પુરાણો અને શાસ્ત્રોમાં યોગ્ય જીવન જીવવા માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોને અનુસરી, વ્યક્તિ જીવનને સરળ અને સુખી બનાવી શકે છે. ચાલો જાણીએ જીવનને સુખી અને સમૃધ્ધ બનાવવા માટે, પુરાણોમાં કયા નિયમો જણાવવામાં આવ્યા છે…
પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિએ ચોક્કસ તિથિઓ પર વિશેષ સાવચેતી અને નિયમોનું પાલન કરવું જોઈએ. વ્યક્તિએ દર મહિનાની ચોથ, આઠમ, અગિયાર, પૂનમ અને અમાસની તિથિના દિવસે ભગવાનની પૂજા કરવી જોઈએ. આ તિથિઓના દીવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. આ તિથીએ માંસાહારી ખોરાક ખાવો જોઈએ નહીં અને શરીર પર તેલની માલિશ કરવી જોઈએ નહીં, કારણ કે આ તિથિઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ભગવાનની ઉપાસના કરવાથી જ ભગવાનના દર્શન થાય છે. આવી સ્થિતિમાં પૂજા કરતી વખતે દેવ-દેવીઓની મૂર્તિઓ, શંખ, પૂજા સામગ્રી, શાલિગ્રામ અને દીવાને અશુદ્ધ જમીન પર ન રાખવો જોઈએ. આ બધી ચીજોને જમીન પર મૂકતા પહેલા લાલ કાપડ પાથરવું જોઈએ અને થોડી સાફ અને ઉંચી જગ્યાએ રાખવી જોઈએ.
પુરાણોમાં કહેવામાં આવ્યું છે, કે કોઈ પણ પુરુષે અજાણી સ્ત્રી તરફ ખરાબ નજરથી ન જોવું જોઈએ અને સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આ કરવાથી, ઘરની સુખ અને સમૃદ્ધિ જતી રહે છે. પરાઈ ચીજોને પોતાની સમજવાથી ગરીબી વધવા લાગે છે.
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, સૂર્ય અને ચંદ્ર જયારે અસ્ત થતા હોય ત્યારે તેની સામે જોવું જોઈએ નહીં. આ કરવાથી, જીવનમાં નકારાત્મકતા આવે છે. જ્યારે સૂર્ય અને ચંદ્રને ઉદય થતા જોવાથી જીવનમાં સકારાત્મકતા અને સફળતા આવે છે. અસ્ત થતા સૂર્યને જોવાથી નિરાશાનો ભાવ ઉત્પ્ન્ન થાય છે.
પુરાણોમાં દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દાન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સમયાંતરે દાન કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર ઓછી થાય છે. જો તમે દાન આપવાનો સંકલ્પ લીધો હોય તો તેજ તિથિએ અથવા દિવસે દાન આપવું જોઈએ.
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, દૈનિક પૂજા અને ઉપાસનાનું એટલું મહત્વ છે કે, જેટલું ઘર અને સમાજમાં રહેતા લોકોને માન આપવાનું મહત્વ છે. આવી સ્થિતિમાં ક્યારેય પોતાના કરતા મોટા લોકો, માતા-પિતા, ગુરુઓ, ગરીબ અને અસહાય લોકો અને મહિલાઓનું અપમાન કરવું જોઈએ નહીં. આ બધાનું અપમાન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, કયારેય તે આપણા ઘરમાં આવતી નથી.