Homeરસપ્રદ વાતોદરેક બાપ અને દીકરીએ ‘ધ ગ્રેટેસ્ટ’ બોક્સર મુહમ્મદ અલી એ તેની દીકરીને...

દરેક બાપ અને દીકરીએ ‘ધ ગ્રેટેસ્ટ’ બોક્સર મુહમ્મદ અલી એ તેની દીકરીને કહેલી આ વાત જરૂર વાંચવી…

‘એ દિવસે મેં વ્હાઈટ ટોપ અને બ્લેક કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. મારો ઉછેર એક રૂઢીચુસ્ત મુસ્લિમ ફેમિલીમાં થયેલો હોવાથી મેં આજ પહેલા ક્યારેય મારા પિતાની સામે આટલા બધા રીવીલીંગ કપડા નહોતા પહેર્યા. હોટેલ પહોંચ્યા પછી શોફર મને અને મારી નાની બહેન લૈલાને એ સ્યુઈટ-રૂમ પાસે લઈ ગયો, જ્યાં મારા પિતા રોકાયેલા હતા. હંમેશની જેમ, અમને ડરાવવા માટે તેઓ બારણાની પાછળ સંતાયેલા હતા. અમે બંને બહેનો પિતાજીને વળગી પડ્યા. તેમની નજર મારા કપડા પર ગઈ. પછી પોતાના ખોળામાં બેસાડીને જે વાત એમણે કહેલી, એ વાત હું આજીવન નહીં ભૂલું.’ આ શબ્દો છે હાના અલીના. અને તેઓ જેમની વાત કરી રહ્યા છે, એ તેમના પિતા એટલે અમેરિકાના ‘ધ ગ્રેટેસ્ટ’ બોક્સર, દાનેશ્વરી અને પરોપકારી એવા મુહમ્મદ અલી. પોતાના પિતા વિશે લખેલા પુસ્તક ‘મોર ધેન અ હીરો’માં તેમણે આ પ્રસંગ લખ્યો છે.

એ પ્રસંગ યાદ કરતા હાના અલીએ આગળ લખ્યું છે, ‘મારી આંખોમાં આંખો નાખીને તેમણે કહ્યું, હાના તને ખબર છે કે હીરા ક્યાં મળે ? જમીનમાં ખૂબ ઊંડે આવેલી ખાણમાં. ખૂબ બધું જોખમ લીધા પછી, પોતાનો જીવ દાવ પર મૂકીને ખાણ-મજૂરો હીરા સુધી પહોંચી શકે છે. મોતી ક્યાં મળે ? સાગરના તળીયે શેલની અંદર કવર્ડ અને પ્રોટેક્ટેડ હાલતમાં. સોનું ક્યાં મળે ? પથ્થરોની મજબૂત સપાટીની નીચે ખૂબ ઊંડાણમાં રહેલી ખીણમાં. બેટા, આ જગતમાં ઈશ્વરે જેટલી વસ્તુઓ સુંદર અને મૂલ્યવાન બનાવી છે, એ બધી જ વસ્તુઓ તેમણે સંતાડીને એવી જગ્યાએ રાખી છે જ્યાં કોઈ સરળતાથી ન પહોંચી શકે. એ વસ્તુઓ પામવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે. એને લાયક બનવું પડે.’ પછી મારા માથા પર હાથ ફેરવીને તેમણે કહ્યું, ‘એ હીરા, મોતી કે સોના કરતા, તું અનેકગણી વધારે મૂલ્યવાન છે.’

અહીં વાત રીવીલીંગ કપડા પહેરવાની નથી, વાત ‘સેલ્ફ-વર્થ’ની છે. એક વ્યક્તિ તરીકેના મૂલ્યની છે. સ્વમાનની છે. કાશ, આ વર્થ દરેક પિતા પોતાની દીકરીઓને બતાવી શકતા હોત ! કાશ, જગતની દરેક સ્ત્રીને એ વાત બાળપણથી રીયલાઈઝ કરાવવામાં આવતી હોત કે તે કેટલી મૂલ્યવાન છે.

સાયકોલોજીની એક થિયરી પ્રમાણે મેરલીન મોનરો અને સિલ્ક સ્મિતા જેવી એક્ટ્રેસીસના ડિપ્રેશન અને સ્યુસાઈડનું કારણ એ હતું કે તેમણે પોતાના શરીરને જાહેર માલિકીનું બનાવી દીધેલું. ચાર્લી ચેપ્લિને પોતાની દીકરી જેરાલ્ડીનને લખેલા એક પત્રમાં કહ્યું છે કે ‘તારું નગ્ન શરીર એને જ સોંપજે, જે તારા નગ્ન આત્માને ચાહી શકે.’ લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે.

એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.

લેખકઃ- ડૉ. નિમિત્ત ઓઝા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments