માઈકલ ફેરાડે નો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૭૯૧ ના દિવસે લંડનના પરા વિસ્તારમા થયો હતો. આધુનિક જીવનને આધુનિક બનાવનાર વીજળી ના શોધક તરીકે ફેરાડેના આપણે સૌ હંમેશા ઋણી રહીશુ. માઈકલના પિતા લુહારીકામ કરતા હતા. ગરીબાઈના કારણે ફેરાડે ઉચ્ચ શિક્ષણ પામી શકેલા નહીં. ૧૪ વર્ષની ઉંમરે સ્થાનિક બુક બાઈન્ડરને ત્યા કામ કરવાનુ શરૂ કર્યું હતુ. પુસ્તકોના વાંચન દ્વારા પોતાની જાતે ભણતા રહ્યા હતા.
અહીંથી જ તેઓ વિજ્ઞાન તરફ આકર્ષાયા અને પુસ્તકોથી પ્રભાવિત થઈ ઇલેક્ટ્રિસિટીના અભ્યાસમા રસ પડ્યો. આમ ફોર્મલ શિક્ષણ નહિવત હોવા છતાં એક મહાન વિજ્ઞાનિકની જેમ ઘડાતા ગયા. આ બાબત દરેકના માટે પ્રેરણા દાયક સાબિત થઈ શકે છે. આપણે કોલેજ કરીને કારકુન બનવા માગતા હોય તો જુદી વાત છે. બાકી શોધ અને સંશોધન અંદરથી ઉદભવે છે. જ્ઞાનની ભૂખ ઊઘડે તો અશિક્ષિત પણ કમાલ કરી શકે છે.
થોમસ અલ્વા એડિસન અને ફેરાડે બંનેએ ફોર્મલ શિક્ષણ સીમિત હોવા છતા મહાન શોધો કરી. જે શિક્ષણથી વંચિત પણ મહાન કાર્ય કરવા ઇચ્છુક દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે. માઈકલ ફેરાડે ઇલેક્ટ્રિસિટી અંગેના કાર્યથી જાણીતા છે. તેમણે સૌપ્રથમ ઇલેક્ટ્રીક જનરેટર બનાવ્યુ. જેના આધારે સમય જતા ઇલેક્ટ્રીક મોટર બની. આ એક એવી શોધ હતી જેણે દુનિયાને આધુનિક બનવામા ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે.
આજે આપણે વીજળી વિનાનો કલાક પણ કાઢી શકતા નથી. દરેક ક્ષેત્રે વીજળી અનિવાર્ય થઈ ગયી છે. જે ફેરાડેની શોધનુ મહત્વ સમજાવવા પૂરતુ છે. ફેરાડેનું ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટીઝમ ક્ષેત્રે મોટુ પ્રદાન છે. ડાયમેગ્નેટિઝમ એ તેમની શોધ છે. એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોડ, આયન જેવા શબ્દો તેમણે પ્રચલિત કર્યા. ઊંચા તાપમાને કામ કરી શકે તેવા કાચના સંશોધનમા પણ તેમનુ પ્રદાન છે. રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ કામ તેમણે કર્યું છે. વાયુના પ્રવાહીકરણ માટે પણ કામ કર્યું. કાર્બન અને ક્લોરીનના સંયોજન બનાવ્યા. આમ વિવિધ ક્ષેત્રે માઈકલ ફેરાડે એ કામ કર્યું છે.
રોયલ સોસાયટી :-
ફેરાડે એ રોયલ ઇન્સ્ટીટ્યુટ સાથે ખૂબ કામ કરેલુ. તેઓને રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ બનવા ઓફર થયેલી. જે તેમણે અસ્વીકાર કરેલી.
ફેરાડેના જીવનનો એક પ્રસંગ છે. જે પ્રેરણાદાયી છે. :-
તેઓ એક પ્રયોગનુ નિદર્શન કરવાના હતા. ઘણા લોકો જોવા આવેલા. એક સ્ત્રી પોતાના નાના બાળકને તેડીને આવેલી. પ્રયોગ સાધારણ હતો. માત્ર એક મીટરની સોય વીજળીથી હાલી શકે તેવુ બતાવવામા આવ્યુ હતુ. પેલી સ્ત્રી અકળાઈને બોલી કે આટલું બતાવવા અમને બધાને બોલાવ્યા છે? કોઈ કાર્ય થયેલુ તો દેખાતુ નથી. એ સમયે હજુ વીજળી શોધાઈ નહોતી. એટલે એ સ્ત્રીને શુ ખબર કે એક મીટરની સોય હલવી એ અભૂતપૂર્વ છે એવુ તે નહોતી જાણતી.
ફેરેડેએ શાંતિથી કહ્યું, કે ”તમારું બાળક અત્યારે કશુ કરી શકતુ નથી. તે રીતે મારો પ્રયોગ પણ કોઈ કામ કરતો દેખાતો નથી. પણ તમારુ બાળક જેમ મોટુ થઈને ઘણુ બધુ કરશે, તેવી રીતે મારો પ્રયોગ મહાન કામ કરશે.”આમ, નાની વાતોમાથી પ્રેરણા લઈએ તો જીવન ઉન્નત બનાવવા ઉપયોગી બને.