Homeધાર્મિકદેવઉઠી એકાદશીના દિવસે કેમ કરવામાં આવે છે તુલસી અને શાલિગ્રામના વિવાહ, જાણો...

દેવઉઠી એકાદશીના દિવસે કેમ કરવામાં આવે છે તુલસી અને શાલિગ્રામના વિવાહ, જાણો તેની પૌરાણિક કથા…

કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠીની એકાદશી કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દેવઉઠીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રા પછી જાગે છે. તેથી આ અગિયારસને દેવોત્થાન અથવા દેવઉઠીની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ થયા હતા. ભગવાન વિષ્ણુ જ શાલીગ્રામ છે. તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે. તેથી જ્યારે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી ઉઠે છે, ત્યારે સૌથી પહેલા હરિવલ્લભા તુલસીની પ્રાર્થના સાંભળે છે, તેથી તે તુલસી વિવાહ માટે આ શુભ મુહુર્ત માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે, ભગવાન વિષ્ણુને કેમ તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસી અને શાલિગ્રામના લગ્ન શા માટે કરવામાં આવે છે.

પૌરાણિક કથા અને હિન્દુ પુરાણ કથા અનુસાર, તુલસી એક રાક્ષસની પુત્રી હતી. તેનું નામ ‘વૃંદા’ હતું. રાક્ષસ કુળમાં જન્મી હોવા છતાં વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદા જ્યારે મોટી થઈ ત્યારે ‘જલંધર’ નામના શકિતશાળી અસુર સાથે તેના લગ્ન થયા હતા. વૃંદાના પતીવ્રતા ઉપવાસને કારણે તેના પતિ જલંધર અજેય બની ગયા, જેના કારણે જલંધરને તેની શક્તિઓ પર અભિમાન આવી ગયું. તેણે સ્વર્ગ પર આક્રમણ કરી અને દેવલોકની કન્યાઓને પોતાના કબજામાં લઈ લીધી. તેથી બધા દેવતાઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણમાં ગયા અને જલંધરનો આતંક સમાપ્ત કરવાની પ્રાર્થના કરી, પરંતુ વૃંદાના પતિવ્રતા વ્રતને કારણે જલંધરનો અંત કરવો અસંભવ હતું.

વૃંદાનું સતીત્વ ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરી વૃંદાની પાસે ગયા. વૃંદા વિષ્ણુજીને તેના પતિ સમજી અને પૂજામાંથી ઉભી થઈ ગઈ, જેથી તેનું પતિવ્રત વ્રત તૂટી ગયું. વૃંદાના પતિવ્રત ધર્મ તૂટવાને કારણે જલંધરની શક્તિઓ ઓછી થઈ ગઈ. જ્યારે વૃંદાને શ્રીહરિના કપટ વિશે જાણ થઈ, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું, હે નાથ, મેં આજીવન તમારી પૂજા કરી તો પણ તમે મારી સાથે આવું કૃત્ય કેમ કર્યું? 

શ્રીહરિ વિષ્ણુએ વૃંદાના કોઈપણ સવાલનો જવાબ આપ્યો નહીં, પછી વૃંદાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે, તમે મારી સાથે એક પથ્થરની જેમ વ્યવહાર કર્યો છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે, તમે પણ એક પથ્થર બની જશો. ભગવાન વિષ્ણુ તેમના શ્રાપને કારણે પથ્થર બની ગયા. વિષ્ણુજી પથ્થર બની ગયા હોવાને કારણે જગતનું સંતુલન બગડવાનું શરૂ થયું. પછી બધા દેવતાઓએ વૃંદાને તેનો શ્રાપ પાછો લેવા વિનંતી કરી. વૃંદાએ ભગવાનની પ્રાર્થના સ્વીકારી અને તેમનો શ્રાપ પાછો લઈ લીધો, પરંતુ વૃંદા સાથેના કપટને કારણે ભગવાન વિષ્ણુ શરમજનક થયા, તેથી વૃંદાના શ્રાપને સ્વીકારીને તેમણે પોતાનું એક રૂપ પથ્થરમાં પ્રવિષ્ટ કર્યું જે શાલિગ્રામ નામથી જાણીતા બન્યા.

ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા પછી, વૃંદા જલંધર સાથે સતી થઈ ગઈ. વૃંદાના શરીરની રાખમાંથી એક છોડ ઉત્પ્ન્ન થયો. જે છોડનું નામ શ્રી હરિ વિષ્ણુએ તુલસી રાખ્યું અને એક વરદાન આપ્યું કે તુલસી વિના હું કોઈ પણ પ્રસાદ સ્વીકારીશ નહીં. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, શાલિગ્રામ સાથે તુલસીના લગ્ન થશે. 

દેવતાઓએ વૃંદાની મર્યાદા અને પવિત્રતા જાળવવા માટે, ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપના વિવાહ તુલસી સાથે કરાવ્યા. કહેવાય છે કે, આ જ કારણે દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે, અને તેને તુલસી વિવાહ કહેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments