હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ગુરુવારનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે લોકો ભગવાન વિષ્ણુની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે, તેમની બધી ઇચ્છાઓ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે. હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, સમયાંતરે પાપનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ આ પૃથ્વી પર પ્રગટ થયા હતા. ક્યારેક મર્યાદા પુરુષોત્તમ રામ, તો ક્યારેક શ્રી કૃષ્ણના અવતારમાં ભગવાને તેમના ભક્તોના દુઃખો દૂર કર્યા. આ કળિયુગમાં પણ ભગવાન વિષ્ણુના આ મંદિરોમાં તેમના ભક્તોની શ્રદ્ધા જોવા મળે છે. તો ચાલો ભગવાન વિષ્ણુના પ્રખ્યાત મંદિરો વિશે જાણીએ.
1) બદ્રીનાથ :- શ્રી બદ્રીનાથ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદાના કાંઠે આવેલ છે. તે હિંદુ ધર્મના ‘ચાર ધામ’ તીર્થસ્થાનમાંનું એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત 108 મંદિરોમાંનું એક છે, જેનો ઉલ્લેખ છઠ્ઠીથી 9 મી સદીના તમિલ સંતો દ્વારા કરવામાં આવ્યો હતો.
2) જગન્નાથ :- આ મંદિર પણ વૈષ્ણવોના ‘ચાર ધામ’ માં સમાવિષ્ટ છે. જગન્નાથ પુરીને લગતી ઘણી અદભૂત કથાઓ છે, જે આજે પણ જોવા મળે છે. અહીં દર વર્ષે નીકળતી વિશેષ રથયાત્રામાં લાખો ભક્તો આવે છે. અહીં ભગવાન વિષ્ણુ તેમના જગન્નાથ અવતારમાં બિરાજમાન છે.
3) રંગનાથ સ્વામી :- આ મંદિર દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લી શહેરના શ્રીરંગમમાં આવેલું છે. રંગનાથ સ્વામી શ્રી વિષ્ણુના વિશેષ મંદિરોમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામે અહીં લંકાથી પાછા ફર્યા બાદ પૂજા-અર્ચના કરી હતી.
4) વેંકટેશ્વર :- આ ભગવાન વિષ્ણુના સૌથી પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. વેંકટેશ્વર મંદિર તિરુપતિ પાસે આવેલ તિરુમાલા ટેકરી પર આવેલું છે. દર વર્ષે અસંખ્ય લોકો અહીં ભગવાન વેંકટેશના દર્શન કરવા આવે છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
5) દ્વારકાધીશ :- આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે, દ્વારકાધીશ લગભગ 2000 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એટલા મહત્વપૂર્ણ છે કારણ કે, તે દ્વારિકામાં છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રહેતા હતા. દ્વારકાધીશ એ ‘ચાર ધામ’ માંનું એક છે.
6) વિઠ્ઠલ રુક્મણી :- આ વૈષ્ણવ મંદિર મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલું છે. વિઠ્ઠલ રુક્મણી, ભગવાન વિષ્ણુના રૂપ વિઠોબાને સમર્પિત છે. અહીં શ્રી હરિ અને તેમના પત્ની રુક્મણી બિરાજમાન છે.