હિંદુ ધર્મમાં પૂજા પાઠ કરતી વખતે બ્રાહ્મણ વ્યક્તિને હાથના કાંડામાં લાલ દોરો બાંધે છે. આ લાલ દોરાને નાડાછડી કહેવામાં આવે છે. પરંપરા મુજબ કોઈ પણ કામ શરૂ કરતી વખતે અથવા નવી વસ્તુ ખરીદતી વખતે તેને નાડાછડી બાંધવામાં આવે છે. આની પાછળનો અર્થ એ છે કે, તે કાર્ય અથવા વસ્તુ આપણા જીવનમાં શુભ સાબિત થાય.
સનાતન પરંપરામાં કાંડુ બાંધવાની શરૂઆત દેવી લક્ષ્મી અને રાજા બલી દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં નાડાછડી એ એકમાત્ર દોરો જ નથી, પરંતુ તેની પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય મહત્વ પણ છુપાયેલું છે.
નાડાછડી કાચા દોરામાંથી બનેલી હોય છે. નાડાછડી લાલ રંગ, પીળો રંગ, અથવા બંને ભેગા રંગોની હોય છે. શાસ્ત્રો અનુસાર, નાડાછડી બાંધવાની પરંપરા દેવી લક્ષ્મી અને રાજા બલી દ્વારા શરૂ કરવામાં આવી હતી. નાડાછડીને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે, તેને કાંડા પર બાંધવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે. આનું કારણ એ છે કે, નાડાછડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નાડાછડી બાંધવાનું ધાર્મિક મહત્વ હોવા ઉપરાંત, તે વૈજ્ઞાનિક રૂપે પણ ખૂબ ફાયદાકારક છે.
નાડાછડી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. શરીર વિજ્ઞાન મુજબ, શરીરના ઘણા મોટા અવયવો સુધી પહોંચેલી નસો કાંડામાંથી જ પસાર થાય છે. તેથી નાડાછડીને કાંડા પર બાંધવાથી આ ચેતાઓની ક્રિયા નિયંત્રિત થાય છે. આનાથી ત્રિદોષ એટલે કે વત, પિત્ત અને કફના રોગ થતા નથી. શરીરની રચનાનું મુખ્ય નિયંત્રણ કાંડામાંથી જ થાય છે. આનો અર્થ એ છે કે, નાડાછડીને કાંડામાં બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. એવું માનવામાં આવે છે કે, નાડાછડીને બાંધવાથી બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીઝ અને લકવો જેવા ગંભીર રોગો થતા નથી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાંડામાં લાલ નાડાછડી બાંધવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થાય છે. ખરેખર, જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનો શુભ રંગ લાલ છે. જો કોઈ વ્યક્તિ પીળા રંગની નાડાછડી બાંધે, તો તેની કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત થાય છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. કેટલાક લોકો કાંડામાં કાળો દોરો પણ બાંધે છે જે શનિ ગ્રહ માટે શુભ છે.