દરેક લોકો લીમડા વિશે જાણતા જ હશે કે, તે ઔષધીય ગુણોથી ભરપૂર વૃક્ષ છે. ઉનાળામાં લીમડાના ઝાડનો છાયો ઠંડક આપે છે. લીમડાના ઝાડની છાલ, પાન અને ફળ આપણા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. આ વૃક્ષના દરેક ભાગનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં માટે થાય છે. લીમડો ત્વચાના રોગો મટાડવા માટે ખુબ જ ફાયદાકારક છે. આ કારણે ઘણી કોસ્મેટિક્સ વસ્તુઓમાં લીમડાનો ઉપયોગ થાય છે. ત્વચાના રોગોની સાથે લીમડાનાં અન્ય પણ ફાયદાઓ છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે…
કેટલીકવાર રસોડામાં કામ કરતી વખતે ગરમ તેલનો છાંટો આપણા હાથ પર પડે તો આપણને બળતરા થાય છે તો તેના પર લીમડાના પાનને વાટીને લગાવવાથી ઠંડક મળે છે. લીમડાના પાનમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો રહેલો છે, જે દાઝેલા અથવા વાગેલા ઘા ને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.
લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તે પાણીથી સ્નાન કરવાથી ત્વચાના રોગો થતા નથી. લીમડાનો પાનની પેસ્ટ ખીલ અને ફંગલ ઇફેક્શન માટે ખુબ જ ફાયદાકારક છે. ચહેરા પર લીમડાના પાનની પેસ્ટ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
પહેલાના સમયમાં લોકો લીમડાનું દાંતણ કરતા હતા. લીમડાના દાંતણથી દાંત અને પેઢા મજબૂત બને છે. તે દાંતના દુખાવામાં પણ રાહત આપે છે. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો લીમડાનું દાંતણ કરવું જોઈએ.
લીમડાના પાન વાળ માટે પણ ફાયદાકારક છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તે પણીથી માથું ધોવાથી વાળમાં ફંગલ ઇન્ફેક્શન અને ખોડાની સમસ્યા દૂર થાય છે. તે વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરે છે.
લીમડાનું તેલ કાનના દુખાવા માટે ફાયદાકારક છે. જો કાનમાં રસી આવતું હોય તો તેના માટે લીમડાનું તેલ ફાયદાકારક છે, પરંતુ જો વધારે તકલીફ હોય તો ડોક્ટરને સલાહ લેવી.