Homeરસપ્રદ વાતો20 મિનિટ ચાલીને થાકી જતા ગુજરાતી 2 કલાક નોન-સ્ટોપ ગરબા રમી લે...

20 મિનિટ ચાલીને થાકી જતા ગુજરાતી 2 કલાક નોન-સ્ટોપ ગરબા રમી લે છે પણ આપ સહુને ખરેખર તો ગરબે રમવું એટલે શું એની જાણ છે ખરા ?

વિશેષ નોંધ : કહેવાય છે કે ગુજરાતીઓ ૨૦ મિનિટ વોક કરે ને તો પણ થાકી જાય પણ હા ! એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈ ગુજરાતીને ૨ કલાક નોન-સ્ટોપ ગરબા રમવાનું કો તો ચોક્કસ રમી લે ? ખરું ને ? પણ આપ સહુને ખરેખર તો ગરબે રમવું એટલે શું એની જાણ છે ખરા ? ખાસ વાંચજો.

આપણામાંથી મોટાં ભાગનાં લોકો માટે નવરાત્રી આવે એટલે દાંડિયા રાસ અને ગરબા જે એક ચોક્કસ પ્રકારનું નૃત્ય બની ગયું છે બસ એટલા પુરતું જ સીમિત રહી ગયું છે. એમાં પાછું હવે તો છેલ્લા ૨-૩ દાયકાઓથી આધુનિકરણનાં કારણે ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે અને ખરેખરી શ્રદ્ધા કે ભક્તિભાવ ક્યાંક ઓસરતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે થોડી વાત મારે ખરેખરનાં ગરબા વિશે કરવી છે.

ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા, અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ’ગરબો’ શબ્દની ઉત્પત્તિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ ઉત્પન્ન થયો હોવાનું જણાય છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને ચારેબાજુ છીદ્રો પડાવીએ એટલે તેને ગરબો કોરાવ્યો છે એમ કહેવાય.

ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

‘ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીનાં ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’.

આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ન થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા.

ખરેખર તો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ૯-૯ની ત્રણ લાઈન એટલે ૨૭ છિદ્ર તે ૨૭ નક્ષત્ર છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે ૨૭x૪ = ૧૦૮. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. ગરબા રમવાનું ખરું માહાત્મ્ય આજ છે. નવરાત્રિનાં પર્વમાં એ શક્તિ સ્વરુપાનાં આહ્વાન અને સ્થાપન રૂપે ભક્તિનું કેન્દ્ર થઇ પૂજવા યોગ્ય બની જાય છે.

ગરબામાં સ્ત્રીઓ વર્તુળાકારે તાલમાં તાળી દઈને રમે, કોઈ કોઈ વળી માથે દીવડાઓની માંડવડી મૂકીને ઘૂમે. કહેવાય છે કે આવી જ રીતે પ્રાચીનકાળમાં તેનો પ્રારંભ થયો હતો. આમ, નાનાં-નાનાં છીદ્રોવાળા માટીનાં ઘડામાં દીવડો પ્રગટાવીને માતાજીનાં સ્વરૂપે સ્થાપવામાં આવતી એક પરંપરા એટલે ગરબો. જાણે શરીર રૂપી ઘટમાં આતમ રૂપી પ્રકાશથી ઝગમગતું ચૈતન્ય.

કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધનામાં ઘણું બધું સામ્ય છે. ધર્મ બન્નેનાં કેન્દ્રમાં છે. વર્તુળાકારે સામૂહિક નૃત્ય પણ સમાન તત્ત્વરૂપે છે. બંને પરફોર્મિંગ આર્ટસ છે. લય, તાલ, સૂર, સંગીત અને નર્તનથી જીવનને ઉત્સવમય બનાવનારાં છે. ગરબામાં ભાર વિનાનું ચિંતન અને મોરના પીંછા જેવી હળવાશ છે, તો રાસમાં ગાયનમાં ઉછળતા થનગનાટ અને ચાપલ્યની વિશેષતા જોવા મળે છે.

