વાપરવા માટે પોકેટ મની મળે એ કોને નથી ગમતું અને આ માટે કોઈ કામ પણ કરવાની જરૂર નથી. પરંતુ જો અચાનક આ પોકેટ મની મળવાની બંધ થઈ જાય તો શું? આપણે આપણી જરૂરત તો ખર્ચના પ્રમાણે વધારીએ છીએ પરંતુ તેમને બંધ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, પોકેટ મની મેળવા માટે આપણી પાસે એક જ રસ્તો છે. અને એ છે પિતા કે માતા.
બાય ધ વે, બાળપણમાં માતા -પિતા પોકેટ મની આપતા હતા જેથી બાળકો મની મેનેજમેન્ટ શીખી શકે. બાળક જાણી શકે, શીખી શકે કે કેટલો ખર્ચ કરવો અને કેટલો બચાવ કરવો. જ્યારે બાળકો કોઈ વસ્તુ માટે જીદ કરે છે, સારું વર્તન કરતા નથી અથવા કોઈ ખોટું કામ કરે છે ત્યારે પોતેટ મની બંધ થઈ જવાની ઘટનાઓ આપણા બધા સાથે ક્યારેક બની જ હશે. પણ એ જાણવું વધુ રસપ્રદ છે કે જ્યારે ભારતના રાજાઓ ને મળતી પોકેટ મની બંધ થઈ, તો ત્યારે દેશમાં શા માટે આટલો મોટો હંગામો થયો હતો.?

હા! અમે અહીં બાળકોના પોકેટ મની પર વાત કરવા નથી જઈ રહ્યા, પરંતુ ભારતના રાજાઓને આપવામાં આવેલા સરકારી પોકેટ મની અથવા “પ્રિવી પર્સ” બંધ કરવા પર વાત કરી રહ્યા છીએ. કલ્પના કરો કે જે રાજાઓ પાસે તિજોરીઓ ભરેલી રહેતી હતી, તેમનો એવો સમય આવ્યો હતો કે તેમને સરકાર પાસેથી પોકેટ મની લેવાની જરૂર હતી, પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે આ પોકેટ મની મળવી બંધ થઈ ગઈ. કેમ ? … ચાલો જાણીએ.
જ્યારે દેશ આઝાદ ન હતો ત્યારે 500 થી વધુ નાના -મોટા રજવાડા હતા. તેઓનું પોતાનું રાજ્ય, વિષયો અને પોતાના કાયદા હતા. આ બધા ઉપર રજવાડાઓના રાજાઓ રાજ કરતા હતા. બ્રિટીશ શાસન દરમિયાન, આ તમામ રજવાડાઓ એક પછી એક સંધિમાં જોડાયા હતા. એ સંધિ એવી હતી કે રાજાઓ મહેલોમાં રહેશે, રાજ કરશે, પરંતુ તેમની આર્થિક બાબતો બ્રિટિશ શાસન હેઠળ રહેશે.
પ્રજા રાજાની નહીં પણ અંગ્રેજ સરકારની રહેશે. એક અંદાજ મુજબ દેશની 28 ટકા વસ્તી આવા રજવાડાઓમાં રહેતી હતી. સંધિ પછી, બ્રિટિશ સરકારે રાજાઓ ને તેમના ખર્ચને ચલાવવા માટે પોકેટ મની આપવાનું શરૂ કર્યું. જેવડું રજવાડું એવુ તેમનું પોકેટ મની, એટલે કે રાજાના મોભા પ્રમાણે તેમને પોકેટ મની આપવામાં આવે એવુ નક્કી થયું. આ પોકેટ મની ‘પ્રિવી પર્સ’ તરીકે ઓળખાતું હતું.

દેશની આઝાદીનો સમય આવ્યો ત્યારે રજવાડાઓને પાકિસ્તાન અથવા ભારત સરકાર સાથે જોડવાની વાત ચાલી રહી હતી. જોકે રાજાઓએ કેટલીક શરતો સાથે આ નિર્ણય સ્વીકારવો પડ્યો હતો. ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ એક્ટ, 1935 હેઠળ લોર્ડ માઉન્ટબેટને બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. અંગ્રેજો ચાલ્યા ગયા અને ભારતમાં સરકારની રચના થઈ. પણ રાજાઓની મજા ચાલુ રહી.
ભલે દેશમાં હવે લોકશાહી હતી, પરંતુ રાજાઓની પ્રતિષ્ઠા જાળવવા માટે, તેમના ખજાના, મહેલો અને કિલ્લાઓને તેમના પોતાના અધિકારમાં રહેવા દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમને કેન્દ્રીય કર અને આયાત ડયૂટી પણ ચૂકવવી પડતી ન હતી. આ પછી પ્રિવી પર્સની વાત આવી, તેથી સરકારે આ સુવિધા પણ ચાલુ રાખી. એકંદરે બધું બરાબર ચાલી રહ્યું હતું.

પણ પછી ઈન્દિરાની સરકાર આવી, હા, ઈન્દિરા ગાંધી … ભારતની એકમાત્ર મહિલા વડાપ્રધાન અમે તેમના કઠિન નિર્ણયોની ઘણી કહાનીઓ જોઈ અને સાંભળી છે. તેમાંથી જ એક પ્રિવી પર્સ બંધ કરવાની કહાની છે. હકીકતમાં, ઇન્દિરા ગાંધી સમાજવાદી વલણ ધરાવતા હતા. ઇન્દિરાના સલાહકાર પીએન હકસર માનતા હતા કે જે દેશમાં ખૂબ ગરીબી છે, ત્યાંના રાજાઓને આટલી છૂટ આપવાની શું જરૂર છે? શા માટે સરકાર તેમની આટલી કાળજી લઈને રૂપિયા આપી રહી છે?
શું રાજાઓ પોતાનો ખર્ચ ઉપાડી શકે એટલા પણ સક્ષમ નથી? સલાહકારની સલાહ ઈન્દિરાને ખુબજ ગમી ગઈ હતી. સામાન્ય લોકો પણ સમજવા લાગ્યા, કારણ કે લોકોએ રાજાશાહીને ક્યારેય સ્વીકારી નથી. 1967 માં, પ્રિવી પર્સ બંધ કરવાની કવાયત શરૂ થઈ. રામચંદ્ર ગુહા તેમના પુસ્તક ‘ઈન્ડિયા આફ્ટર મેઈન ગાંધી’માં લખે છે કે તત્કાલીન ગૃહમંત્રી વાય.બી. ચવ્હાણે આ બાબતે રાજાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું.

જો 500 રજવાડાઓના રાજાઓ દિલ્હી પહોંચ્યા હોત, તો મુશ્કેલીઓ થઈ શકે તેમ હતી, તેથી રાજાઓએ સર મયુરધ્વજ સિંહજી મેઘરાજજી (ત્રીજાને) ધ્રાંગધરાના પૂર્વ મહારાજાને તેમના મુખ્યા બનાવ્યા. જે દરેક રાજા વતી સરકાર સાથે વાત કરવા આવ્યા હતા. પરંતુ આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ના હતું. આ દરમિયાન કોંગ્રેસમાં વિવાદ થયો હતો. જ્યારે કોંગ્રેસ વિભાજિત થઈ ત્યારે ઈન્દિરા સર્વ-સર્વા બની ગઈ હતી.
તેમના સમર્થનથી, વીવી ગિરી રાષ્ટ્રપતિ બન્યા અને પછી જે બેઠકો ચૂપચાપ ખાનગીમાં ચાલી રહી હતી તે જાહેરમાં થવા લાગી. સરકાર રાજાઓના વિરોધમાં ઉભી જોવા મળી હતી. રાજાઓ તેમનું અપમાન સહન ન કરી શક્યા. રજવાડાઓ ચાલ્યા ગયા, હવે પ્રિવી પર્સ પણ બંધ થવાનું હતું! કયા રાજાએ તેના ખર્ચને પહોંચી વળવા કામ કર્યું હશે? તિજોરી ખાલી .. તેથી વિરોધ શરૂ થયો.
જામનગર (ગુજરાત) ના રાજાએ સરકારની ટીકા કરી. તેમણે સરકારને દરખાસ્ત મોકલી. કહ્યું કે જો તમે માસિક ખર્ચ ન આપો તો ચાલશે, પરંતુ તેના બદલે તમામ રાજાઓને 25 વર્ષની ‘પ્રિવી પર્સ’ જેટલી જ રકમ આપવી જોઇએ. આમાંથી 25 ટકા પહેલા રોકડમાં અને 25 ટકા સરકારી સિક્યોરિટીઝ (બોન્ડ) ના રૂપમાં આપવી જોઈએ જે 25 વર્ષ પછી રોકડમાં રૂપાંતરિત કરી શકાય, અને બાકીના 50 ટકા રાજાઓ દ્વારા સંચાલિત જાહેર ચેરિટી ટ્રસ્ટને આપવામાં આવે. જે ચેરિટી ટ્રસ્ટ વિશે વાત કરવામાં આવી રહી હતી તેને કોર્પોરેટ જગતમાં ‘ગોલ્ડન શેકહેન્ડ્સ’ કહેવામાં આવે છે. પણ સરકારે આ પ્રસ્તાવને પણ કચરા ટોપલીમાં નાંખી દીધો.

આ પછી, ઈન્દિરા ગાંધીએ ‘પ્રિવી પર્સ’ નાબૂદી અંગે બંધારણીય સુધારો કરવા માટે સંસદમાં બિલ રજૂ કર્યું. લોકસભામાં, તે બહુમતી સાથે પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં, બિલ એક મતથી પાછું પડ્યું હતું. પણ રાષ્ટ્રપતિ વીવી ગિરી મદદ માટે આગળ આવ્યા, બધા રાજાઓ અને મહારાજોની માન્યતા રદ કરવામાં આવી. એટલે કે, હવે રાજા પણ એક સામાન્ય માણસ બની ગયા હતા. દેશના રાજાઓ માટે, “સામાન્ય માણસ” આ એક વાક્ય હતું જે તમામ રાજાઓથી સહન નહોતુ થતું.
તેથી બધા રાજાઓએ ભેગા થઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના આદેશ પર રોક લગાવી દીધી હતી. એટલે કે, ઇન્દિરા ગાંધીની સરકાર સામે બીજો પડકાર ઉભો થઈ ગયો હતો! કારણ કે આ ઘટના પહેલા પણ બેન્કોના રાષ્ટ્રીયકરણને લઈને કોર્ટ અને સરકાર સામસામે આવી ગયા હતા. આ મુદ્દો ઉકેલાય તે પહેલા, ઇન્દિરાએ સરકારનું વિસર્જન કર્યું અને ચૂંટણીની જાહેરાત કરી.

ઈન્દિરા જંગી બહુમતી સાથે ફરી ચૂંટણી જીતીને સત્તા પર પરત ફર્યા અને પછી બંધારણમાં 26 મા સુધારા દ્વારા ‘પ્રિવી પર્સ’ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું. બસ આ પછી રાજાઓના પોકેટ મની મળવી બંધ થઈ ગઈ હતી. માત્ર ખજાનામાં જે બાકી હતું તે તેમની પાસે હતું. ઇન્દિરા ગાંધીએ રાજાઓના ખજાના પર પણ નજર રાખી હતી, કારણ કે લશ્કરે જયગઢ કિલ્લામાં દફનાવેલો ખજાનો શોધી કાઢ્યો હતો! જેના વિશે આપણે પછી ક્યારેક વાત કરીશું.