Homeસ્ટોરીરસોઈથી માંડીને રગ્બીના મેદાન સુધી પ્રખ્યાત છે આ ગરવો ગુજરાતી, જાણો એક...

રસોઈથી માંડીને રગ્બીના મેદાન સુધી પ્રખ્યાત છે આ ગરવો ગુજરાતી, જાણો એક એવા ગુજરાતીની સાચી કહાની જે જાણીને તમારી છાતી પણ ગર્વથી ફૂલ જશે

“ગુજરાતીઓની છાપ એક વેપારી પ્રજા તરીકેની છે.” આપણને ‘બેઠ્ઠી ઇન્કમ’માં જેટલો રસ પડે, એટલો રસ કમ્ફર્ટ ઝોનની બહાર કૂદકો મારીને જરા હટકે કામ કરવામાં નથી પડતો. તેમ છતાં, ગુજરાતીઓની જે છાપ છે, એની સાથે સંપૂર્ણ સહમત થવાય એવું તો નથી જ.

કેટકેટલા ગુજરાતીઓએ લશ્કરી સેવાઓથી માંડીને રમત-ગમતના ક્ષેત્રે કાઠું કાઢ્યું જ છે. કમ્ફર્ટ ઝોનની બહાર જઈને ચમત્કાર સર્જનારા અનેક ગુજરાતીઓ ધરાતલ પર મોજૂદ છે, જે પેલી પ્રચલિત છાપને ભૂંસી શકવા સમર્થ છે. ચાલો આજે એક એવા જ ગરવા ગુજરાતીની વાત કરીએ, જે ફિઝીકલી ફીટ છે… સાથે જ પોતાના શો દ્વારા એવા લોકોને જગત સમક્ષ લાવી આણે છે, જેમની ભાગ્યે જ કોઈ કદર થતી હોય!

એનું નામ કિરણ જેઠવા. ઇસ ૧૯૭૬માં આફ્રિકાના કેન્યા દેશમાં એનો જન્મ. ભારતીય મૂળના પિતા અને અંગ્રેજ માતાનું એ સંતાન. જો આપ ટ્રાવેલ અને કુકિંગ ચેનલમાં રસ ધરાવતા હશો તો આ નામ આપથી અજાણ્યું નહી હોય. કિરણ જેઠવા પાકશાસ્ત્રમાં નિપુણ છે. ફિયરલેસ શેફ (The Fearless Chef) અને ટેલ્સ ફ્રોમ બુશ લાર્ડર (Tales From The Bush Larder) આ બે એમના સદાબહાર શોઝ છે. ફોક્સ ટ્રાવેલર અને નેટ-જિઓ પર એના નિયમિત શો આવે છે. ટેલિવિઝન પ્રેઝન્ટર હોવાની સાથે જ એ સફળ રેસ્ટોરન્ટ ચેઇનનો માલિક પણ છે. એક શેફ તરીકે કિરણને અનેક એવોર્ડસ-સન્માનો મળી ચૂક્યા છે. મોસ્ટ ઇનોવેટીવ શેફ, ટેસ્ટ ઇન્ડસ્ટ્રી ચેમ્પિયન, શેફ ઑફ ધ ઇયર વગેરે વગેરે છોગા ધરાવતું આ લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા ઉપરાંત આ બંદો રગ્બી જેવી ખૂંખાર ગણાતી રમતનો ય એક્કો છે! બોલો, ક્યારેય તમે વિચારેલું કે એક ગુજરાતી ભાયડો વિદેશી ધરતી ઉપર રગ્બી રમતો હશે?!

ગુજરાતી માણસ વિદેશમાં રગ્બી રમે અને જાણીતી ચેનલ્સ ઉપર પાકશાસ્ત્રના શોઝ પણ કરે, એ કોમ્બિનેશન કઈ રીતે શક્ય બન્યું હશે? આવું એટલે થઇ શક્યું, કેમકે કિરણે પોતાના પેશનમાંજ કેરિઅર ખોળી લીધી. એક કોર્પોરેટ કહેવત છે કે જો તમે પસંદગીનું કાર્ય કરો તો આખી જીંદગી તમારે કામ નહીં કરવું પડે. અર્થાત એ કાર્ય ક્યારેય બોજારૂપ નહીં લાગે.

૧૮૮૦-૯૦ દરમ્યાન કિરણના દાદા ઇસ્ટ આફ્રિકા સ્થાયી થયા. દાદાજીને કુલ ૧૪ સંતાનો, જેમાં બટુકભાઇ – કિરણના પિતા સૌથી નાના. માતાનો જન્મ ઇન્ગ્લેન્ડમાં, જે ૧૯૫૦માં કેન્યા સ્થાયી થયા. સંયુક્ત અને બહોળો ગુજરાતી પરિવાર કિરણના દાદીની આગેવાની હેઠળ રહેતો. ઈંગ્લેન્ડમાં જન્મેલ અંગ્રેજ માતાને દાદીમાએ શુદ્ધ ગુજરાતી બોલતા કર્યાં અને સાથે જ ગુજરાતી વાનગીઓમાં નિપુણ પણ બનાવ્યા. કિરણના મતાનુસાર એમના બ્રિટીશ માતા આજે સવાયા ગુજરાતી છે.

કિરણે માત્ર ૬ વરસની ઉંમરથી જ ઘરમાં રસોડામાં ચંચુપાત કરવા માંડેલો. રવિવારે માતા-પિતા ઊઠે એ પહેલાં આવડે એવો નાસ્તો બનાવીને સર્વ કરતા. એ વખતની બળી ગયેલી બ્રેડ, કાચી પાકી આમ્લેટ અને વેરણછેરણ રસોડાએ કિરણના મનમાં માસ્ટર શેફ બનવાના સંસ્કારો સિંચ્યા.

બાર વરસની ઉંમરે સ્કૂલની એક ટ્રિપ દરમ્યાન સમુદ્ર કાંઠા વિદ્યાર્થીઓના સમૂહ માટે એમણે એક ફિશ ડિશ બનાવી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો અચંબિત રહી ગયા. બસ, ત્યારથી એક દિશા મળી ગઈ. પછી તો જ્યારે જ્યારે કોઈક પ્રોફેશનલ કિચન નજરે ચડે ત્યારે એમના મનમાં થતું કે મારું પણ આવું કિચન હોય અને આવું સારું રેસ્ટોરન્ટ પણ બને!

પુત્રના શોખને જ વ્યવસાય બનાવવા પરિવારનો એને ઘણો સપોર્ટ રહ્યો. પ્રાથમિક શિક્ષણ કેન્યામાં લીધા બાદ હોટેલ મૅનેજમેન્ટનો વધુ અભ્યાસ કરવા બ્રિટન અને અમેરિકા ગયા. એ પછી દુનિયાના અનેક દેશોમાં અનુભવ અને જ્ઞાન મેળવવા રખડ્યા. આ એમનું સાચું શિક્ષણ રહ્યું અને શરુ થયા ટીવી શોઝ..

ફક્ત સફળ શેફ તરીકે જ ઓળખ મર્યાદિત ન રાખતાં નાઈરોબીમાં ‘સેવન સીઝ’ (સાત સમુદ્ર) નામ હેઠળ બે પ્રીમિયર રેસ્ટોરન્ટ્સના પણ એ સ્થાપક માલિક છે. ફક્ત ચાર વરસના ગાળામાં એ ફાઇન ડાઈનીંગ હેઠળ સુપર ખ્યાતિ પ્રાપ્ત થયાં. અહીંથી શરૂઆત થઈ એમના પ્રખ્યાત ટ્રાવેલ શો એડવેન્ચરની. આફ્રિકાના ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકોની જીવન શૈલી, એમના ખાનપાન અને રોજેરોજની વાતોથી દુનિયા અજાણ હતી. એમણે ભોજન કલાને માધ્યમ બનાવ્યું અને શરૂઆત થઈ એમના પ્રથમ ટીવી શોની. નામ છે ‘ટેલ્સ ફ્રોમ બુશ લાર્ડર’. આફ્રિકા વિશે જ્યારે પણ વાત થાય ત્યારે ગરીબી, ભૂખમરો, ગુનાખોરી અને ભ્રષ્ટાચારની વાત જ હોય. જો હકારાત્મક વાતો હોય તો વાઇલ્ડ લાઇફ અને પ્રાકૃતિક સુંદરતાની વાત હોય. પણ આમાં ક્યાંય આફ્રિકન સભ્યતા, જીવનશૈલી કે એમની ખાનપાનની પરંપરાનો ઉલ્લેખ ભાગ્યે જ જડે! પણ કિરણે આ પાસાને ઉજાગર કર્યું.

કેન્યા એટલે ઉપજાઉ ધરતી. શાકભાજી, ફળો અડધી દુનિયામાં એક્સ્પૉર્ટ થાય. અહીં સમુદ્રની ઊપજ પણ એટલી જ ફ્રૅશ અને વિશાળ વરાયટી ધરાવતી! પોતાના શોના અનુસંધાને એ કેન્યા અને બાકીના આફ્રિકાના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ ફર્યા અને લોકોની પરંપરાગત જીવન શૈલી, ખાનપાન શૈલી વિશે માહિતી મેળવી. સાથે એમની જે નેચરલ અને યુનિક રેસીપી દુનિયા સમક્ષ રજૂ કરી. ટેલ્સ ફ્રોમ બુશ લાર્ડર શો ખૂબ લોકપ્રિય થયો. લગભગ ૬૦ થી વધુ દેશોમાં ફોક્સ ટેલિવિઝન અને નેટ જીઓ દ્વારા એનું પ્રસારણ થયું. એની ત્રણ સિઝન્સ આવી ચૂકી છે અને સિરીઝ હજી આગળ વધી રહી છે. એ સિરીઝને ઘણા એવોર્ડસ પણ મળ્યા. ૨૦૧૪માં કેનિયાની બેસ્ટ ટીવી શૉમાં સીઝન – ૨ સ્થાન પામી અને એને કાલાશા એવૉર્ડ મળ્યો.

‘ટેલ્સ ફ્રોમ બુશ લાર્ડર’ની અપ્રતિમ સફળતા એને વધુ મોટું પ્લેટફોર્મ આપ્યું અને એ હતું ‘ફિયરલેસ શેફ’. આફ્રિકા ખંડની બહાર વિશ્વના કેટલક ડેન્જરસ વિસ્તારોમાં સાહસ ખેડી ત્યાંની ખાનપાન સભ્યતા અને વિશેષતાઓને દુનિયા સમક્ષ રજૂ કરવાની તક મળી.

આ સિરીઝ માટે કિરણે દ. અમેરિકાના બોલીવીયાની મુલાકાત લીધી.અહીં પ્રતિબંધિત ડ્રગ્ઝ કોકેઈન બનાવવા જરૂરી કોકા પાનની ખેતી થાય છે. એક રગ્બી ખેલાડી તરીકેની ફિઝીકલ ફિટનેસ એને અહીંના દુર્ગમ વિસ્તારોમાં બહુ કામ આવી. પાતળા વાયર પર ગરગડી સાથે સરકતા (ઝિપલાઇન) એ પર્વતમાળા વચ્ચે આવેલ ગ્રામીણ પ્રદેશમાં જઈ ત્યાંની પરંપરાગત વાનગીઓ શીખ્યા અને દુનિયા સમક્ષ રજૂ કરી. આવી જ રીતે ચાઇના, ઇથીઓપીયા, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મોઝામ્બિક, પેરુ, મોંગોલિયા, બોર્નીઓ વગેરે સ્થળો ફરીને આખી ફૂડ સપ્લાય ચેઇન અને જે-તે વિસ્તારના ખોરાકની સ્થાનિક પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરી.

અનેક વાર જીવ જોખમમાં મૂકવા જેવાં સાહસ પણ કર્યાં. ઉપર જેમ જણાવ્યું તેમ બોલિવિયામાં ઝિપલાઈન ઉપર સરકતા એ જંગલમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ગયા. એ શિકારીઓ સાથે દુર્ગમ જંગલોમાં શિકાર પણ કાર્ય અને મોઝામ્બિકની પરમ્પરાગત પદ્ધતિ મુજબ જાળ ફેંક્યા વિના, તીર-કામઠા સાથે સમુદ્રમાં ડૂબકી લગાવીને માછલી પણ પકડી!આ બધામાં રગ્બીની ટ્રેનિંગ બહુ કામ આવી. સતત અભ્યાસ બાદ એ ત્રણથી ચાર મિનિટ સુધી ડૂબકી મારીને પરંપરાગત તીર-કામઠાં વડે માછલીનો શિકાર કરીને ત્યાંના માછીમારોને પ્રભાવિત કરી ગયા.

બાંગ્લાદેશમાં ટ્રેઇનની છત પર મુસાફરી કરી, અંતરિયાળ વિસ્તારોમાં માછીમારો સાથે ફરીને એમની શૈલી પણ શીખ્યા. આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એક એ પણ હતો કે જે વ્યક્તિઓ ખેતી કરે છે, જે વ્યક્તિઓ માછલી પકડે છે એમની મહેનત અને પુરુષાર્થને ભાગ્યેજ કોઈ વખાણે છે. મોટા ભાગના લોકો એમના આ પુરુષાર્થને અવગણતા હોય છે. પણ પોતાના શો દ્વારા કિરણ જેઠવાએ આ લોકોની મહેનત અને એમની કઠોર જીવનશૈલીને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી.

જમવા બેસીએ ત્યારે થાળીમાં પીરસાયેલો ખોરાક કોણે ઉગાડ્યો હશે, અને કેટલાય લોકોની મહેનત પછી એ આ થાળીમાં પહોંચ્યો હશે, એ વિષે આપણે ભાગ્યે જ કશું વિચારીએ છીએ. કિરણે પોતાના શો દ્વારા આ આખી સપ્લાય ચેઇનને લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો.

કિરણ જેઠવા વિષે આ બધી વાતરો જાણ્યા પછી બીજા પણ એવા ગુજરાતીઓ ગોતજો, જેમણે પેલી પ્રચલિત છાપ ભાંગી નાખે એવું કશુંક કર્યું હોય. એટલા બધા નામો મળશે કે એનું લિસ્ટ તમારા ધાર્યા કરતા ઘણું લાંબુ થશે. કિરણે સાબિત કર્યું કે કરિઅર માટેની પૅશન અને કાર્યક્ષમતાનો સરવાળો થાય તો એક માણસ કેટલું બધું કરી શકે છે!

“માંડીને વાત” હેઠળ મિતેષ ભાઈ કોલમ લખે છે અને તેમનું એક ફેસબુક પેજ પણ છે જેમાં તેઓ અવનવી પોસ્ટ લખીને શેયર કરતા હોય છે, જો તમે તેમના પેજને લાઈક કરવા ઈછતા હોવ તો ફેસબુકમાં “Mitesh Pathak – મજ્જાની Life” પેજને લાઈક કરીને તેમની પોસ્ટ નો આનંદ માણી શકો છો.

લેખક:- મિતેષ પાઠક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments