Home જીવન શૈલી આ એક રોગ જ બધા રોગનો બાપ છે, કબજીયાત થયા પછી જ...

આ એક રોગ જ બધા રોગનો બાપ છે, કબજીયાત થયા પછી જ બધા રોગ જન્મે છે શરીરમાં..

4927

આજે આપણે તેવી પરિસ્થિતિ અંગે વાત કરવાં જઇ રહ્યાં છીએ જે દરેક માનવીએ જીવનનાં એક તબક્કે ચોક્કસ અનુભવ કર્યો જ હશે અને અત્યારે આ લેખનાં વાચકવર્ગમાંથી પણ ઘણાં હાલમાં પણ તેનો અનુભવ ચોક્કસ કરી જ રહ્યાં હશે. હા હું વાત કરવાં જય રહ્યો છું. અજીર્ણ એટલે કે અપચો. સામાન્ય ભાષામાં જાણવું તો પેટ સાફ ન થવું. આ એક એવો રોગ છે જે આહાર વિહારનું ધ્યાન ન રાખતાં તરત જ ઉદ્ભવે છે અને અન્ય અનેક રોગોને આમંત્રણ આપે છે.

આયુર્વેદમાં અજીર્ણનું ખૂબ મહત્વ છે. આયુર્વેદનાં મહાન આચાર્ય જણાવે છે કે મોટાં ભાગે દરેક પ્રકારનાં શારીરિક રોગો જઠરાગ્નિનાં મંદ પડવાથી ઉત્પન્ન થાય છે અને ઉદર રોગોનું મુખ્ય કારણ તો મંદાગ્નિ જ છે. આ સાથે અજીર્ણ, દૂષિત આહારનું સેવન અને મળનો સંચય પણ ઉદર રોગની ઉત્પત્તિ કરે છે.

આ અજીર્ણનાં લક્ષણો આચાર્ય ચરકે નીચે મુજબ વર્ણવ્યાં છે.

1. પૂરી રીતે પેટ સાફ ન થવું

2. શરીરમાં શિથિલતા અનુભવવી

3. માથામાં દુખાવો

4. પીઠ અને કમર જકડાવવી અથવા દુખાવો થવો

5. આળસ આવવી

6. વધુ તરસ લાગવી

7. ઉબકા કે ઉલ્ટી જેવી અનુભૂતિ

8. ઝીણા તાવ જેવું લાગવું

9. વારંવાર થોડી થોડી માત્રામાં મળની પ્રવૃત્તિ

10. ચક્કર આવવાં

11. ભોજનમાં અરૂચિ

આ બધાં જ ઓછી કે વધુ માત્રામાં રોગીની પરિસ્થિતિ અનુસાર ઉપસ્થિત થાય છે. ન પચેલો આહાર તે ‘આમ’ ની ઉત્પત્તિ કરે છે અને આ આમવિષ જયારે પિત્તની સાથે કુપિત થાય છે ત્યારે બળતરા, તરસ, મુખનાં વિવિધ રોગો, એસિડિટી અને અન્ય પિત્તનાં રોગો પેદા કરે છે. જયારે તે કફની સાથે કુપિત થાય છે ત્યારે શરદી, યક્ષ્મા (ટી.બી. ની સાથે સરખામણી અમુક હદે કરી શકાય) , પ્રમેહ જેવાં કફ જાણીતું રોગોની ઉત્પત્તિ કરે છે. જયારે તે વાયુની સાથે કુપિત થાય છે ત્યારે તે વાયુ જનિત અનેક બીમારીઓ પેદા કરે છે.

તે જયારે મૂત્રાશયમાં પ્રવિષ્ટ થાય છે મૂત્રનાં વિકારો પેદા કરે છે અને મલની સાથે સંપર્કમાં આવતાં વિવિધ ઉદરના રોગો અને રસ, રક્ત વગેરે સાથે મિશ્રિત થતાં તેનાં વિવિધ વ્યાધિઓને ઉત્પન્ન કરે છે. આમ જો અજીર્ણ કે અપચાને જો તમે અવગણતાં હોવ તો તમારે જાગવાની ખૂબ જ જરૂર છે. અજીર્ણ તે એક એવી પરિસ્થિતિ છે જે અન્ય વ્યાધિઓને આમંત્રણ આપે છે.

અજીર્ણનાં કારણો –

1. થોડાંક સમય પહેલાં આપણે વેગધારણ વિષે સમજી ગયાં, તે જ અજીર્ણનું પણ કારણ છે.

2. આ ઉપરાંત, યોગ્ય પ્રમાણમાં નિંદ્રા ન લેવી અથવા સૂવાનો સમય નક્કી ન હોવો તે પણ એક કારણ છે. રાત્રે મોડાં સુધી જાગવું તે પણ નિંદિત છે.આ ઉપરાંત યોગ્ય શૈલીમાં ન સૂવું તે પણ અજીર્ણનું કારણ છે. ઘણાં લોકો ઊંધા કે પછી વિષમ અવસ્થામાં સૂઈ જાય છે. જે પણ ખોરાકનાં પાચનમાં અવરોધ બને છે.

3. આ ઉપરાંત યોગ્ય રીતે બેસીને ભોજન ન લેવું તે પણ અજીર્ણ કરી શકે છે. પહેલાનાં સમયમાં લોકો પલાંઠી વાળીને જમીન પર બેસતાં અને થાળીને પાટલા ઉપર રાખીને સન્માન આપતાં. હવે પાશ્ચાર્ત્ય સંસ્કારોનું અનુસરણ કરવાં જતાં બૂફે કે ઉભા ઉભા ખાવું તેનું ચલણ વધી ગયું છે. પલાંઠી વાળીને બેસવાથી ત્યાં રક્ત ઓછાં પ્રમાણમાં જાય છે અને જઠરને યોગ્ય માત્રામાં રક્ત મળે છે. જયારે ઉભા ઉભા ખાવાથી શરીરનું કામ વધી જાય છે.

4. આ ઉપરાંત વિવિધ પ્રકારનાં માનસિક કારણો પણ અજીર્ણ માટે કારણભૂત કહેવામાં આવ્યા છે. ઈર્ષ્યા, ભય, ક્રોધ, લોભ અને ચિંતા પણ અજીર્ણનું કારણ બને છે.

5. અતિ ગુરુ, અભિષ્યંદિ અને વધુ પડતું ખાવું તથા જરૂર કરતાં વધુ પાણી પીવું તે પણ અજીર્ણનું કારણ બને છે. દરેક મનુષ્યે પોતાનાં પેટનું સાંભળવું જોઈએ ન કે જીભનું.

અજીર્ણનાં પ્રકાર – આયુર્વેદનાં ગુણી અને મહાન આચાર્યોએ અજીર્ણનાં લક્ષણો અનુસાર પ્રકાર પાડયા છે અને તે પ્રમાણે અલગ અલગ ચિકિત્સાઓ વર્ણિત છે.

(1) વિષ્ટબ્દ્ધ અજીર્ણ – તે વાતદોષની અધિકતાને કારણે થાય છે. જેમાં પેટમાં પીડા, મળ રોકાઈ જવો, વાછૂટ ન થવી અને પેટમાં વાયુ ફરતો હોય તેવી અનુભૂતિ થવી, અંગો જકડાઈ ગયા હોય તેમ લાગવું અને તેમાં પીડાની અનુભૂતિ થાય છે.

(2) વિદગ્ધ અજીર્ણ – તે પિત્તદોષની અધિકતાને કારણે થાય છે. તેમાં અતિ તરસ અને પરસેવો થવો, બળતરા થવી, અંગોમાં સોજાની અનુભૂતિ, ખાટાં ઓડકાર આવવા, આ ઉપરાંત ઓડકારમાંથી ધુમાડો કે બાષ્પ નીકળતી હોય તેવી અનુભૂતિ થાય છે. જો તે વધે તો ભ્રમ અને મૂર્છા પણ આવી શકે છે. ઘણી વાર હ્ર્દયનાં ભાગમાં બળતરાં પણ જોવા મળી શકે છે.

(3) આમ અજીર્ણ – તે કફદોષની અધિકતાને કારણે થાય છે. જે અંતર્ગત શરીરમાં ગુરુતા અને આળસ લાગે છે. ગાલ અને આંખ પાર સોજો આવ્યો હોય તેમ અનુભવ થાય છે. જે ખોરાક લીધો હોય તેનાં જ ઓડકાર સતત આવે રાખે છે. ઉલ્ટી અને ઊબકાની અનુભૂતિ થાય છે. હ્ર્દયમાં બળતરા અનુભવાતી નથી જે વિદગ્ધ અજીર્ણમાં જોવા મળે છે.

(4) રસશેષ અજીર્ણ – જેમાં આહારનાં અમુક અંશો પચતાં નથી અને તે અજીર્ણને પેદા કરે છે. તેનાં લક્ષણોમાં ગુરુતા, અન્ન પ્રત્યે અરુચિ અને હૃદયનાં ભાગમાં ગુરુતા અનુભવાય છે.

