મહાત્મા ગાંધીજી આચાર્ય વિનોબા ભાવેને આઝાદીના આંદોલનના પ્રથમ અને સંપૂર્ણ સત્યાગ્રહી માનતા હતા. આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા વિનોબા ભાવે યુવાનીમાં હિમાલય જવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ગાંધીજીની વૈચારિક પ્રેરણાએ અને સંગઠને તેમને સર્વોદયની સાધનાનો માર્ગ કાયમ માટે સ્પષ્ટ કરી દીધો. આઝાદીના આંદોલનનું સત્યાગ્રહી સ્વરૂપ અને આઝાદી પછી ભૂદાન આંદોલનના નેતા, તેમના આ બંને સ્વરૂપો સમાન છે.
તેમને એક એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે કે, જેમણે સત્ય, પ્રેમ અને કરુણાને આધાર માની સમગ્ર લોકોને પોતાની વૈચારિક ઉર્જાના યોગથી શાંતી અને સેવામય જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હતો. વિનોબા ભાવેએ સરળ ભાષા શૈલીમાં ગીતાના ગ્રંથની રચના કરી, જેથી ગામડાની અભણ મહિલાઓ પણ ગીતા જેવા ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે. એક સાચો અને સરળ વિદ્વાન જ લોક સમાજને તેની ભાષામાં જીવનનો અર્થ સમજાવી શકે છે. વિનોબાએ તેમના જીવનમાંથી એ શીખવ્યું કે જીવનનો અર્થ લોકોની સાથે એક રૂપ થવાનો છે.
આઝાદી પછી, વિનોબાએ ચૌદ વર્ષ સુધી સતત પદયાત્રા કરી હતી. તેમણે દેશના દરેક ભાગમાં અને પાડોશી દેશોમાં પણ પગપાળા પ્રવાસ કર્યો હતો. વિનોબાની પદયાત્રા એટલે દરરોજ નવી જમીન અને દરરોજ નવા આસમાનની નીચે જીવવાનો પ્રત્યક્ષ અનુભવ. દરરોજ નવા લોકો સાથે જીવન જીવવાનું. દરરોજ સવારે ચાર વાગ્યે વિનોબાની પદયાત્રાની ટોળી નવા સ્થળ તરફ જવા માટે નીકળી જતી હતી.
આપણા દેશમાં પદયાત્રા એ લોક-સંપર્ક અને અભ્યાસની ખૂબ જ જૂની પદ્ધતિ છે. આદિ શંકરાચાર્યએ પણ પગપાળા ચાલીને ભારતના લોકોને આત્મનિર્ભર કર્યા હતા. વિશ્વના તમામ ધર્મોનો સંપૂર્ણ અભ્યાસ કરીને દરેક ધર્મનો સાર લખવોએ વિનોબાની માનવતા પ્રત્યેની અનુભૂતિ છે. તેમણે કહ્યું હતું કે, આપણે બાળકોને જે વાર્તાઓ કહીએ છીએ તે એક ધર્મની નહીં અનેક ધર્મોની હોવી જોઈએ. બાળકો હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી નથી હોતા બાળકો તો ભગવાનનું એક સ્વરૂપ હોય છે.
ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને વિનોબાએ ‘સબૈ ભૂમિ ગોપાલ કી’ ના માધ્યમથી સમજાવ્યો. જીવન જીવવાનાં શિક્ષણ વિશે સમજાવતી વખતે વિનોબા એ કહ્યું હતું કે, અર્જુનને યુદ્ધ કરતી વખતે ઘણા પ્રશ્નો થયા હતા, તે પ્રશ્નોના જવાબ માટે, શ્રી કૃષ્ણએ ભગવદ્દ ગીતાની રચના કરી, આને શિક્ષણ કહેવાય છે. બાળકને ખેતરમાં કામ કરવા દો. જો તેને ત્યાં કોઈ પ્રશ્ન ઉભો થાય, તો તેનો જવાબ આપવા માટે, ભૌતિક વિજ્ઞાન અથવા બીજું કંઈપણ જરૂરી જ્ઞાન આપો, એ જ સાચું શિક્ષણ છે.
વિનોબાએ વારંવાર અભ્યાસના વિષય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જો અભ્યાસ ક્રાંતિનો વિષય અને વિચારોનો પરિચારક ન હોય તો બાળકો કેવી રીતે કાર્ય કરશે? તે કહે છે કે, કાર્યનું મહત્વ છે, પરંતુ કાર્યકરનારનું જ્ઞાન કાર્ય કરતા પણ વધારે મહત્વનું છે.
વિનોબા કહેતા હતા કે, શરીરમાં જે સ્થાન શ્વાસનું છે, તેવી જ રીતે સમાજમાં વિશ્વાસનું સ્થાન છે. વિનોબાએ સેવા કાર્ય અને આધ્યાત્મિક અભ્યાસને ક્યારેય જુદો માન્યો નથી. વિનોબા બધા જ સેવાકાર્યને ભક્તિનો માર્ગ માનતા હતા.