કુળદેવીની પ્રાર્થના શા માટે કરવી અને તેમની પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ ?

1636

દરેક વ્યક્તિએ વાંચવા જેવી વાત આપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હર હંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણ ને પણ આપણા વડીલો કુળદેવી પાસે ઝોળી ફેલાવવા કહેતા હોય છે, કુળદેવીની આરાધના માટે આપણને સૂચનો કરતા હોય છે. પરંતુ આપણે કુળદેવી પાસે શું માંગવું જોઈએ અને કુળદેવી આપણી રક્ષા કેવી રીતે કરે છે ? તે કદાચ આપણે નહિ જાણતા હોઈએ. આજે અમે તમને આવી કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છે.

કુળદેવી છે કુળની રક્ષક:

તમને બધાને ખબર જ હશે કે કુળદેવી એ આપણા કુળની રક્ષા કરનારી છે, જે હર હમેશ આપણા કુળને મુસીબતોમાંથી બચાવે છે. વર્ષમાં એક દિવસ આપણે કુળદેવી માટે હવન પણ કરીએ છીએ અને માતાજીના સ્થાનકે રહેલું શ્રીફળ અને ચૂંદડી બદલીએ છીએ. માતાજીનો શણગાર કરીએ છીએ. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. પરંતુ હવેની પેઢી આ પૂજા વિધિમાં ઓછું માને છે, પરંતુ આપણા વડીલોની વાતોને નજર અંદાજ ના કરવી જોઈએ. આપણા વડીલો કુળદેવીની પૂજા કરતાં આવ્યા છે તેમને અનુસરીને આજની યુવા પેઢીએ પણ કુળદેવીની પૂજા આરાધના તેમજ તેમના માટેનું હવન કરવું જોઈએ જેનાથી કુળની રક્ષા તો થશે જ સાથે આવનાર કેટલીક મુસીબતો માંથી પણ આપણે ઉગરી જઈશું.

કુળદેવીની આરાધના કરતી વખતે શું માંગવું?

આપના વડીલો કુળદેવીની પૂજા કરતા હંમેશા કુળની રક્ષા કરવાનું જ માંગતા આવ્યા છે સાથે પોતાના બાળકો ઉપર કૃપાદૃષ્ટિ બનાવી રાખવાનું, પરિવારને સુખી સંપન્ન રાખવાનું, અમારા સંતાનો ક્યારેય ખોટા રસ્તે ના ચઢે, અમારા બાળકોની રક્ષા કરજો, અમારા કુળનો ઉદ્ધાર કરજો એવું વડીલો પાસેથી આપણે સાંભળ્યું જ હશે. આપણે પણ વીડીલોની જેમ આપણા સંતાનો માટે, આપણા ઉજ્વવળ ભવિષ્ય માટે, સુખી સંપન્ન પરિવાર માટે આ પ્રકારની કુળદેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ. જો આમ નહિ કરો તો તમારા કુળદેવી તમારું કંઈ ખોટું તો નહીં કરે પરંતુ એમની કૃપાદૃષ્ટિથી તમે વંચિત રહી જશો.

શા માટે કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ?

વડીલોની અતૂટ શ્રદ્ધા કુળદેવી પર રહેલી હોવાના કારણે તે કુળદેવી પાસે પ્રાર્થના કરતા હતા. પરંતુ આજની યુવા પેઢીને શ્રદ્ધા નથી રહી, તે એમ માને છે કે આ બધું મહેનતથી થાય છે. એ વાત સાચી છે કે મહેનત થી જ બધું થાય છે પરંતુ એ મહેનત કરવા પાછળ જે શક્તિ મળે છે એ શક્તિ આપણને ઈશ્વર તરફથી જ મળતી હોય છે. આપણને એક સરખા માણસો નથી મળતા, દરેકની શક્તિ અને મહેનત અલગ અલગ હોય છે. રસ્તામાં કામ કરતા કોઈ મજુર તનતોડ મહેનત કરે છે, પરસેવો પાડે છે ત્યારે એના જેવી મહેનત ઓફિસ માં બેસી કામ કરનાર વ્યક્તિથી ના થઈ શકે.

એ આપણે બખૂબી જાણીએ છીએ. તો આ મજૂરને એ મહેનત કરવાની શક્તિ અને ઓફિસમાં બેસીને કામ કરવાની બુદ્ધિ આપણને ઈશ્વર જ પુરી પાડે છે. વડીલો કુળદેવીને તમારા સારા જીવન માટે પ્રાર્થના કરતા હોય છે, તમને સારી બુદ્ધિ મળે, સારું જ્ઞાન મળે, તમે ખોટા રસ્તે ના ચાલ્યા જાઓ તે માટે સતત આજી જી કરતા હોય છે અને તેના જ કારણે તમે સુખી સંપન્ન રહી શકો છો.

આ વ્યસ્ત જીવનમાં કેવી રીતે કરશો કુળદેવીની આરાધના:

વડીલો કુળદેવીની કૃપા મેળવવા માટે ઘણા કામો કરતા, વાર તહેવારે તેમની આરાધના, તેમનું સ્થાપન, તેમના દર્શન, હવન જેવા ઘણા કાર્યો કરતાં. પરંતુ આજના આ ભાગદોડ ભર્યા યુગમાં કોઈની પણ પાસે એટલો સમય નહીં હોય, વળી મોંઘવારી અને ઘરના ખર્ચને પહોંચો વળવા પાછળ આખો દિવસ મહેનત કરવી પડતી હોય છે. ત્યારે મનમાં એમ પણ થાય કે વડીલો પાસે તો આપણા જેવું કામ નહોતું એટલે એ કુળદેવીની આરાધના કરી શકતા, પરંતુ જયારે દિવસના *24* કલાક પણ કામ કરવા માટે ઓછા પડતા હોય ત્યાં કુળદેવીની ભક્તિ કરવાનો સમય ક્યાંથી કાઢવો?

તો એના માટે પણ ઉપાય છે. આપણા કુળદેવી આપણી પરિસ્થિતિને સમજતા હોય છે. એ તો દેવી છે એને તો બધું જ ખબર હોય. ભક્ત બોડાણા જયારે અશક્ત થયા અને રાજા રણછોડરાયના દર્શન માટે દ્વારકા જઈ શકે એમ નહોતા ત્યારે ખુદ ભગવાન તેમની સાથે ડાકોર ચાલ્યા આવ્યા હતા. બસ તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ બાકી ઉપરવાળો બધું જ જાણે છે, તે પોતાના ભક્તને ક્યારેય નિરાશ થવા દેતો નથી, દરેક મુશ્કેલ પરિસ્થિતમાં પણ કોઈને કોઈ રસ્તો તો બતાવે જ છે.

કુળદેવીની આરાધના માટે તમે વધુ કઈ ના કરી શકો તો વર્ષમાં માત્ર બે વાર તેમના દર્શને જાવ.

પોતાની જાતને ભુલાવી બે હાથ જોડી કુળદેવી સામે થોડીવાર સુધી પ્રાર્થના કરો, માતાજીનું સ્મરણ કરો. માતાજી તમારા પર રાજી રહશે. આ સિવાય સવારે ઉઠતાની સાથે બે હાથ જોડી તમારા કુળદેવીનું નામ લો. તેમને પ્રાર્થના કરી કહો કે મારો આજનો દિવસ સારો વીતે, મારા પરિવાર પર તમારી કૃપા દૃષ્ટિ બની રહે, મારા સંતાનો, માતા પિતા, પત્ની તેમજ પરિવાર જનોનું શરીર સ્વસ્થ રહે, દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કામ ના થાય. રાત્રે સુઈ જતી વખતે પણ આ પ્રકારનું સ્મરણ કરો, દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય એની માફી કુળદેવી પાસે માંગો.

સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે જ. આ સિવાય વર્ષમાં એક વખત માતાજીનું હવન ઘરમાં કરો, શક્ય હોય તો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે હવન કરો. માતાજીના સ્થાનક રૂપે રાખેલ શ્રીફળ અને ચૂંદડી બદલો, માતાજીનો શણગાર કરો. માતાજીને ભોગ ધરાવો, બ્રામ્હણને દક્ષિણા આપો. જયારે ઘરમાં કોઈ શુભ પ્રંસગ હોય ત્યારે માતાજીની આરાધના કરો. ઘરમાં જો નવા લગ્ન થયા હોય તો વર કન્યાને કુળદેવીના દર્શન કરવા માટે લઈ જાવ. ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો એને કુળદેવીના મંદિરે લઈ જઈ માતાજી સામે સુવડાવી તેના ઉજ્જવળ ભવિષ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરો.

આજના વ્યસ્ત સમયમાં આટલો સમય તો તમને ચોક્કસ મળી જ રહેવાનો છે. જો તમે આટલી જ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઉપર કુળદેવીની કૃપા હંમેશા બની રહેશે. તમારે જીવનમાં ક્યારેય નિરાશ થવું નહિ પડે. તમારા સંતાનોને પણ આ રીતે કુળદેવીની આરાધના કરવા વિશે સમજાવો. કારણ કે તમે જે તમારા માતા-પિતા, વડીલો પાસેથી શીખીને આવ્યા છો તે જ તમારા સંતાનોને પણ શીખવવાની તમારી ફરજ છે. એ પણ આવનાર ભવિષ્યમાં પોતાના સંતાનોને શીખવશે અને આ રીતે જ પેઢી દર પેઢી કુળદેવીની કૃપા તમારા ઉપર બનેલી રહશે.

સૌજન્ય:- સંજય આચાર્ય

Previous articleશાહી બેંગન – શિયાળામાં આવી રીતે બનાવો આ શાક, તમને ભાવતા તમામ શાકને પણ આંટી મારે, એવો શાહી ટેસ્ટ આવશે.
Next articleશ્રી ઝંડ હનુમાન મંદિર:- આ સ્થળે અર્જુને બાણ મારીને દ્રોપદી માટે પાણી કાઢ્યું હતું, જાંબુઘોડાના અભયારણ્યમાં આવેલું છે આ સ્થળ..