Homeસ્ટોરીબાપ ચલાવતો હતો ઘોડાગાડી, દીકરી છે આજે ભારતીય હોકી ટીમની કેપ્ટન, એક...

બાપ ચલાવતો હતો ઘોડાગાડી, દીકરી છે આજે ભારતીય હોકી ટીમની કેપ્ટન, એક સમયે હાલતથી કંટાળીને ઘરેથી ભાગી જવાની હતી પણ…

‘મારી એ જિંદગી મને મંજૂર નહોતી. મારે ક્યાંક ભાગી જવું’તું. અપૂરતા વીજપુરવઠાથી લઈને કાનની આસપાસ બણબણતી માખીઓ. ઘરમાં અવારનવાર ભરાઈ જતા વરસાદના પાણી અને ખાલી થઈ જતું અનાજ. હું કંટાળી ગયેલી પણ હાલત બદલવાની અપેક્ષા હું મમ્મી-પપ્પા પાસેથી રાખી શકું એમ નહોતી. પપ્પા ઘોડાગાડી ચલાવતા અને મમ્મી ઘરકામ કરતી.’ આ શબ્દો છે ક્વોર્ટર-ફાઈનલમાં હોટ-ફેવરીટ ઓસ્ટ્રેલિયાને ૧-૦ થી હરાવીને ઇતિહાસ સર્જનાર ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલના.

ફક્ત છેલ્લી ચાર મીનીટ જોઈ શક્યો પણ બ્લુ જર્સી પહેરીને શાનથી રમતી ભારતીય દીકરીઓએ મારા રુંવાડા ઉભા કરી દીધા. એ છેલ્લી ચાર મીનીટ, ગળામાં સતત ડૂમો ભરાયેલો રહ્યો. દેશ માટે ભાવુક થવાનું આમ તો કોઈ ચોક્કસ કારણ નથી હોતું. ટીવીમાં રહેલી વિજેતા ટીમ સાથે આપણે રાષ્ટ્ર શેર કરીએ છીએ, બસ એટલું જ પર્યાપ્ત હોય છે આંખોના ડેમ ખોલવા માટે.

એ ખેલાડીનો હોય કે વીર જવાનનો, રાષ્ટ્ર માટે કરેલો દરેક સંઘર્ષ આપણને પોતીકો લાગે છે. આવો જ કંઈક સંઘર્ષ રાની રામપાલે કરેલો. ‘ઘર’ની બાજુમાં આવેલી એક હોકી એકેડેમીમાં જઈને, રાની કલાકો સુધી દૂરથી હોકીની રમત નિહાળતી. ધીમે ધીમે એને હોકીમાં રસ પડવા લાગ્યો.

‘હું કોચને દરરોજ વિનંતી કરતી કે પ્લીઝ મને શીખવાડો ને ! અને તેઓ એમ કહીને મને રીજેક્ટ કરી દેતા કે તારામાં એટલી તાકાત નથી કે તું આ ગેમ રમી શકે. એમના રિજેક્શનની પરવા કર્યા વગર, એક તૂટેલી હોકી-સ્ટીક સાથે મેં પ્રેક્ટીસ શરૂ કરી દીધી. હું સલવાર-કમીઝ પહેરીને દોડતી. મેં મનમાં નક્કી કરી નાખેલું કે હોકી તો હું રમીને જ રહીશ.’

કોચને મનાવીને ફાઈનલી રાનીએ હોકી શીખવાની શરૂઆત કરી, ત્યારે કોને ખબર હતી કે સલવાર-કમીઝ પહેરીને તૂટેલી હોકી-સ્ટીકથી રમતી અને ઓર્ડિનરી બેક-ગ્રાઉન્ડ ધરાવતી આ છોકરી, એક દિવસ ભારતનું નામ રોશન કરશે. ગોલ્ડ સુધી પહોંચવા માટે પથ્થર જેવા મજબૂત ઈરાદાઓ જોઈએ, એ રાનીની વાર્તાનો સાર છે.

દીકરીનું જાહેરમાં સ્કર્ટ પહેરીને રમવું નામંજુર હોવાથી રાનીના માતા-પિતા તેની હોકીની વિરુદ્ધમાં હતા. ત્યારે બે હાથ જોડીને વિનંતી કરતા રાનીએ કહેલું ‘પ્લીઝ મુજે જાને દો. અગર હાર ગઈ, તો આપ જો કહોગે, વો મેં કરુંગી.’ છેવટે રાનીની જીદ સામે તેના મા-બાપ ઝૂક્યા અને તેને હોકીની રમતમાં આગળ વધવાની પરમીશન આપી.

એ સમયે રાનીના પેરેન્ટ્સ એ વાતથી અજાણ હતા કે આ છોકરીની જીદ સામે એક દિવસ આખું વિશ્વ માથું નમાવશે. સંઘર્ષના દિવસો યાદ કરતા રાનીએ કહેલું કે ‘મારી ટ્રેઈનીંગ વહેલી સવારે શરૂ થતી. ઘરમાં ઘડિયાળ નહોતી એટલે આકાશમાં થતા અજવાળા અને પંખીઓના અવાજ પરથી, મમ્મી મારા ઉઠવાનો સમય નક્કી કરતી.’

હોકી એકેડેમીમાં પ્રેક્ટીસ વખતે દરેક ખેલાડી માટે ઘરેથી ૫૦૦ ml દૂધ લાવવું ફરજીયાત હતું. રાની ફક્ત ૨૦૦ ml દૂધ એફોર્ડ કરી શકે તેમ હોવાથી, તે દૂધમાં બાકીનું પાણી ઉમેરી દેતી.

‘મેં પ્રેક્ટીસનો એક પણ દિવસ મિસ નથી કર્યો.’ રાની કહે છે, ‘એક ટુર્નામેન્ટ જીત્યા પછી મળેલા ૫૦૦ રૂપિયા, મેં પપ્પાના હાથમાં મૂકેલા. આ પહેલા ક્યારેય તેમણે એક સાથે આટલા બધા રૂપિયા નહોતા જોયા. ત્યારે મેં એમને પ્રોમીસ કરેલું એક દિવસ આપણું ઘરનું ઘર હશે.’ અને જુઓ, આજે આખું ભારત એનું ઘર છે. આપણા દરેકના હ્રદયમાં એનો વસવાટ છે.

હોકી રમીને ૨૦૧૭માં રાનીએ પોતાનું ઘર લીધું. પોતાના મક્કમ ઈરાદાઓની મદદથી તેણે પોતાના ફેમીલી માટે એક નક્કર, મજબૂત અને કાયમી છતની વ્યવસ્થા કરી. એ વખતે લાગણીશીલ થઈને રાનીએ કહેલું, ‘હજુ તો ઘણું પામવાનું બાકી છે.’

ઓલિમ્પિકમાં જતી વખતે રામપાલે તેમની દીકરીને કહેલું, ‘મન ભરીને રમી લે.’ અને રાનીએ તેના સાથીઓ સાથે મળીને એવી હોકી રમી કે આપણી આંખો ભરાઈ ગઈ.

રાની અને ભારતીય મહિલા હોકી ટીમની દરેક ખેલાડી, એ દરેક દીકરી માટે પ્રેરણાદાયી છે જેમનું મન ભણવામાં નથી લાગતું. ભારતની એ દરેક દીકરી જે દોડવા, કૂદવા કે રમવા માંગે છે, એ તમામનું ભવિષ્ય રાનીની હોકી ટીમે ઉજ્જવળ કરી બતાવ્યું છે.

‘બેટા, હન્ડ્રેડમાંથી કેટલા આવ્યા ?’ જેવા પરંપરાગત સવાલોના ચિથડા ઉડાડીને દેશની દીકરીઓએ સાબિત કરી આપ્યું કે પાઠ્યપુસ્તકોની બહાર રહેલું વિશ્વ પણ રંગીન, ભવ્ય અને ગૌરવશાળી છે. આ આખું જગત એક રમતનું મેદાન છે અને એ મેદાનની ‘રાણી’ કોઈ સશક્તિકરણની મહોતાજ નથી. એ પોતાના મક્કમ મનોબળ અને અફર ઈરાદાઓ સાથે આગળ વધ્યા કરે છે, વિરોધીઓને ઝુકાવ્યા કરે છે અને તિરંગો લહેરાવ્યા કરે છે.

હવે ગોલ્ડ આવે કે ન આવે. એ મેન હોય કે વિમેન્સ હોકી, જેમણે દેશને આટલી બધી ગોલ્ડન મોમેન્ટ્સ અને મેમરીઝ આપી દીધી હોય, જેમણે કરોડો લોકોના હ્રદય જીતી લીધા હોય, એમની પાસેથી હવે તો બીજું શું જીતવાની અપેક્ષા બાકી હોય ? જેઓ ટટ્ટાર છાતી, ઉન્નત મસ્તક અને ગૌરવાન્વિત આંખો સાથે કરોડો દેશવાસીઓનો પ્રેમ જીતીને પાછા ફરતા હોય, તેમના હાથ ખાલી કેવી રીતે હોય શકે ?

લેખક અને સૌજન્ય:- ડૉ. નિમિત્ત ઓઝા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments