આપણા સપનાઓનો પુરા કરવા એ સરળ નથી પણ જીવનની આ યાત્રામાં કેટલાક લોકો પોતાના સપનાઓને અધૂરા છોડી દેતા હોય છે અને કેટલાક લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ તેને નથી છોડતા અને પોતાના સપનાઓને પુરા કરવામાં સફળતા મેળવે છે, આજે અમે તમને એક એવી જ મહિલા વિષે જણાવીશું જેને પોતાની નારીશક્તિ અને દ્રઢ સંકલ્પ થી પોતાના તમામ સપનાઓ પુરા કર્યા, આ મહિલાનું નામ છે અનિલ જ્યોતિ, જયારે તે નાની બાળકી હતી ત્યારે તેના પિતાએ તેને અનાથ આશ્રમ માં મૂકી દીધી હતી અને તેના પિતાએ ગરીબીથી કંટાળીને તેને કહી દીધું હતું કે તે તેની દીકરી નથી.

જ્યોતિ જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેના લગ્ન 28 વર્ષના એક પુરુષ સાથે થયા હતા. તે સમયે, વાતાવરણ રૂઢિચુસ્ત હતું અને જ્યોતિને તે ગમતું નહોતું. જ્યોતિ જે વ્યક્તિ સાથે પરણી હતી તે એક ગરીબ શિક્ષિત અને ખેડૂત હતો. લગ્ન પછીના કેટલાક વર્ષો માટે જ્યોતિને શૌચ માટે ખેતરોમાં જવું પડ્યું. એટલું જ નહીં, તેને દિવસના પાંચ રૂપિયા કમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.
માત્ર 17 વર્ષની ઉંમરે જ્યોતિએ એક બાળકને જન્મ આપ્યો અને પછીના વર્ષે તે બીજી વખત માતા બની. તે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી હતી અને કુટુંબને સારી રીતે ચલાવવા માટે મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ ઘર સારી રીતે ચલાવતી હતી. પરંતુ આ બધા વચ્ચે જ્યોતિ તેના જીવનથી સંતુષ્ટ નહોતી. તેણી તેની ગરીબીમાંથી બહાર આવવા માંગતી હતી.

જયારે જ્યોતિ રેડ્ડી ખેતરોમાં કામ કરવા જતી ત્યારે તેને ઘર ચલાવવું મુશ્કેલ લાગ્યા કરતુ હતું. તેના જીવનમાં આટલી બધી સમસ્યાઓ હોવા છતાં તેણે પોતાના બાળકોને અભણ રહેવા દીધા નહીં. જ્યોતિએ તેના બાળકોને નજીકની તેલુગુ માધ્યમની શાળામાં અભ્યાસ માટે મોકલતી હતી. તેમને સ્કૂલની ફી માટે મહિને 25 રૂપિયા ભરવાના હતા અને જ્યોતિએ ખેતરોમાં મજૂરી કરીને તેના બાળકોની સ્કૂલની ફી ભરતી હતી.
ધીરે ધીરે, જ્યોતિએ ગામની શરમ અને રૂઢિચુસ્તતા છોડીને સિલાઇનું કામ શીખી લીધું અને તેને ગામની બીજી મહિલાઓને સિલાઇનું કામ શીખવવા લાગી. આ પછી તેને એક ઓળખ મળી અને એક સરકારી નોકરી પણ જ્યાં તેને મહિને 120 રૂપિયા પગાર મળવાનું શરૂ થયું. જ્યોતિનું કામ નજીકના ગામમાં જવું અને સ્ત્રીઓને સીવવાનું શીખવવાનું હતું.

અલીબાબાના સ્થાપક જેક માની જેમ જ્યોતિ રેડ્ડીએ સિલાઈના શિક્ષકથી લઈને અમેરિકન કંપનીના સીઈઓ બનવા માટે ખુબજ સંઘર્ષ કર્યો. કાકાટિયા યુનિવર્સિટી, વરંગલથી જ્યોતિ અંગ્રેજીમાં એમ.એ. કરવા માંગતી હતી પણ તે શક્ય થઈ શક્યું નહીં.
તે પછી જ્યોતિએ અમેરિકા જવાનું નક્કી કર્યું. તે ત્યાં જઇને સોફ્ટવેરની મૂળ બાબતો શીખવા માંગતી હતી પણ યુએસએમાં સ્થાયી થવું એ સૌથી મોટી અને અઘરી બાબત હતી. કોઈ સબંધીની મદદથી જ્યોતિએ અમેરિકાના વિઝા મેળવ્યા અને તે ન્યુજર્સી જવા રવાના થઈ ગઈ.

પોતાનો ધંધો શરુ કરતા પહેલા જ્યોતિએ ન્યૂજર્સીમાં ઘણી નાની નાની નોકરીઓ કરી હતી. તેણે સેલ્સ ગર્લ, રૂમ સર્વિસ આસિસ્ટન્ટ, બેબી સિટર, ગેસ સ્ટેશન એટેન્ડન્ટ અને સોફ્ટવેર રિક્રૂટરની જેવી અનેક નોકરીઓ કરીને પોતાના સપનાઓને નવી દિશા અને ઊંચાઈ આપી. આજે તેઓ યુ.એસ.એ. માં મહેલ જેવા 6 ઘર અને ભારતમાં તેમના પોતાના 2 ઘર છે. એટલું જ નહીં, જ્યોતિ મર્સિડીઝ જેવા મોંઘા વાહનોની માલકીન પણ છે.
જો કે આજે જ્યોતિ રેડ્ડી યુએસએમાં રહે છે, પરંતુ તે 29 ઓગસ્ટના રોજ દર વર્ષે ભારત આવવાનું ભૂલતી નથી. તે આ દિવસે ભારત આવે છે અને તે જ અનાથાશ્રમમાં બાળકો સાથે તેનો જન્મદિવસ ઉજવે છે. આટલું જ નહીં, જ્યોતિ અનાથ બાળકો માટે ઘણી બધી ગિફ્ટ પણ લાવીને તેમને વહેંચે છે.

ખુબજ નાની ઉંમરમાં પોતાનાથી ઉંમરમાં ખુબજ મોટા ખેડૂત સાથે લગ્નથી લઈને સિલિકોન વેલીની કંપનીની સીઈઓ બનવા સુધીની આ યાત્રા ખુબજ પ્રેરણાથી ભરેલી છે, જ્યોતિ ભારતના યુવાનો માટે એક પ્રકાશસ્તંભ સમાન છે, જે સ્વપ્ન જોનારા માટે અંધકારથી ઉજ્જવળ ભાવિ સુધી પહોંચવા માટે રસ્તો દેખાડે છે.