ભારત સ્વતંત્ર થયું ત્યારે લગભગ ઝીરો જીડીપી સાથે એની પાસે કોઈ સ્ટ્રક્ચર હતું નહિ. ના સારી સ્કૂલો, કોલેજો, યુનિવર્સીટીઓ, વૈજ્ઞાનિક રીસર્ચ સંસ્થાઓ કશું નહોતું. લગભગ ઝીરોથી શરુ કરવાનું હતું. એક જમાનાના સોનેકી ચીડિયા ભારત પાસે આજે ફક્ત દોરી લોટો હતો, વધારામાં ભારતના ભાગલાને કારણે લાખોની હત્યાઓ થયેલી એની પીડા અસહ્ય હતી.

સરદાર બીમાર હતા, બહુ લાંબુ ખેચી શકે એવી હાલતમાં નહોતા. એમને ખરેખર અતિશય દુષ્કર એવું રજવાડાં ભેગાં કરવાનું કામ સોપાયું હતું. હજુ ભારતનું પોતાનું બંધારણ પણ ઘડવાનું બાકી હતું. બ્રિટનમાં ટ્રીનીટી કૉલેજ કેમ્બ્રિજમાં ભણેલા બેરિસ્ટર બનેલા નહેરુ બહુ અભ્યાસુ હતા. બંધારણ ઘડવા સભ્યોની કમિટી બનાવી તેના અધ્યક્ષ આંબેડકરને નીમી મહત્વનું કામ શરુ કરેલું.
સરદારને અન્યાય અન્યાયની બૂમો પાડનારને ખબર નથી કે સ્વતંત્ર ભારતની પહેલી ચુંટણી લડવા સરદાર જીવિત રહ્યા નહોતા. ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦મા સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ૧૯૫૨મા પહેલી ચુંટણી થઈ, પણ સરદાર તો ૧૯૫૦નાં ડીસેમ્બરમાં અવસાન પામેલા. સરદાર વડાપ્રધાન બન્યા હોત તો નહેરુ સત્તરને બદલે ચૌદ વર્ષ વડાપ્રધાન રહેવાના જ હતા.

ડૉ હોમી જહાંગીર ભાભા નામના પારસી અણુવૈજ્ઞાનિકને નહેરુ જહાજમાં મળી ગયેલા. તેમને ભારત ખેંચી લાવી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર શરુ કરાવનાર નહેરુ હતા. ડૉ વિક્રમ સારાભાઈને લઇ ઈસરો સ્થાપનાર નહેરુ હતા. ભાખરા નાંગલ જેવા ભવ્ય બંધો આઈ.ઈ.ટી. જેવી કૉલેજો સ્થાપનાર નહેરુ હતા.
ખેર આપણે નહેરુના કામ ગણાવવા નથી. પણ નહેરુ એક વિઝનરી નેતા હતા. પણ આખરે માનવી હતા તેમની ભૂલો પણ થઈ હશે. વગર ગુગલીંગ કરે નહેરુએ જેલમાં બેઠા બેઠા ડીસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું જે ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે ખૂબ જ પ્રમાણભૂત છે. એના પરથી ભારત એક ખોજ નામની એક ટીવી સીરીઝ પણ બનેલી જે ખૂબ લોકપ્રિય બનેલી. એમણે વર્લ્ડ હિસ્ટ્રી ઉપર પણ એક સરસ પુસ્તક લખેલું. દોમ દોમ સાહ્યબી છોડીને ઓલમોસ્ટ નવ વર્ષ જેલમાં રહેલાં નહેરુની સરખામણી આજના કોઈ નેતા જોડે થાય જ નહિ.

નહેરુજીને ભારતના ઇતિહાસમાંથી ભૂસવાના વ્યર્થ પ્રયત્નો ચાલી રહ્યા છે પણ તે સફળ થવાના નથી.
લેખક:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, પેન્સિલવેનિયા યુએસએ.