Homeરસપ્રદ વાતોગરાસિયા ક્ષત્રિયોમાં "વેલપ્રથા" શા કારણે ?

ગરાસિયા ક્ષત્રિયોમાં “વેલપ્રથા” શા કારણે ?

મારા ખ્યાલ મુજબ હિન્દુઓમાં વેલપ્રથા માત્ર ગરાસિયા ક્ષત્રિયોમાં જ છે… બાકી બીજા બધાં જ હિન્દુ સમાજમાં લગ્ન વેળાએ જાનપ્રથા અસ્તિત્વમાં છે.

દરેક સમાજમાં અલગ અલગ રીવાજો અને પરંપરાઓ હોય છે અને એમની પાછળ એક ઇતિહાસ ધરબાયેલો હોય છે પરંતુ આપણે એ ઇતિહાસથી અજાણ હોય છીએ અને આજનાં ઇન્ટરનેટ યુગમાં કોઇને એવો ઇતિહાસ જાણવાની દરકાર પણ નથી હોતી..

“ગરાસિયા ક્ષત્રિયોમાં વેલપ્રથા કેમ” આ પ્રશ્ન મને હજારો વખત વાસ્તવિક અને વર્ચ્યુઅલ મિત્રો દ્વારા પુછાતો રહ્યો છે… તો આજે મારી જાણકારી મુજબ થોડું લખવાની ઈચ્છા થઇ… આશા રાખું છું કે મિત્રો વાંચીને મારું લખેલું સાર્થક કરશે… અને આ સત્ય હકીકત ગુગલ મહારાજના જ્ઞાનનાં ભંડારમાં પણ નથી.

ઘણાં રીવાજો અને પરંપરા સમાજની રક્ષા અને એક્તા જળવાઈ રહે એ માટે બન્યા હોય છે તો ઘણાં રીવાજો ત્યાગ અને બલિદાનનું પ્રતિક હોય છે.

હવે મૂળ વાત પ્રાચીન કાળમાં વરૂણવંશ, વાયુવંશ, અગ્નિવંશ અને ઇન્દ્રવંશ જેવાં વંશો પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ ફેલાયેલા હતાં અને રાજ કરતાં હતાં… આપણે જેમને સામાન્ય દેશી ભાષામાં ગરાસિયા ક્ષત્રિય તરીકે ઓળખીએ છીએ એક જમાનામાં એમની ઓળખ જાગીરદાર, સામંતરાજા કે પરમઆર્ય તરીકે પણ હતી… અને એ ગરાસિયા ક્ષત્રિયો માત્ર “ચન્દ્રવંશ અને સુર્યવંશ”નું પ્રતિનિધિત્વ કરતાં… અને એમણે “ભારતભૂમિ” કે “ભારત ખંડ” પર રાજ કરેલું છે માટે રાજપૂતો કે રાજપુત્રો કહેવાયા… અને એ સમયે એમનાં લગ્નમાં પણ જાનપ્રથા અસ્તિત્વમાં હતી…

15 મી સદીમાં અકબર સાથે સંધી થવાથી સામ સામે મોટા હુમલાઓ થવાનાં બંધ થયા… અને હુમલાઓ બંધ થવાથી અકબર કે એમનાં માણસો દ્વારા છુપા હુમલાઓ ચાલુ થયા…

અને એ સમયે ઘણાં છુટા છવાયા ગામો હતાં અને દરેક ગામમાં પચ્ચીસ પચાસ કે વધીને સો પરીવારની વસ્તી હોય… અને ત્યારે “જાનપ્રથા”ને હિસાબે સંપૂર્ણ ગામ ક્ષત્રિય પુરુષો વિહોણું પડી જતું… મતલબ કે ગામની રક્ષા કરી શકે એવાઓથી ગામ રેઢું થઈ જતું…. અને એ સમય એવો હતો કે જાનમાં ગયા વગર ગામમાં કોઈ બાકી ના રહેતું…

અને એ સમયે જાનનો સમયગાળો 35 થી 45 દિવસ સુધીનો રહેતો… કારણ કે ત્યારે કોઈ વાહનની સગવડતા નહોતી એટલે દસથી પંદર દિવસ જાનને પહોંચતા થતાં દા. ત. ગોહિલવાડની જાન કચ્છમાં જાય તો દસ દિવસ ઉપર તો પહોંચતા થતાં… અને એ સમયે જાન દસ દિવસ ઉપર તો ત્યાં રોકાતી…. એનો મતલબ એ થયો કે 40 થી 45 દિવસ સુધી ગામ સંપૂર્ણ રેઢું રહેતું અને એ સમય દરમિયાન છુપા હુમલાવિરો માટે મોકળું મેદાન મળી રહેતું… એ જાનના સમયગાળા દરમિયાન ખુબ છુપા હુમલાઓ થતાં… હુમલાખોરો ગાયોને ભગાડી જતાં સંપૂર્ણ ગામ લૂંટી લેતા….

અને અને એ પછી ક્ષત્રિય સમાજે સામુહિક નિર્ણય કર્યો કે… કોઈ પણ નાનું ગામ હોય એ પણ લૂંટાવુ ના જોઈએ… ગાયોની પણ રક્ષા થવી જોઈએ અને ક્ષત્રિયોમાં જે વહેવાર ચાલે છે એ પણ ચાલુ રહવો જોઈએ…”માત્ર બે કે પાંચ વ્યક્તિઓ વેલમાં જઇને સંપૂર્ણ વિધિ નિભાવીને ક્ષત્રાણીને સાસરિયામાં કંકુપગલા કરાવે” … એ પછી ગરાસિયા ક્ષત્રિયોમાં વેલપ્રથા અસ્તિત્વમાં આવી, અને એ પ્રથા હજુ પણ ચાલુ છે… જય હો…

લેખકઃ- અશોકસિંહ વાળા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments