આપણે બધાએ મહાભારતની કથા સાંભળી અને વાંચી હશે. જ્યારે પણ મહાભારતનો ઉલ્લેખ થાય છે ત્યારે દુર્યોધનના મામા અને ગાંધારીના ભાઈ શકુનીનું નામ ચોક્કસપણે આવે છે. શકુની વિશે કહેવાય છે કે તેણે દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે નફરતના બીજ વાવ્યા હતા. જુગારની એવી રમત રમાઈ કે કૌરવો અને પાંડવો મહાભારતના મહાયુદ્ધ માટે તૈયાર થઈ ગયા. જે બાદ કુરુ વંશનો નાશ થયો હતો.
એક ધાર્મિક દંતકથા અનુસાર, શકુની નહોતા ઈચ્છતા કે તેની બહેન ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થાય. ભીષ્મ પિતામહના દબાણ હેઠળ ગાંધારીને ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા, તેથી તે બદલાની ભાવના સાથે હસ્તિનાપુર આવી અને કાવતરું કરવા લાગ્યા હતા.
એકવાર ભીષ્મ પિતામહે શકુનીના આખા કુટુંબને જેલમાં ધકેલી દીધા, જેલમાં તેમના કુટુંબના લોકોને એટલું જ ભોજન આપવામાં આવતું હતું કે તેઓ ધીમે ધીમે પીડાથી મૃત્યુ પામે. ભૂખને કારણે જ્યારે શકુનીના બધા ભાઈઓ ભોજન માટે એકબીજા સાથે લડવા લાગ્યા, ત્યારે તેમના પિતાએ નક્કી કર્યું કે હવેથી માત્ર એક જ વ્યક્તિ બધુ ભોજન કરશે. તેમણે કહ્યું કે અમારો જીવ આપીને અમે એવા માણસનો જીવ બચાવીશું જે અમારી સાથે થયેલા આ અન્યાયનો બદલો લઈ શકે. તેથી નક્કી કરવામાં આવ્યું કે જે સૌથી હોશિયાર અને બુદ્ધિમાન હશે તે આ બધું ભોજન ખાશે.
શકુની સૌથી નાનો હતો પણ ચતુર અને બુદ્ધિશાળી હતો તેથી બધું ભોજન શકુની પાસે આવ્યું. શકુનીએ તેના પરિવાર પર થયેલા અત્યાચાર ભૂલી ન જાય તે માટે તેણે જાતે પોતાનો પગ ભાંગી નાખ્યા, જેના કારણે શકુની હંમેશા લંગડાતો રહેતો હતો.
જ્યારે શકુનીના પિતા જેલમાં મરવા લાગ્યા ત્યારે શકુનીનો ચોગઠાંની રમતમાં રસ જોઈને તેણે શકુનીને મારા મૃત્યુ પછી મારા શરીરના હાડકાઓમાંથી ચોગઠાંના પાસા બનાવવાનું કહ્યું. મારો ગુસ્સો તેમાં ભરાઈને રહેશે જેથી ચોગઠાંની રમતમાં તને કોઈ હરાવી શકશે નહીં. આ કારણે ચોગઠાંની રમતમાં શકુની દરેક વખતે જીતી જતો હતો. આ રમતમાં તે પાંડવોને હરાવવામાં સફળ રહ્યો હતો.