(5) દિનપાકી અજીર્ણ – તેમાં તે જ દિવસે ખોરાક પચતો નથી પણ તે બીજા દિવસે પચન પામે છે. એટલે કે ખોરાકને પચતાં 24 કલાકથી વધુ સમય લાગે છે.

(6) પ્રાકૃત અજીર્ણ – તે રોગની અવસ્થાને ઉત્પન્ન કરતો નથી અને તે સામાન્ય છે. ખોરાક લઈએ અને તે જ્યાં સુધી પચે નહિ તેને અજીર્ણ માનવામાં આવે છે. તે રોજ ઉત્પન્ન થાય છે અને ખોરાક પચતાં સમાપ્ત થાય છે. તે સ્વસ્થ અવસ્થા દર્શાવે છે.

અજીર્ણ ન થાય તે માટેનાં ઉપાયો –

1. પોતાની પ્રકૃતિ અનુસાર જ ભોજન લેવું. જીભની લોલુપતાને નિયંત્રણમાં રાખી પેટને ક્યારે પણ સંપૂર્ણ ન ભરી દેવું.

2. ઋતુ અનુસાર અગ્નિનું બળ જોઈને જ ભોજનનું માત્ર નક્કી કરવી.

3. જમવા માટેનો એક સમય નક્કી કરવો અને તે પ્રમાણે જ નિયમિત રહેવું.

4. રાતે મોડે સુધી જાગવું નહિ અને ઊંઘ માટે એક નિયત સમય નક્કી કરવો.

5. રાતે વધુ પડતાં અભિષ્યંદિ અને ગુરુ ખોરાકને ટાળવાં.

6. વધુ પડતાં ઠંડા પીણાં, ચા અને કોફી લેવાનું ટાળવું.

7. ઊંઘવાના આશરે 2-3 કલાક પહેલાં જ જમી લેવું.

અજીર્ણ માટેની ચિકિત્સા – વૈદ્યની સલાહ લઈને નીચેમાંથી કોઈ પણ ચિકિત્સા રોગીની પરિસ્થિતિ અને લક્ષણો અનુસાર શરૂ કરી શકાય. યોગ્ય જ્ઞાન વગર જાતે જ ચિકિત્સા ચાલુ કરી દેવી તે ફાયદો કરતાં વધુ નુકસાન કરી શકે છે.

1. દીપન ચિકિત્સા – તેમાં જઠરાગ્નિને બળ આપવામાં આવે છે અને તે માટે સૂંઠ, પિપ્પલી અને મરીનો ઉપયોગ કરી શકાય.

2. પાચન ચિકિત્સા – તેમાં ખોરાકનાં પચનમાં સહાયક બને તેવાં ઔષધોનો ઉપયોગ કરવાં આવે છે. જેમાં ચિત્રક વગેરેનો ઉપયોગ કરી શકાય.

3. શોધન ચિકિત્સા – અજીર્ણ ખૂબ વધી ગયું છે તેમ લાગતાં વૈદ્ય વિરેચનની સલાહ આપી શકે છે.જે માત્ર ને માત્ર વૈદ્યની દેખરેખમાં જ કરવી. તે માટે હરડે, દિવેલ અને આરગ્વધ વગેરેનાં વિવિધ યોગોનો પ્રયોગ કરી શકાય.

સૌથી અગત્યનું નિદાન પરિવર્જન એટલે કે જે આહાર વિહારને કારણે અજીર્ણ થાય છે તેને દિનચર્યામાંથી હટાવી દેવું. આ ઉપરાંત સામાન્ય અજીર્ણમાં સૂંઠ, પિપ્પલી અને અજમો વગેરેનો ગરમ પાણી સાથે ઉપયોગ કરી શકાય.

તો આશા રાખું છું કે અજીર્ણ વિશેનો આ લેખ તમને બરાબર પચી ગયો હશે અને તમે ચોક્કસ ધ્યાન રાખશો કે અજીર્ણને દિનચર્યામાં ક્યારે પણ સ્થાન નહીં આપો. જો અજીર્ણથી પીડાતાં હોવ તો જાતે પ્રયોગો કરવાનાં બદલે વૈદ્યમિત્રની સલાહ અને માર્ગદર્શન હેઠળ ઔષધો લેશો અને સ્વસ્થ જીવન તરફ એક નવી શરૂઆત કરશો. તો મિત્રો, કેવો લાગ્યો આપણે આ લેખ. કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

લેખક: વૈદ્ય મિલિન્દ તપોધન, ફોન નં – 7229063883