Yes, કલેકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અંગત કામ માટે સરકારી ગાડી વાપરવાને બદલે એસ.ટી. બસમાં મુસાફરી કરનાર નખશિખ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ નિવૃત આઈએએસ અધિકારી શ્રી એચ.બી.વરિયા સાહેબે આજે આ જગતમાંથી વિદાય લીધી.
હું જ્યારે જીપીએસસી કલાસ-1 અધિકારીનું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો ત્યારે મારા ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ સવાલ મને શ્રી વરિયા સાહેબે પૂછ્યા હતા. પ્રશ્નો પૂછવાની સાથે પ્રોત્સાહન આપવાની એની રીત અનોખી હતી. શ્રી વરિયા સાહેબ અમારી જ હિસાબી કેડરના અધિકારી હતા પછી આઈએએસ તરીકે પસંદગી પામ્યા હતા.
મહેસાણા, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં તેઓએ કલેકટર તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. મેં શરૂઆતમાં જ લખ્યું એમ સાહેબ પોતાના કોઈ અંગત કામ માટે સરકારી વાહનનો ઉપયોગ નહોતા કરતા. કલેકટર હોવા છતાં એસટી બસમાં મુસાફરી કરવામાં તેઓને કોઈ જાતનો સંકોચ નહોતો. સામાન્ય લોકો સાથે એકદમ સામાન્ય માણસ જ બની જતા.
જ્યારે કલાસ-2 અધિકારી તરીકેની અમારી તાલીમ ચાલતી ત્યારે સાહેબ લેકચર લેવા આવતા. સિનિયર આઈએએસ ઓફિસર હોવા છતાં સ્કૂટર લઈને લેકચર લેવા આવતા અને કોલેજીયન છોકરાની જેમ ખભે થેલો હોય એને જોઈને કોઈને થાય ન નહીં એ આ બહુ મોટા સાહેબ છે.
જ્યારે સાહેબ ગાંધીનગર જોબ કરતા ત્યારે ઘરેથી ઓફિસ આવવા અને ઓફિસથી ઘરે જવા માટે સ્કૂટરનો ઉપયોગ જ કરતા. ઓફિસ આવ્યા પછી ઓફિસ કામ માટે લાલલાઈટ વાળી ગાડીનો ઉપયોગ થાય પણ અંગત કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ ન થાય એની તેઓ તકેદારી રાખતા. અત્યંત સાદગી અને ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ. જેટલા અધિકારીઓ શ્રી વરિયા સાહેબના સંપર્કમાં આવ્યા હશે એ બધાએ સાહેબના શુદ્ધ ચારિત્ર્યનો પ્રકાશ અવશ્ય નિહાળ્યો હશે.
નિવૃત્તિ બાદ તેઓ ગરીબ બાળકો માટે કામ કરતા અને બાળકોને જમાડવાની રસોઈ પણ વરિયા દંપતી જાતે બનાવતા.
સાહેબ, આપના જીવનમાંથી થોડું આત્મસાત કરી શકીએ એ જ આપને સાચી અને યોગ્ય શ્રદ્ધાંજલિ ગણાશે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
સૌજન્યઃ- શૈલેષ સગપરીયા