનું માનવામાં આવે છે. અને તેમના શરીરમાંથી રક્ત નીકળે છે. આ સમય દરમિયાન શક્તિપીઠની આધ્યાત્મિક શક્તિ વધી જાય છે. તેથી દેશના વિવિધ ભાગોમાંથી તાંત્રિકો અને સાધકો અહીં આવે છે. તેઓ આસપાસની ગુફાઓમાં રહીને સાધના કરે છે.
ચોથા દિવસે માતાના મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે. માતાના ભક્તો અને સાધકો મોટી સંખ્યામાં દિવ્ય પ્રસાદ પ્રાપ્ત કરવા આવે છે. આ દિવ્ય પ્રસાદમાં લાલ રંગનું વસ્ત્ર આપવામાં આવે છે જેને માતા રજસ્રાવ દરમિયાન ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ વસ્ત્રનો ટુકડો જે વ્યક્તિને મળે છે તેની બધી મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે.
માતાની શક્તિમાં જે લોકો વિશ્વાસ રાખે છે તે ધન્ય બની જાય છે. જે લોકો દૈવી શક્તિમાં વિશ્વાસ નથી કરતા તેઓ પણ અહીં આવીને માતાના ચરણોમાં માથું ઝૂકાવે છે અને દેવીના ભક્ત બની જાય છે. અહીં માતા કામખ્યા ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.