રાસ અને ગરબા બંનેની સાથે સામાન્ય રીતે ઉલ્લાસ અને આનંદનું તત્ત્વ સંકળાયેલું હોય છે. એક કળા સ્વરૂપે ગરબો “વાળ્યો વળી શકે” એવો કલા પ્રકાર છે. જો ગરબો હિંચ કે ખેમટો રાગમાં હોય તો છ માત્રામાં, કેરવો હોય તો આઠ માત્રામાં ને દીપચંદી હોય તો ચૌદ માત્રામાં લેવામાં આવે છે. પહેલાં સારંગ, ભૈરવ કે મ્હાડ રાગ પર આધારીત ગરબાઓ વધારે ગવાતા હતા. હવે તો બધા જ રાગોમાં ગરબાનું સંગીત-નિયોજન થતું જોવા મળે છે.

ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્તમ માધ્યમ છે. એક-એક ગુજરાતીને ગરબા સાથે શરીર અને પ્રાણ જેવો પ્રગાઢ સંબંધ છે. ગરબો એટલે તો જાણે જીવનની વસંત…યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય. ગરબો આવી અનેક ઉપમાઓને તાદ્રશ કરતી, ગુજરાતીઓનાં ઉત્સાહને પોષનારી એમની પોતીકી કળા છે.

નૃત્યની સાથે સાથે એ ન ભુલીયે કે નવરાત્રી એટલે નવ પ્રકારની શક્તિઓને પ્રાપ્ત કરવાનું પર્વ અને આ નવ શક્તિઓ એટલે બુદ્ધિ, શ્રદ્ધા, ક્ષમા, ભક્તિ, સંગઠન, સંયમ, સંરક્ષણ, સામર્થ્ય અને સહનશક્તિ. નવરાત્રીનાં નવ દિવસ દરમ્યાન મા જગદંબાની આરાધના કરી સદબુદ્ધિ માંગવાની છે કેમ કે એકલી બુદ્ધિ હશે તો નહિ ચાલે. જીવનમાં ચડતી અને પડતી બંને આવશે તો એ કપરા સમયમાં શ્રદ્ધા હોવી પણ એટલી જ જરૂરી છે. શ્રદ્ધા ને મજબુત બનાવા માટે ભક્તિ અને સંયમ પણ જોઈશે.

સંયમ એટલે આપણી ઇન્દ્રિયો પરનો આપણો કાબુ જે ઉપાસના કરવાથી મળે છે અને ભક્તિ વગર આ ઉપાસના શક્ય નથી. ભક્તિમય ઉપાસનાથી જ આપણે આપણી જાતને અને બીજાને ક્ષમા કરવાનું સામર્થ્ય પણ મેળવી શકીશું. જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે માટે દુઃખની ઘડીમાં સહનશક્તિની જરૂર પણ પડશે. આ કપરી પરિસ્થિતિમાં પરિવાર અને સગા-સંબંધીઓનું સંગઠન પણ ખુબ આવશ્યક છે. આ બધી જ શક્તિઓ આપણે મા જગદંબા પાસે હાથ જોડીને ખરા દિલથી માંગવાનો આ અવસર છે.

તો ચાલો આપણે પણ આજથી શરુ થતાં આ નવરાત્રીનાં ભક્તિમય વાતાવરણમાં રસતરબોળ થઇ સાચી શ્રદ્ધાથી અને ખરી ભક્તિથી મા જગદંબાની આરાધના કરીયે. એ પ્રાર્થના કરીયે કે, ‘હે જગત જનની ! છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો અમારા અસંખ્ય અને અક્ષમ્ય અપરાધોને તારા સંતાનો ગણી ક્ષમા આપ અને અમારામાં નવી ઉર્જાનો સંચાર કર. આ વૈશ્વિક મહામારીમાંથી મને કે માત્ર મારાં સગા-સંબંધીઓને જ નહિ પણ તમામ વિશ્વને ઉગારી લે’ બસ આ જ પ્રાર્થના આ નવ દિવસ દરમ્યાન હું અંતરમનથી કરીશ.

મા જગદંબા આપણા બધાની મનોકામના પૂર્ણ કરે અને સાચી શ્રદ્ધાથી આપણે સહુ આ નવરાત્રીને ઉજવીયે એ આશા સાથે આપને અને આપના પરિવારને મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

લેખકઃ- વૈભવી જોશી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments