જગ્ગી સદગુરુ એક સુંદર પ્રસંગ કહે છે: એકવાર કૈલાશમાં શિવને એ સમચાર મળ્યા કે યમુનાને કિનારે કઈક અદભૂત થઈ રહ્યું છે. તો શિવને કૃષ્ણની એ રાસલીલા જોવાની ઈચ્છા થઈ, એ યમુનાને કિનારે આવે છે, એક નાવિકને કહે છે, “મારે અહીં જે રાસલીલા થાય છે એ જોવી છે…”
નાવિકે શિવને પગથી માથા સુધી જોયા અને કહ્યું, “તમે એ લીલા નહીં જોઈ શકો.”
શિવે પુછ્યું, “કેમ?”
નાવિકે કહ્યું, “કેમ કે તમે વધુ પડતાં પુરૂષ છો.”
યોગ સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે શિવ નવ ફૂટ લાંબા હતા, દક્ષિણમાં એવી વાત લખાઈ છે કે સરેરાશ સ્ત્રી કરતાં શિવની ઊંચાઈ બમણી છે. જેમને જોઈને રાસલીલા નહીં, તાંડવ જ કલ્પી શકાય એવો બધો દેખાવ જોઈને નાવિકે કહ્યું હશે કે, “તમે વધુ પડતાં જ પુરૂષ છો, તમે રાસલીલા નહીં જોઈ શકો..”
“તો શું કરવું?” શિવે પુછ્યું..
નાવિક કહે કે, “એક ઉપાય થઈ શકે, તમે સ્ત્રીના વસ્ત્રો પહેરીને જાઓ તો કદાચ શક્ય બને..”
હવે શિવ કહે, “અહીં સ્ત્રીના વસ્ત્રો ક્યાંથી લાવવા?”
નાવિક કહે, “મારી પત્નીના વસ્ત્રો તમને અપાવું, એ પહેરીને જાઓ , રાસલીલાના દર્શન કરો અને પછી વળતાં અમને એ વસ્ત્રો આપતા જજો…”
નાવિક ગરીબ હતો, એની સ્ત્રી પાસે એક જ સાડી હતી, મધુબની પેઇટિંગમાં એક પેઈંટિંગ એવું જોવા મળે છે જેમાં યમુના કાંઠે એક ઝુંપડી છે, ઝૂંપડીનું બારણું થોડુક જ ખુલ્લુ છે, એ બારણાંમાંથી એક સ્ત્રીનો હાથ બહાર આવે છે, એ હાથમાં એના વસ્ત્રો છે, અને ઝૂંપડીની બહાર ઉભેલા શિવ ઝુકીને એ વસ્ત્રો લે છે.
પેલું એક ભજન છે ને, ‘એક બાર શ્રી ભોલે ભંડારી, બનકર બ્રિજ કી નારી, ગોકુલ મેં આ ગયે…’ આ પ્રસંગમાં કેટલી સાચી વાત છે કે જો તમારે રાસને-જીવનના રસને માણવો છે, તો તમારે સ્ત્રીગુણને જાણવો પડશે. જીવન ત્યારે સુંદર બની શકે ત્યારે પુરુષગુણ અને સ્ત્રી ગુણ સંતુલન થાય. પૂરી પ્રકૃતિ જ આ બેઉ ગુણનું સંતુલન છે. ખડકો-પથ્થરો એ પુરુષગુણ છે, તો ફૂલો, પક્ષીઓ સ્ત્રી ગુણ છે. ઇનફેક્ટ પ્રકૃતિમાં જે કઈ સુંદર છે એ સ્ત્રીગુણના રંગો અને સુગંધ છે.
કોઇની ય અંદર સ્ત્રીપ્રકૃતિનો આવિર્ભાવ થાય ત્યારે એ જ રાસલીલા અનુભવી શકે, જોઈ શકે… કૃષ્ણને આપણે ક્યારેક દાઢીવાળા નથી કલ્પી શકતા. કૃષ્ણ દેખાવમાં મોરપીંછ-વાંસળી જેવી સુંદરતા કૃષ્ણએ પોતાની અંદર જે સ્ત્રીગુણ પણ ધારણ કર્યો છે એના સુંદર પ્રતિકો છે.
પણ આજે શું થયું રહ્યું છે? આપણે આપણી અંદરના સ્ત્રી ગુણને મારી રહ્યા છીએ, કોઈ પક્ષીઓના કલરવની, ફૂલોની , વાદળની, વાતાવરણની કરે છે? સૌ પોલિટિક્સ અને ઈકોનોમીની વાતો કરતાં હોય છે, ઇવન સ્ત્રીઓ પણ સ્ત્રીગુણની વાત કરતી નથી જોવા મળતી… અજાણતા જ એમની અંદર પણ એ જ પોષવામાં આવે છે કે આગળ વધવું હશે તો પુરુષ જેવુ બનવું પડશે. કોર્પોરેટમાં કામ કરતી સ્ત્રીઓ અજાણતા કેવા રંગોના વસ્ત્રો પહેરતી થઈ છે એ આપણે જોઈએ છીએ ને ! પુરુષગુણ જાણે હાવી થઈ ગયો લાગે…
ઈકોનોમી એટલે જીવનનિર્વાહ…કમાવું, ઘર ચલાવવું, બાળકોને ઉછેરવા એ બધુ આમ તો ઇંકોનોમી જ છે પણ એ વચ્ચે જીવનના રસને માણવો એ સ્ત્રી ગુણ…ગણતરીમાં વેઢા ગણતી આંગળીઓ પુરુષગુણ છે, તો પ્રિયના વાળમાં ફરતી આંગળીઓ સ્ત્રીગુણ…
પુરુષગુણ તો રહેવાનો જ…સર્વાઇવ કરી જ જવાનો…સ્ત્રીગુણને પોષવો, બચાવવો, ખિલાવવો પડતો હોય છે, એટમ બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે ય ચટ્ટાનો તો રહેવાની જ.. પણ ફૂલોને પોષવા પડે છે. બહાર દુનિયાદારીમાં તો કઠોરતાથી-પુરુષગુણથી કામ ચલાવવું પડે…પણ ઘરનો કોઈ કોઈ ખૂણે-અંદર હૃદયના ખૂણે સ્ત્રીગુણની કોમળતા ઓઢી લેવા જેવી છે…જીવનની રાસલીલા જીવવા…
લેખકઃ- કાનજી મકવાણા, અમદાવાદ