Homeહેલ્થઆ આસન કરવાથી કમરથી નીચેનો ભાગ થાય છે મજબૂત, ગર્ભવતી મહિલાઓ માટે...

આ આસન કરવાથી કમરથી નીચેનો ભાગ થાય છે મજબૂત, ગર્ભવતી મહિલાઓ માટે છે ઉત્તમ

આ આસનમાં પગનો આકાર કમળના દળ જેવો લાગતો હોવાથી આને પદ્માસન કે કમલાસન કહેવામાં આવે છે. દેખાવે સરળ લાગતા પદ્માસનને યોગમાર્ગમાં અત્યંત મહત્વનું આસન ગણવામાં આવ્યું છે. પદ્માસનમાં બેસી યોગીઓ પ્રાણાયામ, બંધ, મુદ્રા તથા કેટલાંક આસનોનો અભ્યાસ કરે છે.

આસનની રીત:- સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો, પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે.

એવી જ રીતે ડાબા પગને ઢીંચણથી વાળી જમણા હાથની મદદથી પગના પંજાને પકડી જમણી જાંઘ પર એવી રીતે મૂકો કે એડીથી પેઢુના જમણી બાજુના સ્નાયુઓ દબાય. આમ બંને પગ ગોઠવાય ત્યારે બંને પગની એડીઓ એકમેકની પાસે આવી રહેશે.

બંને પગને ગોઠવ્યા પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. (લોપામુદ્રા) અથવા તર્જનીના (પહેલી આંગળી) છેડાને અંગૂઠાના મૂળમાં લગાવી બંને પંજાને તે તે બાજુના ઢીંચણ પર ચત્તા મુકો. (જ્ઞાનમુદ્રા).

પદ્માસન કરતી વખતે મૂળબંધ (ગુદાનું આકુંચન) અને જાલંધર બંધ કરી શકાય. પદ્માસનમાં બેઠા પછી ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.

જેમ કે બદ્ધ પદ્માસન, વીરાસન, યોગાસન, પર્વતાસન, લોલાસન, ગર્ભાસન, કુટ્કુટ્ટાસન, ભૂનમનપદ્માસન, મત્સ્યાસન, ઉર્ધ્વપદ્માસન વિગેરે પ્રકારના આસનો માટે પદ્માસન જરૂરી છે

કેટલીક વ્યક્તિઓથી પદ્માસન થઈ શકતું નથી. તેઓ માત્ર એક જ પગને સાથળ પર ગોઠવી શકે છે. તેવા લોકોએ હતાશ થયા વિના ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવો. થોડા સમયના અભ્યાસ પછી તેઓ શ્રમરહિત રીતે એને કરી શકશે.

શરૂઆતમાં કેટલાક લોકોને પગમાં ઝણઝણી કે કળતર થાય તો તેથી ભયભીત ન થવું. અભ્યાસ થતાં એ બધા વિઘ્નો દૂર થશે. અશક્ત કે રોગી વ્યક્તિએ આ આસનમાં બેસવાનો દુરાગ્રહ સેવવો નહીં.

આ આસન પર કેટલો સમય બેસી શકાય તે દરેક લોકોએ સ્વયં નિરિક્ષણ કરી જાણવું. શ્રમ અને કષ્ટરહિત જેટલો સમય બેસાય તેટલો સમય બેસવું. એકાદ સપ્તાહ પછી એમાં પાંચ મિનિટ વધારો કરવો. એમ કરતાં એક થી ત્રણ કલાક સુધી પહોંચી શકાય.

આ આસનમાં પગના સ્નાયુઓ સંકોચાઈને દબાય છે. જેથી પગની અને ઉરુની નાડીઓ શુદ્ધ થઈ બળવાન બને છે. એથી અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે.

પદ્માસન કરવાથી હૃદયમાંથી પેટ તરફ શુદ્ધ લોહી વહન કરતી રક્તવાહિનીઓ દ્વારા પેઢુના ભાગને વધુ લોહી મળે છે. એથી એ પ્રદેશના અવયવો, કરોડના જ્ઞાનતંતુઓ તથા પ્રજનન ગ્રંથિઓને પોષણ મળે છે. મનોબળ વધે છે, ચંચળતા દૂર થાય છે, સ્થિરતાની પ્રાપ્તિ થાય છે તથા વ્યસનોથી દૂર રહેવાનું મનોબળ મળે છે.

પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે, માનસિક રીતે મજબૂત થતા સુખ-શાંતિ-શક્તિની વૃદ્ધિ થાય છે.

બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે.

લાંબો સમય પદ્માસનમાં બેસવાથી પ્રાણ અને અપાનની એકતા થઈ કુંડલિની જાગૃતિમાં મદદ મળે છે. લાંબા ગાળે આ આસાન કરતા લોકોને સમાધિનો અનુભવ પણ થાય છે. સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવવા માગતા લોકો માટે પદ્માસન એ સૌથી મહત્વનું આસન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments