Home હેલ્થ કબૂતરની ચરક એટલે કે હગાર જીવલેણ હોય છે ? પારેવાની હગાર માણસના...

કબૂતરની ચરક એટલે કે હગાર જીવલેણ હોય છે ? પારેવાની હગાર માણસના ફેફસાંને ખલાસ કરી શકે છે ?

292

હમણાં અમે 45 વર્ષનાં એક સ્વજન બહેન, નામે નીપાબહેન ચાવડા ગુમાવ્યાં. બે બાળકોએ માતા, એક પતિએ પ્રેમાળ પત્ની અને એક પરિવારે કુળવધૂ ગુમાવી. ઘરમાં હાહાકાર થઈ ગયો. તેમનું ઘર પહેલા માળે, આજુબાજુમાં ઢગલો વૃક્ષો હોવાથી કબૂતરો ખૂબ આવે. તેમના રસોડાની બહાર માળા બનાવે. ઈંડાં-બચ્ચાં આવે. આખો દિવસ કબૂતરો ઊડાઊડ કરે.

કબૂતરની ચરક અથવા હગાર જોખમી હોય છે એની ખબર નહીં. જીવદયા દરેકમાં હોય, બહેનોમાં વિશેષ હોય. પતિએ કબૂતરનો માળો કાઢી નાખવા કહ્યું તો બહેન કહે, બિચારાં આપણું શું લઈ જાય છે ? ભલેને રહ્યાં.

અમારાં આ સ્વજન બહેન છ મહિનાનાં હતાં ત્યારે તેમને ડબલ ન્યૂમોનિયા થયેલો તેને કારણે તેમનાં ફેફસાં નબળાં હતાં. કબૂતરની હગારને કારણે તેમને ઈન્ફેકશન થયું. પાંચેક વર્ષ સારવાર ચાલી. ફેફસાં બદલાય તો મેળ પડે, પણ એવું કરતાં પહેલાં તો અમારા આ સ્વજન બહેન સ્વર્ગે સીધાવ્યાં.

અમદાવાદના જાણીતા સંગીતકાર સમીર રાવલનાં બહેન, અપર્ણાબહેન કે જેઓ જાણીતાં નૃત્યાંગના હતાં તેમને પણ કબૂતરોની હગારને કારણે ગંભીર બિમારી થઈ હતી. તેમના પ્રેમાળ પતિએ, કરોડો રૂપિયા ખર્ચીને તેમની અમેરિકામાં સારવાર કરાવી હતી. અરે, ફેફસાં પણ બદલાવ્યાં હતાં, પણ છેવટે અનેક લોકોનાં માનીતાં અર્પણાબહેન વહેલાં જતાં રહ્યાં હતાં.

કબૂતર આપણાથી ખૂબ નજીક રહેનારું પક્ષી છે, પણ તેની હગારથી બચવા જેવું છે. જેને શ્વાસ લેવામાં તકલીફ હોય, જેમને વંશ-પરંપરાગત અસ્થમા હોય, જેમનાં ફેફસાં નબળાં હોય, જેમને ભૂતકાળમાં ન્યૂમોનિયા જેવા શ્વાસને લગતા ગંભીર રોગો થઈ ચૂક્યા હોય તેમણે કબૂતરોની હગારથી દૂર રહેવું હિતાવહ છે.

કબૂતર જ્યાં હંમેશા બેસે છે, ત્યાં ચરક પણ કરે છે. તે જ્યાં ચરક કરે છે ત્યાં ફરી વખત તે જગ્યા ઉપર બેસવાનું પસંદ કરે છે. એટલા માટે કબૂતરોના હગાર વાળી જગ્યા ઉપર દુર્ગંધ પણ આવે છે. કબૂતરોનું ચિતર અથવા હગાર સુકાય એટલે તૂટીને પાવડર જેવું થઇ જાય છે. પાંખો ફફડાવવાથી અને ઉડવાથી તે પાવડર હવામાં ઊડે છે અને પછી શ્વાસ લેવાથી આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય છે.

સંશોધનો કહે છે કે શ્વાસ દ્વારા કબૂતરોની હગાર ફેફસાં સુધી પહોંચી જાય છે, જેનાથી શ્વાસની બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ અંગે થયેલી શોધ મુજબ, એક કબૂતર એક વર્ષમાં ૧૧.૫ કિલો હગાર કરે છે. કબૂતરોની હગાર સુકાયા પછી તેમાં જીવાત થવા લાગે છે, જે હવામાં ભળીને ચેપ ફેલાવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ ચેપને કારણે જ શરીરમાં એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના કારણે ફેફસામાં ઇન્ફેકશન જેવી બીમારીઓ થઇ શકે છે. તેનાથી ફંગલ ઇન્ફેકશનવાળી બીમારીઓ પણ થઇ શકે છે.

કબૂતરના ચિતર અને પાંખથી થતી બીમારીઓ મોટા ભાગે ફેફસાં સાથે જોડાયેલી હોય છે, જેને હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસ કહેવામાં આવે છે. આ બીમારીમાં લંગ્સનું એલર્જીક રીએક્શન થાય છે. તે ઘણું જોખમી હોય છે. શરુઆતમાં તેની ખબર ન પડવાથી આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસમાં પીડિતને ખાંસી થઇ શકે છે, સાંધામાં દુઃખાવો રહેવા લાગે છે અને ફેફસાને હવામાંથી ઓક્સીજન ખેંચવામાં તકલીફ પડી શકે છે. સમયસર ખબર ન પડે તો તે જીવલેણ પણ થઇ શકે છે. ઘણા ડોકટરો ઘરમાં કબૂતરોનો જમાવડો ન થવા દેવાની સલાહ આપે છે.

નીપાબહેન ચાવડા (ગાંધીનગર) અને નૃત્યકાર અર્પણાબહેન (અમદાવાદ)ના આ બે કિસ્સા પછી અમે શ્રી ઋતુરાજ રાઠોડ અને શ્રી ભવદીપ ગણાત્રા જેવા નીવડેલા વૈદ્યરાજો સાથે પણ વાત કરી. બધા એક વાતે તો સંમત હતા જ કે કબૂતરની ચરક અથવા હગાર જોખમી તો છે જ. કાગડા, ચકલી, પોપટ, કાબર કે કોયલ જેવાં પક્ષીઓ કરતાં કબૂતર માણસ જાત સાથે ઝડપથી હેવાયું થઈ જતું પક્ષી છે.

ખાસ કરીને ફ્લેટો કે ઓફિસોમાં કબૂતર સતત આવે છે. રસોડામાં, ઘરમાં, વાસણો પર, એરકન્ડીસનર પર તે માળા પણ બનાવે છે. બહેનો આખો દિવસ રસોડામાં કામ કરતી હોય છે. રસોડામાં કે તેની બાજુની બાલ્કનીમાં કબૂતર આખો દિવસ આવે, ઊડાઊડ કરે, સતત ચરકે, ઊડતાં ઊડતાં પણ ચરકે, તેની હગાર ભેગી થાય, તેમાં જીવાત થાય, તે માળા બનાવે, ઈંડાં મૂકે, તેનાં બચ્ચાં થાય.. આ બધાને કારણે એક યા બીજા તબક્કે, આજુબાજુના માણસોને અસર કરે તેવું બનતું હોય છે.

જીવદયા તો આપણે રાખવી જ જોઈએ. કબૂતરોમાં પણ જીવ છે. એમને દાણા આપીએ, પાણી આપીએ એ બરાબર છે. પણ તેના કારણે જે જોખમ ઊભાં થાય છે તે પણ ધ્યાનમાં રાખીએ. અમને પોતાને પ્રકૃતિ ખૂબ ગમે છે. 2013થી અમારા કાર્યાલયમાં, ઊપવન રવેશમાં કબૂતરો આવે છે. અમારી પાકી મિત્રતા થઈ ગઈ છે, પણ તેનાં જોખમોની જ્યારે અમને ખબર પડી ત્યારે અમને થયું કે લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. આ અંગે આપની પાસે કોઈ અનુભવ હોય, કહેવા જેવી વાત હોય તો ચોક્કસ શેર કરજો.

આ પોસ્ટ રમેશ તન્ના સાહેબની ફેસબુક વોલ પર પોસ્ટ થયા પછી મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતાં 58 વર્ષનાં ઉષાબહેન મહેતાનો ફોન તેમના પર આવ્યો. કબૂતરની હગાર કે ચરકને કારણે ફેફસાંને થતા નુકશાન અને રોગની પોસ્ટ વાંચ્યા પછી તેમણે ફોન કર્યો. પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે કે 16-17 વર્ષ પહેલાં અમે નવા ફ્લેટમાં રહેવા આવ્યાં. રસોડાની બહારની બાજુ કબૂતર આવતાં. હું ખૂબ રાજી થતી. તેમને ચણ અને પાણી આવતી. ઘણાં બધાં કબૂતરો આવતાં અને તેમને જોઈ જોઈને હું રાજી થતી. પછી તો કબૂતરો ઘરમાં પણ આવવા લાગ્યાં. મને તો તેમને રમાડવાનું મન થતું. એટલું સારું લાગતું કે ના પૂછો વાત. આમેય કબૂતર એટલે કે પારેવું તો કેવું ભલુભોળુ હોય ! પછી તો કબૂતરો ઈંડાં મૂકવા લાગ્યાં. દર ત્રણ મહિને બચ્ચાં આવે. બચ્ચાં મોટાં થાય. જોવાની મજા આવે. એક વખત એક બચ્ચુ મરી ગયું.

બસ, તેની મારા પર મોટી અસર થઈ. મને પ્રારંભમાં શરદી થઈ. તાવ આવ્યો. શ્વાસ લેવામાં તકલીફ થઈ. એ પછી તકલીફ વધવા લાગી મને લમ્બ્સ ફાઈબ્રોસીસ (ILD) થઈ ગયો હતો. મારાં મોટાભાગનાં ફેફસાં ખતમ થઈ ગયાં. બસ પછી તો શરૂ થયો ઈલાજ. થોડા થોડા મહિને હોસ્પિટલમાં દાખલ થવું જ પડે. સીધા આઈસીયુમાં જ દાખલ થવું પડે. મારે ચોવીસ કલાક ઓક્સિજન જોઈએ. ઘરે સિલિન્ડર રાખીએ. મશીન પણ વસાવ્યું. અને હા, ભારેમાયલી દવાઓ તો ચાલું જ.

હું મારા ખાટલેથી ચાલીને વોશરૂમ પણ ના જઈ શકું. થોડું ચાલું ત્યાં શ્વાસ ચડી જાય. આખા શરીર પર અસર થઈ. 40 વર્ષે મોતિયાનું અને 41 વર્ષે આંખના પરદાનું ઓપરેશન કરાવવું પડ્યું. આખી રાત રડ્યા કરું. ઊંઘ આવે જ નહીં. રહેવાય નહીં અને સહેવાય પણ નહીં. આયુર્વેદનો લાભ પણ લીધો. જોકે સતત હેરાન જ થતાં રહ્યાં. વજન પણ વધી ગયું. શરીરમાં બીજી તકલીફો પણ થવા લાગી. થોડા મહિનાથી હવે કુદરતી ઉપચાર પર છે. શાકભાજી-ફળફળાદિ, સૂપ, જ્યુસ.. પર છે. રાંધેલું ખાવાનું જ નહીં. દૂધ અને દૂધની બનાવટો પણ બંધ.

ઉષાબહેન કહે છે કે કુદરતી ઉપચારથી ઘણો ફરક છે. ચાર દિવસમાં ચાર કિલો વજન પણ ઘટ્યું છે. ઉષાબહેન આગળ વાત કરતા કહે છે કે હું તો એમ માનું છું કે ગયા જન્મનાં મારાં કર્મોની હું સજા ભોગવી રહી છું. આમ છતાં તેઓ કાળજી રાખવાનું કહે છે. તેઓ કહે છે કે જીવદયા એકદમ સાચી વાત છે, પણ કબૂતરોની હગારથી, તથા તેમના સંસર્ગથી તકલીફ થઈ શકે છે.

ખાસ નોંધઃ આ પોસ્ટનો હેતુ કબૂતરો-પારેવાંની ઉપેક્ષા કરવાનો કે જીવદયાનો વિરોધ કરવાનો સહેજે નથી. કબૂતરોની હગારથી અનેક લોકોને ભારે તકલીફ પડી છે તે અંગે જાગૃતિ લાવવા માટે જ આ પોસ્ટ લખાઈ છે. જનહિત માટે લોકો સુધી પહોંચે એ માટે શેયર જરૂર કરજો.

તસવીરો સૌજન્યઃ ઉષાબહેન મહેતા, મુંબઈ અને લેખકઃ- રમેશ તન્ના