અનિયમિત જીવનશૈલી, કામનું દબાણ, તણાવ વગેરે કારણોથી માથાનો દુખાવો થાય છે. બદલાતી ઋતુમાં કયારેક તડકો તો ક્યારેક વરસાદને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત તો એવું બને છે કે, તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો અને અચાનક તીવ્ર માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. ઘણા લોકો માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તરત જ દવા લે છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે, માથાના દુખાવાની વધારે દવાઓ લેવી તમને નુકસાન પણ પહોંચાડે છે. વધારે પ્રમાણમાં દુખાવાની દવાઓ પીવાથી સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે. ફક્ત દવાથી જ માથાના દુખાવામાં રાહત નથી મળતી, પરંતુ ઘરેલું ઉપાયથી પણ માથાનો દુખાવો દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે તમને માથાનો દુખાવાથી રાહત આપશે.
1. આદુ :-
માથાનો દુખાવો દૂર કરવામાં આદુ ખૂબ ફાયદાકારક છે. આદુનો રસ અનેલીંબુના રસને સરખા પ્રમાણમાં લઇ અને તેને મિક્સ કરીને રોજ બે વખત પીવાથી તમને માથાના દુખાવામાં રાહત મળશે. તમે બજારમાં મળતી આદુની ચોકલેટ પણ ખાઈ શકો છો. આદુ પાવડર અથવા કાચા આદુને પાણીમાં નાખી તેને ઉકાળીને તેની વરાળ લેવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.
2. તજ :-
માથાના દુખાવામાં તજનો ઉપયોગ કરવાથી પણ રાહત મળે છે. તજ તમને માથાના દુખાવાથી ઝડપી રાહત આપે છે. માથાના દુખાવાને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે, તજના પાઉડરને પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ તમારા કપાળ પર લગાવો અને લગભગ 30 મિનિટ સૂઈ જાઓ. 30 મિનિટ પછી તેને ધોઈ લો. આનાથી તમને રાહત મળશે.
3. લવિંગ :-
માથાના દુખાવામાં તમે લવિંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઘરેલું ઉપાય તમને ઝડપી આરામ આપશે. આ માટે, તપેલી પર પાંચથી છ લવિંગને ગરમ કરો, અને તેને સાફ રૂમાલમાં રાખો. જ્યારે તમને માથાનો દુખાવો થાય, ત્યારે તેને થોડા-થોડા સમયે સૂંઘતા રહો. આમ કરવાથી માથાનો દુખાવો દૂર થશે.
4. કાળા મરી અને ફુદીનાની ચા :-
ઘણા લોકો માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ચા પીવે છે. કેટલાક લોકો આદુની ચા પીવે છે અને કેટલાક લોકો તેમાં તુલસી અને લવિંગ નાખે છે. પરંતુ માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ચા માં કાળા મરી અને ફુદીનો નાખવો જોઈએ. આ પીવાથી તમને માથાના દુખાવામાં રાહત મળશે.
5. તુલસી :-
તુલસીના પાન પણ માથાના દુખાવા માટે ખૂબ અસરકારક છે. આ માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેને પીવો. આ ઉકાળો પીવાથી માથાના દુખાવામાં રાહત મળશે.