Homeસ્ટોરીમાત્ર એક ભુલ કેવી ભારે પડી ગઈ નોકિયા ને, એક સમયે મોબાઈલોનો...

માત્ર એક ભુલ કેવી ભારે પડી ગઈ નોકિયા ને, એક સમયે મોબાઈલોનો બાપ ગણાતી કંપની થઈ ગઈ કોડીઓની…

દેશમાં ૩૦ વર્ષથી મોટી ઉંમરના કોઇપણ વ્યક્તિને પૂછો કે એનો પહેલો મોબાઈલ ફોન કઈ કંપનીનો હતો? તો મોટાભાગે લગભગ બધાનો એક જ જવાબ હશે “NOKIA”. જી હા, આ દેશમાં નોકિયા એટલે માત્ર મોબાઈલ જ નહીં પરંતુ નોકિયા એટલે ઈમોશન્સ. દેશ નોકિયા સાથે લાગણીથી જોડાયેલો હતો. નોકિયા પોતાના સૂત્ર “Connecting People”ને ખરા અર્થમાં સાર્થક કરતુ હતું.

Nokiaની સ્થાપના વર્ષ ૧૮૬૫માં Fredrik Idestam દ્વારા કરવામાં આવી હતી. મૂળે નોકિયા કોઈ ઇલેક્ટ્રિક કંપની નહીં પરંતુ એક પેપરમિલ હતી. નોકિયા ફિનલેન્ડની એક નદી અને શહેરનું નામ છે. વર્ષ ૧૮૭૧માં Fredrik અને તેના મિત્ર Leo Mechelin દ્વારા એક બીજી કંપની Nokia Ltd.ની સ્થાપના કરવામાં આવી.

૧૯૨૨માં નોકિયાએ બીજી ૨ કંપનીઓ સાથે મળીને ઇલેક્ટ્રોનિક્સ અને કેબલના ધંધામાં ઝંપલાવ્યું. અને પછી ૧૯૬૭માં આ ત્રણે કંપનીઓ એકમાં મર્જ કરીને “Nokia Corporation”ની સ્થાપના કરવામાં આવી. ૧૯૭૦માં નોકિયાએ નેટવર્કિંગ અને રેડિયો ઇન્ડસ્ટ્રીમાં પણ પગ જમાવવાની શરૂઆત કરી. તેઓ ફિનલેન્ડ આર્મી માટે રેડિયો ઇક્વિપમેન્ટ બનાવતા હતા. ૧૯૯૦ સુધીમાં નોકિયા ટેલીવિઝન બનાવનારી ત્રીજી સૌથી મોટી કંપની બની ચુકી હતી.

મોબાઈલ કંપની MOBIRAને અધિગ્રહણ કરીને નોકિયાએ ૧૯૮૨માં પોતાનો પહેલો ફોન “Mobira Senator” લોન્ચ કર્યો. ૧૯૮૭માં નોકિયા પોતાનો પહેલો પોર્ટેબલ મોબાઈલ ફોન “Mobira Cityman” નામે લાવી. ૧૯૯૦માં નોકિયાએ સિમન્સ કંપની સાથે મળીને વિશ્વનું પ્રથમ GSM નેટવર્ક ડેવલપ કર્યું. નોકિયાના ફોનથી જ વિશ્વનો પ્રથમ GSM કોલ ફિનલેન્ડના પ્રધાનમંત્રી હેરી હોલ્કેરીએ ૦૧ જુલાઈ, ૧૯૯૧ના રોજ કર્યો હતો.

૧૯૯૮ સુધીમાં તો નોકિયા મોટોરોલાને પાછળ મુકીને મોબાઈલ ક્ષેત્રમાં નંબર વન કંપની બની ચુકી હતી. નોકિયાએ ૨૦૦૩માં 1100 અને ૨૦૦૫માં 1110 મોડલ લોન્ચ કરીને આખા વિશ્વના મોબાઈલ માર્કેટને હલાવી દીધું હતું. આ ફોને વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આજે લોન્ચ થયાના વર્ષો બાદ પણ આ મોબાઈલ બેસ્ટ સેલિંગની યાદીમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. Nokiaની N સીરીઝ પણ ખૂબ જ લોકપ્રિય થઇ.

૨૦૦૮ સુધીમાં નોકિયા મોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર રીતસરનું શાસન કરતું હતું. પરંતુ ૨૦૦૮માં ગુગલની એન્ડ્રોઇડ OS લોન્ચ થતાની સાથે જ બધા સમીકરણો રાતોરાત બદલાયા. આ જ સમયગાળામાં એપ્પલ કંપની પોતાની iOS સિસ્ટમ સાથે બજારમાં દસ્તક દે છે.

નોકિયા ત્યારે પોતાના પ્રિમીયમ ફોન્સમાં સીમ્બીઅમ OS વાપરતું હતું. બીજી હરીફ કંપનીઓએ જયારે એન્ડ્રોઇડ અપનાવી લીધું ત્યારે નોકિયા સીમ્બીઅમની તાકાત પર મુશ્તાક હતું. અને અહીં જ તેઓ થાપ ખાઈ ગયા. કંપનીએ સોફ્ટવેર સુધારવાના બદલે સતત હાર્ડવેરમાં જ ધ્યાન આપ્યા કર્યું. નોકિયાની આ ભૂલનો ફાયદો ઉઠાવી સેમસંગ ચુપકેથી માર્કેટમાં એન્ટર થયું અને જોતજોતામાં માર્કેટ લીડર બની ગયું.

નોકિયાને પોતાની ભૂલ સમજાઈ પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચુક્યું હતું. ૨૦૧૨માં નોકિયાએ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં વિન્ડોઝ OS ધરાવતો Lumia-800 લોન્ચ કર્યો. પરંતુ આ ફોનને પણ લોકોએ નકારી દીધો. આના પછી નોકિયા ક્યારેય હરિફાઈમાં આવી જ ના શકી અને લગભગ નાદાર થઇ ચુકી હતી. તેથી ૨૦૧૩માં માઈક્રોસોફ્ટે ૫.૪ બિલીયન ડોલરમાં નોકિયાને ખરીદી લીધી.

આગળ પણ નોકિયાના ઘણા ફોન લોન્ચ કરવામાં આવ્યા પરંતુ નોકિયા ફરીથી ગ્રાહકોનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ જ રહી. અને આમ એક બ્રાન્ડ જે ક્યારેક આસમાનની બુલંદીઓ ઉપર હતી તે હાલ ધરતી ઉપર આવી ચુકી છે. પણ તે છતાંય વાતની શરૂઆતમાં કહ્યું તેમ એક આખી પેઢી માટે નોકિયા એટલે લાગણી, લાગણી અને માત્ર લાગણી.

સૌજન્ય:- ગ્રંથ પેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments