ડિયર પપ્પા, કેમ છો એવું નહીં કહું, કેમકે અત્યારે તમે હોસ્પીટલના કોઈ એક 201 નંબરના વોર્ડમાં સૂતા છો. ઓક્સિજન માસ્ક લાગેલો છે, તમને વેન્ટીલેટર પર જોવાની મારામાં હિંમત નથી પણ પપ્પા, મારે તમને જોવા છે…મારે આવવું છે, પ્લીઝ મને આવવા દો ..
“હું મરી જાઉં ત્યારે પણ આ છોકરીને મારું મોં ન બતાવતા” આ બોલવું અને નિભાવવું તમારા માટે કપરું હતું એટલું જ મારા માટે પણ અઘરું હતું. પપ્પા, મારો વાંક શું હતો ? મને ગમતા છોકરા સાથે મેં લગ્ન કર્યા એ ? તમને ગુસ્સો કઈ વાતનો આવ્યો હતો ? મેં મારી જાતે છોકરો પસંદ કરી લીધો એટલે કે પછી તમને રીઅલાઈઝ થઈ ગયું કે તમારી દીકરીને હવે તમારી જરૂર બિલકુલ નથી એટલે ? નાનપણથી દરેક ઝીણી ઝીણી બાબતો પર હું તમારા પર આધાર રાખતી આવી છું. મને અંધારાથી ડર લાગતો. કોઈની બાઈક પાછળ બેસવામાં ડર લાગતો,રાત્રે ડરામણા સપના આવતા. આ બધી બાબતોમાં મને સતત તમારી જરૂર પડતી. માત્ર તમે એક એવા પર્સન હતા જેની બાઈક પાછળ બેસીને હું સૂઈ શકતી, રાત્રે તમારા હાથનું ઓશીકું બનાવીને સૂઈ શકતી, અંધારામાં તમારો અવાજ સાંભળતી તો પરસેવો ન થતો. તમે મમ્મીને હંમેશા કહેતા કે “આ છોકરીને મારા વગર ક્યારેય નહીં ચાલે.”
મમ્મી ઘણીવાર કહેતી કે “તમારી છોકરી તમારા વિના સાસરિયે કઈ રીતે રહેશે ?” પપ્પા, એ વખતે તમે કહેતા કે “હું એવા છોકરા સાથે મીલીના લગ્ન કરાવીશ જે મીલીના બધા ડરને સંભાળી લે.” પપ્પા, મારો વિશ્વાસ કરો. સુમિત એવો જ છોકરો છે. તમારા પછી એ એક જ એવો પુરુષ છે જેની બાઈક પાછળ હું નિરાંતે ઉંઘી શકું છું, જેના હાથનું ઓશીકું બનાવીને હું સૂઈ જાઉં તો ડરામણા સપના નથી આવતા,અંધારામાં એનો અવાજ સાંભળું તો મને ગભરામણ કે પરસેવો નથી થતો. પપ્પા, સુમિત સાથે મેં લગ્ન કર્યા કેમકે એ તમારા જેવો છે ! દરેક છોકરી પોતાના પતિમાં પપ્પાને શોધતી હોય છે. તમને નારાજ કરીને મારે કશું જ સાબિત નહોતું કરવાનું. પપ્પા, મેં તમને અને મમ્મીને કહ્યું હતું કે મને સુમિત ગમે છે પણ તમે લોકોએ મારા માટે એનઆરઆઈ છોકરો શોધી રાખ્યો હતો. મને પરણીને અમેરિકા નહોતું જવું !
મને મુંબઈ જ રહેવું હતું તમારા લોકોની સાથે. મેં તમને અનેક વખત સમજાવ્યા પણ તમે સુમિતને સ્વીકારવા તૈયાર નહોતો. પપ્પા, તમને ખબર છે ? આ દિવસોમાં સુમિતે મને એકવાર પણ જીદ કરીને એમ નથી કીધું કે તારા પપ્પાને સમજાવ કે તું મને તારી ‘હા’ કે ‘ના’ જલદી કહે કે મારા ઘરના લોકો મારા લગ્નનું બીજી જગ્યાએ વિચારી રહ્યા છે કે ચલ ભાગી જઈએ. કશું જ નહીં. આટલી ધીરજ તમારા સિવાય મેં આ એક બીજા પુરુષમાં જોઈ એટલે હું સુમિતને પરણી. તમે લોકો સુમિતને સ્વીકારશો એવી કોઈ અપેક્ષા નહોતી રહી એ પછી જ મેં કોર્ટ મેરેજ કર્યા ! પપ્પા, આ કોર્ટ મેરેજ માટે પણ સુમિત તો રેડી નહોતો જ, એ તો તમને મળવા માંગતો હતો. હું તમને જેટલા પણ ઓળખું છું એ પરથી મને ખાત્રી હતી જ કે તમે સુમિતનું અપમાન કરશો, કદાચ તમાચો પણ મારી બેસશો. મેં એટલે જ સુમિતને તમારા સુધી ન આવવા દીધો. જેમ હું ક્યાંય તમારું અપમાન ન સહી શકું એમ સુમિતનું અપમાન પણ ન જ સહી શકું.
પપ્પા, દરેક માબાપ એના સંતાનને સુખી જોવા ઈચ્છતા હોય છે. હું સુખી છું. જો મારા જ સુખમાં તમારું સુખ હોય તો પછી આ નારાજગી કોના માટે ? મારા લગ્નને હમણા પાંચ વર્ષ પુરા થશે. આ પાંચ વર્ષમાં હું તમને દરરોજ યાદ કરું છું. તમને લોકોને યાદ કરીને હું રડી પડું ત્યારે સુમિત મને કહેતા હોય છે કે “ચલ મીલી, પપ્પા મમ્મીને મળી આવીએ, એકવાર તને જોશે એટલે બધું નોર્મલ થઈ જશે.” પણ હું વટમાં અટવાયેલી હતી કે હવે તો પપ્પા પાસે ત્યારે જ જઈશ જ્યારે સુમિતને પણ એ ઘરમાં વેલકમ કરવા એ લોકો રાજી હોય. હું તમારા ફોનની રાહ જોતી રહી પણ ક્યારેય તમારો ફોન આવ્યો જ નહીં.
મારા બર્થ ડે પર જ્યારે મારા મોબાઈલની રીંગ વાગતી તો હું ઉછળી પડતી કે સુમિત, પપ્પાનો ફોન હશે…પણ તમારો ફોન ક્યારેય નથી આવ્યો. મારા બર્થ ડે પર તમે મારી ફેવરીટ સ્ટ્રોબેરી કેક લાવી આપતા ને હું મીણબત્તી ઓલવતા પહેલા કેક પર તુટી પડતી. તમને ખબર છે પપ્પા, લગ્ન પછી મેં એક પણ કેક નથી કાપી કેમકે મને રાહ હતી, ક્યારેક તો પપ્પા કેક લઈને દોડતા આવશે. આઈમ શ્યોર પપ્પા, મને ફોન કરવા માટે કેટલીયવાર તમે ફોન હાથમાં લીધો હશે પણ તમારી આંગળીઓ માત્ર ધ્રુજતી રહી, તમે કોલ ન જ કર્યો ! રસ્તામાં જ્યારે પણ કેકશોપ આવી હશે ત્યારે તમને હું યાદ આવી હોઈશ, એક ક્ષણ માટે તમે બાઈક ધીમી પાડી હશે પણ તમે મારા માટે સ્ટ્રોબેરી પેસ્ટ્રી પણ ન જ લઈ શક્યા.
તમને લોકોને યાદ કરીને હું ઉદાસ હોંઉ ત્યારે સુમિત મને લઈને આપણા ઘરથી થોડે દૂર સાઈડમાં કાર ઉભી રાખી દે. કારના વિન્ડો ગ્લાસમાંથી આપણા ઘરને જોતી રહેતી. મમ્મી ચૂપચાપ રસોડામાં રસોઈ બનાવતી હોય અને તમે સોફા પર બેસીને ચેનલો ફેરવતા રહો સતત. એ ઘરમાં હું મારી બુમો મીસ કરતી પપ્પા.
કેટલાક સંજોગો એવા વિચિત્ર હોય કે તમે સામાવાળા વ્યક્તિને વ્યક્ત કરીને કશું કહી ન શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું કે તમે મારા માટે કેટલા અગત્યના છો. એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તમે પ્રેમ નથી કરતા. પપ્પા, અમુક સંબંધોમાં એટલી બધી સ્પેસ હોય છે કે બધું કહેવું નથી પડતું. એમ છતાં પણ સામેની વ્યક્તિ બધું જ સમજી જતી હોય છે. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ છે જેને વ્યક્ત કરવા શબ્દો, ભેટ સોગાદો કે સ્પર્શની જરૂર નથી પડતી. પપ્પા અને દીકરીનો સંબંધ આવો જ હોય છે.
આપણા સંબંધોની આસપાસ અત્યારે ફરિયાદો, અભાવો, તકલીફો અને અપરાધભાવની લીલ બાઝી ગઈ છે , એના કારણે જ આપણા દરેક પ્રયત્નો લપસી જાય છે અને એકબીજા સુધી આપણી વાત નથી પહોંચી રહી. સંબંધોની હુંફ મળશે તો લીલ સુકાશે અને તળીએ તો આપણો નક્કર રોકડો સંબંધ ચળકતો દેખાશે.
પપ્પા, હવે તો જીદ મુકો. તમે સાચા જ છો અને સાચા જ રહેવાના પણ હું ખોટી નહોતી અને અત્યારે પણ નથી જ. કદાચ આપણી વચ્ચેનો એ સમય ખોટો હતો, એ સંજોગો ખોટા હતા. હું નાની હતી ત્યારે તમે પરીકથા સંભળાવતા અને અંતે બધું ખાધું પીધુંને રાજ કર્યું થઈ જતું. પપ્પા, આ લખતી વખતે વારંવાર ધસી આવતા આંસુને લૂંછી લૂંછીને હું તમને એટલું પૂછવા માંગુ છું કે આપણી વચ્ચે પણ આ બધું ખાધું પીધુંને રાજ કર્યું ન થઈ શકે ?
મારી આંખમાં આંસુ જોઈને તમે દોડી આવતા ને તમે તમારા ઝભ્ભામાંથી વ્હાઈટ રૂમાલ કાઢી આંસુ લૂછી આપતા. મમ્મી મને ઉંચા અવાજે કશું કહેતી તો તમે મમ્મીને પણ ખીજાઈ જતા. આ પાંચ વર્ષ તમારા વિના બહું જ રડી છું. આજે તમને આ કાગળ લખી રહી છું ત્યારે આંસુ રોકાવવાનું નામ નથી લેતા અને એને વ્હાઈટ રૂમાલથી લૂંછનાર કોઈ નથી. તમે ગુસ્સામાં છો પણ એ ગુસ્સાના પડ નીચે મારા માટે અખૂટ વ્હાલનો દરિયો ઉછાળા મારે છે. પપ્પા, એ દરિયાના બે ચાર ટીપા માટે હું તરસી રહી છું.
પેલ્લી વખત મેં મારા મનને ગમ્યું એવું કશું કર્યું અને તમને ખરેખર એંમાં મારો વાંક દેખાતો હોય તો મને માફ કરી દો. તમે કહેશો ત્યાં સુધી કાન પકડીને ઉઠક બેઠક કરીશ પણ પપ્પા, મને તમારી પાસે આવવા દોને !
– લિ. તમારી પોત્તાની દીકરી મીલી
લેખક : રામ મોરી