Home ધાર્મિક પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતા અને કેવી રીતે થઈ પાવાગઢ ડુંગરની...

પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતા અને કેવી રીતે થઈ પાવાગઢ ડુંગરની ઉત્પતિ ?

35

પાવાગઢના સૌથી ઉચ્ચ શિખર પર જગત જનની મા કાલિકા દેવી સાક્ષાત મહાશક્તિ સ્વરૂપે બિરાજમાન છે. પાવાગઢ ડુંગળની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળને એક પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. ચૈત્ર તેમજ આસો મહિનાની નવરાત્રીના દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.

આપણે જાણીએ છીએ કે ૫૧ શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. ૫૧ શક્તિપીઠોમાંથી ગુજરાતમાં મુખ્ય ૩ શક્તિપીઠ આવેલ છે. જેમાં અંબાજી ખાતે અંબે મા બિરાજમાન છે. બહુચરાજી ખાતે મા બહુચર, તો પાવાગઢના ડુંગરે મા મહાકાળી બિરાજમાન છે. ચાંપાનેરથી પ કિમી દૂર માંચી નામનું ગામ આવેલુ છે. માંચીથી ભક્તો માટે રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે.

દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તાંડવ કરતાં ધરતી ધ્રુજવા લાગી હતી. ધરતીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કર્યા હતા. જેમાંનો એક ટુકડો પાવાગઢ પર્વત પર પડ્યો હતો. આ પર્વત પર માતા સતીના જમણા પગની આંગળી પડી હતી. આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું હોવાનું કહેવાય છે.

આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં જ માતાજીની વિશાળ નેત્રધારી મા મહાકાળીના દર્શન થાય છે. અહી મંદિરમાં મહાકાલિકા યંત્રની પણ સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિરમાં માતાના ચાર સ્વરૂપમાં દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહની વચ્ચે માનું મૂળ રૂપ જમણી તરફ પ્રતિમા સ્વરૂપે મહાકાળી મા, ડાબી બાજુ બહુચર મા અને તેમની પાસે લક્ષ્મી માતા બિરાજમાન છે.

કહેવાય છે કે પાવાગઢના ડુંગરોની રચના સદીઓ પહેલા જ્વાળામુખીથી થયેલી છે. આ ડુંગર જેટલો બહાર દેખાય છે તેનાથી ૩ ઘણો તે જમીનની અંદર રહેલો છે. જમીન પર દેખાય છે એ તો ડુંગરનો ફક્ત પા ભાગ છે. તેથી આ ડુંગરનું નામ પાવાગઢ પડ્યું છે.

એક સમયે ચાંપાનેર પંથકમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. એ મુજબ, છ જ મહિના પછી અમદાવાદના સુબા મહેમુદે પાવાગઢ પર આક્રમણ કર્યું હતું.

સૌજન્યઃ ચિન્મય ભાલાળા