ભાષાની વિવિધતાઓની સાથે ઔદ્યોગિક વિવિધતાઓથી બનેલુ સુરત શહેર ડાયમંડ હબ ઑફ ઇન્ડિયા, ટેક્ષટાઇલ સીટી ઑફ ઇન્ડિયા, સિલ્ક સીટી ઑફ ઇન્ડિયા, ફ્લાયઓવર સીટી ઑફ ઇન્ડિયા વગેરે નામથી પણ ઓળખાય છે. કહેવાય છે કે ૧૫ મી સદીના છેલ્લા વર્ષોમા ગોપી નામના બ્રાહ્મણે આ શહેર શોધ્યુ હતુ જેને તેમણે સૂર્યપુર નામ આપ્યુ હતુ. જેનો ઈ.સ.૧૫૧૨ તેમજ ૧૫૩૦ મા પોર્ટુગીઝ દ્વારા વિનાશ કરવામા આવ્યો હતો. ઈ.સ. ૧૫૭૩ મા મુઘલોએ સુરત શહેર જીતી લીધુ. બ્રિટીશ અને ડચ બન્ને પ્રજાતિએ સુરતને જીતવાના પ્રયાસ કર્યા અને સને ૧૮૦૦ થી સુરત બ્રિટીશરોના હસ્તક આવ્યુ. ૧૫૨૦ મા અસ્તિત્વમા આવેલ ”સૂર્યપુર” ત્યારથી ”સુરત” બન્યુ.
તાપી નદીના કાંઠે વસેલુ સુરત ”પોર્ટ સીટી” પણ કહેવાતુ હતુ. ભારતના દરેક ધર્મ-રાજ્યની જાતિ, જ્ઞાતિના લોકોને પોતાનામા સમાવીને બેઠેલા આ શહેરમા તમને ગુજરાતી, સૂરતી બોલી સહિત, સૌરાષ્ટ્રની કાઠિયાવાડી, પારસી, મરાઠી, હિન્દી સહિત અનેક ભારતીય ભાષા સાંભળવા મળશે. તો ચાલો આજે આપણે ગુજરાતના અભિન્ન અંગ ગણાતા એવા સુરત શહેર વિષેની કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણીએ.
૧) નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ મુજબ સુરત બેંગ્લોર અને મદ્રાસ પછી આગળ પડતુ ભારતનુ ધનવાન શહેર ગણાય છે.
૨) ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં આશરે ૯૦-૯૫% હીરા પોલીશ અને મેન્યુફેક્ચર થાય છે. દુનિયામા વેચાતા હીરાઓમા ૮૦% હીરાઓ સુરતમા પોલીશ થયેલા હોય છે.
૩) એ.એ.આય-એરપોર્ટ ઓથોરેટી ઓફ ઇન્ડિયા 8 બિલીયન ડોલર તો માત્ર હીરાની નિકાસથી કમાય છે.
૪) સુરતનો ડાયમંડ ઉદ્યોગ આશરે 3 લાખ રત્નકાલાકારોને રોજી આપે છે.
૫) ભારતના સહુથી ઝડપથી વિકાસ પામતા શહેરમા સુરતનો સમાવેશ થાય છે.
૬) ચંદીગઢ અને મૈસુર બાદ સુરત ભારતનુ ત્રીજુ સ્વચ્છ શહેર છે.
૭) સુરત મહાનગરપાલિકા ભારતનુ ”ધનવાન” મહાનગરપાલિકા ગણાય છે.
૮) સૌથી વધુ ૧૨૨ જેટલા બ્રીજ હોવાથી સુરત ”ફ્લાયઓવર સીટી” તરીકે પણ ઓળખાય છે.
૯) સુરતની ટેક્ષટાઇલ ગુણવત્તા ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે. ૫ માંથી આશરે ૧ સાડીનુ ઉત્પાદન સુરતમા થયેલું હોય છે. માટે જ સુરત ”ટેક્ષટાઇલ સીટી” પણ કહેવાય છે.
૧૦) સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનુ ૨ જા ક્રમ પર આવતુ સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે.
૧૧) સુરત ભારતનુ એકમાત્ર શહેર છે જે પોતાનુ મ્યુનિસિપલ બજેટ દર અઠવાડિયે રજૂ કરે છે.
૧૨) શહેરના દરેક રોડ પર સીસીટીવી મૂકનાર ભારતનુ પહેલું શહેર સુરત છે.
૧૩) કાશીનુ મરણ ને સુરતનુ જમણ” આ કહેવત તો તમે સાંભળી જ હશે! એ વ્યક્તિ નસીબદાર ગણાય છે જે સુરતમા જમે અને કાશીમાં મૃત્યુ પામે! સુરત પોતાની ખાણીપીણી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.
૧૪) સુરતના લોચો-ખમણ, સુરતી ઊંધિયુ, સરસિયા ખાજા, પોંકવડા, નાનખટાઈ અને ઘારી જાણીતી સ્વાદિષ્ટ વાનગીઓ છે.
૧૫) ભારતના અન્ય શહેરો કરતા સુરતમાં પાણી અને વીજળીની રાહત છે.
૧૬) અરબી સમુદ્રના કાંઠે આવેલ સુરતના હજીરા પોર્ટ પર ESSAR, ADANI, RELIANCE, ONGC, SHELL, L&T, KRIBHCO, GAIL, NTPC, GSPC, ABG SHIPYARD જેવી અનેક કંપનીઓ આવેલી છે, જ્યાં સુરત અને સુરત બહારના અનેક લોકો રોજગારી મેળવે છે.
અને અંતે નજીકના ભવિષ્યમા જ સુરત શહેર પણ અમદાવાદની જેમ મેટ્રો સીટી બની જશે. મિત્રો ૨૦ મી સદીથી આજસુધી સુરતમા આશરે ૨૦ જેટલા પૂરની હોનારતો થઈ છે. વર્ષ ૨૦૦૬ મા આવેલા વિનાશક પૂર વખતે તો સમગ્ર દુનિયા કહેતી હતી કે સુરત દસ વર્ષ પાછળ ઠેલાઈ જશે, પરંતુ સુરતની પ્રજાએ તેમને ખોટા ઠેરવ્યા ને માત્ર બે મહિનામા જ સુરત ફરી બેઠુ થયુ. ત્યારબાદ આ શહેરે કરેલો વિકાસ સમગ્ર દુનિયા જોઈ રહી છે. ત્સુનામી વખતે જાપાને કહ્યુ હતુ કે પૂર વખતે સુરતના લોકોની હિંમતે તેમને ત્સુનામી સામે લડવાની પ્રેરણા આપી.
સુરતમા ફરવાલાયક જાણીતા સ્થળો વિશે જોઈએ તો, ડુમસ, સુવાલી, ઉભરાટ, ડભારી અને દાંડી જેવા મનોરમ્ય દરિયાઓથી સુરત શોભે છે. ઉપરાંત સુરતનો કિલ્લો, સાયન્સ સીટી સેન્ટર, ગોપી તળાવ, નર્મદ લાયબ્રેરી, ઈસ્કોન મંદિર, અંબિકાનિકેતન મંદિર, ચિંતામણી જૈન મંદિર, ગૌરવપથ, કોઝ-વે, તાપી રિવરફ્રન્ટ જોવાલાયક સ્થળો છે. જ્યાં દર રવિવારે સુરતીઓ સપરિવાર ફરવા જાય છે અને પીપલોદ, વેસુ પર ફૂટપાથ પર બેસી સ્વાદિષ્ટ પરાઠાની લિજ્જત માણે છે. દરેક ધર્મ અને જાતિને અહી સન્માન મળે છે, ગણેશચતુર્થી, નવરાત્રી, દિવાળી અને ઈદ હોય કે નાતાલ, દરેક તહેવારો અહીંની પ્રજા ખૂબ ઉત્સાહ અને સંપથી ઉજવે છે. રવિવાર એટલે ”બાપનો દહાડો” કહેનારા મોજીલા સુરતીઓ ખાવા અને ખવડાવવાના ખૂબ શોખીન છે.