કોરોનાને લીધે, આર્થિક નુકસાન થતા એક વેપારીએ તેની પત્ની અને 3 દીકરી સાથે પીધું ઝેર.

સ્ટોરી

દાહોદ જિલ્લાના એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખભળાટ મચી ગયો છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક નુકસાન થવાનું છે. કોરોનાના કારણે આ પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો અને તેથી વેપારી, તેમની પત્ની અને ત્રણ દીકરીઓએ સાથે મળીને ઝેર પીધું જેના કારણે પાંચેયના મોત થયા.

 

દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી ‘સૈફતભાઈ બરઝરવાલા’, તેની પત્ની અને 3 દીકરી સહિત પરિવારના 5 સભ્યોના મૃતદેહ ગુરુવારે મળી આવતા લોકો સ્તબ્ધ બની ગયા. શુક્રવારે સવારે આપઘાતની જાણ થતાં સુજાઈબાગની આસપાસ લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી દાહોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. FSLની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. આ પરિવાર વ્હોરા સમાજનો હોવાનું સામે આવ્યું છે. મૃતક સૈફતભાઈ ડિસ્પોઝેબલ ડીશના છૂટક વેપારી હતા. શુક્રવારે વહેલી સવારે સૈફતભાઈના પિતાએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

તેથી તેના પિતાએ નજીકમાં રહેતી તેની દીકરીને જાણ કરી હતી. જેથી સૈફતભાઈની બહેન સવારે 8 વાગ્યાની આસપાસ ભાઈ સૈફતના ઘરે આવ્યા હતા અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈએ ખોલ્યો ન હતો. જેથી આસપાસના રહેવાસીઓ પણ ભેગા થઈ ગયા હતા.

બધાના પ્રયત્ન છતાં અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહો જમીન પર પડ્યા હતા. જમીન પર મીઠાઈનું ખાલી બોક્સ પણ પડ્યું હતું. જેથી પોલીસને શંકા છે કે, પરિવારે ઝેર ભેળવેલી મીઠાઈ ખાધી હશે.

પોલીસે તેમના પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરીને સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ શરૂ કરી છે. એવી વાત પણ સામે આવી રહી છે કે, કોરોનાના કારણે લોકડાઉન તેમજ અન્ય કારણોસર આ પરિવાર આર્થિત ભીંસમાં હતો અને તેના કારણે આવું ભયાનક પગલું ભર્યું હોઈ શકે છે. જો કે સામૂહિક આપઘાતનું સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *