કૌશલ દેશમાં ‘સુશીલ’ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે રોજ ભીખ માંગીને તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેના ઘણા બાળકો હતા. સવારે તે ઘરેથી ભિક્ષા માંગવા નીકળતો અને સાંજે પાછો ઘરે આવતો હતો. દેવતાઓ, પિતૃઓ અને અતિથિઓની પૂજા કર્યા પછી, આશ્રિતોને ખવડાવીને પછી જ તે પોતે ભોજન કરતો હતો. આ રીતે, તે ભિક્ષાને ભગવાનનો પ્રસાદ માની સ્વીકાર કરતો હતો.
આટલો દુઃખી હોવા છતાં, તે હંમેશાં બીજાની મદદ કરતો હતો. તેના મનમાં ખૂબ ચિંતા હતી, તે હંમેશા ધર્મના કાર્યમાં મગ્ન રહેતો હતો. તેની ઇન્દ્રિયો ઉપર તે સંપૂર્ણ નિયંત્રણ રાખતો હતો. તે સદાચારી, ધર્માત્મા અને સત્યવાદી હતો. તેના હૃદયમાં ક્યારેય ગુસ્સો, અહંકાર અને ઈર્ષ્યા જેવી તુચ્છ વિકૃતિઓ ઉત્પન્ન નહોતી થતી.
એકવાર તેના ઘરની પાસે, ‘સત્યવ્રત’ નામના એક તેજસ્વી ઋષિ આવ્યા. તે એક પ્રસિદ્ધ તપસ્વી હતા. મંત્રો અને ઉપદેશો જાણનારા આ ઋષિની પાસે તેના સમાન સિવાય બીજુ કાંઈ નહોતું. ટૂંક સમયમાં ઘણા લોકો તેમના દર્શન કરવા માટે આવવા લાગ્યા. સુશીલના હૃદયમાં પણ તેને મળવાની ઇચ્છા ઉત્તેજીત થઈ અને તે પણ તેમની સેવા કરવા ગયો. સત્યવ્રત ઋષિને પ્રણામ કર્યા પછી તેણે કહ્યું- ‘હે ઋષિવર! તમારી બુદ્ધિ ખૂબ જ વિલક્ષણ છે. તમે ઘણા શાસ્ત્રો, ઉપદેશો અને મંત્રોના જ્ઞાતા છો. હું એક નિર્ધન, ગરીબ અને અસહાય બ્રાહ્મણ છું. કૃપા કરી મને કહો કે, મારી આ ગરીબી કઈ રીતે દૂર શકાય?’
સત્યવ્રતે કહ્યું, ‘મુનિવર! તમને આ પૂછવાનો હેતુ માત્ર એ છે કે, મારામાં મારા કુટુંબનું ભરણપોષણ કરવાની શક્તિ આવે. ધનના અભવને કારણે હું મારા પરિવારને યોગ્ય સુખ સુવિધાઓ નથી આપી શકતો. હે દયાનિધાન!તમે તપ, દાન, વ્રત, મંત્ર અથવા જાપ કરવાનો કોઈ ઉપાય આપો કે જેનાથી હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું. હું માત્ર એટલા પૈસાની જ ઇચ્છા રાખું છું જેથી મારો પરિવાર સુખી થાય.’
આમ ઋષિ સત્યવ્રતે સુશીલને દેવી દુર્ગાનો મહિમા વર્ણવતા નવરાત્રીનું વ્રત કરવાની સલાહ આપી હતી. સુશીલએ સત્યવ્રતને તેમના ગુરુ બનાવ્યા અને માયાબીજ નામની ‘ભુવનેશ્વરી મંત્ર’ની દીક્ષા લીધી. ત્યાર પછી, સુશીલએ નવરાત્રી વ્રત રાખ્યું અને તે મંત્રનો નિયમિત જાપ કર્યો. તેણે શ્રદ્ધા અને ભક્તિભાવથી દેવી દુર્ગાની પૂજા કરી.
તેણે નવ વર્ષ સુધી દર નવરાત્રીમાં ભગવતી દુર્ગાના માયાબીજ મંત્રનો જાપ કર્યો. સુશીલની ભક્તિથી પ્રસન્ન થઈને, માતા દુર્ગા નવમા વર્ષની નવરાત્રીની આઠમની મધ્યરાત્રિએ પ્રગટ થયા અને સુશીલને આઠ વરદાન આપ્યા, અને તેને સંસારના તમામ સુખો, ધન અને મોક્ષ પ્રદાન કર્યું.
આ રીતે, ભગવતી દુર્ગાએ પ્રસન્ન થઈને તેના ભક્ત સુશીલની તમામ વેદનાઓને દૂર કરી અને તેને પુષ્કળ સંપત્તિ, સન્માન અને સમૃદ્ધિ આપી. આ કથા પરથી જાણવા મળે છે કે, કોઈપણ કાર્ય શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠાથી કરવામાં આવે તો તેનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે