આયુર્વેદ મુજબ કયુ મીઠું શ્રેષ્ઠ છે? મીઠાંના કેટલા પ્રકાર છે તેમાંથી કયુ મીઠું દરરોજ ખાવા માટે યોગ્ય છે ?

2342

‘મીઠું’ તે મનુષ્યનાં શરીર અને ઇતિહાસ બંને માટે ઘણું અગત્ય ધરાવે છે. ગાંધીજીનાં એક ચપટી મીઠાંથી અંગ્રેજ સામ્રાજ્યનાં પાયા હલી ગયાં હતાં. મીઠાંનું એટલું મહત્વ હતું કે રોમન સૈનિકોને મહેનતાણા રૂપે મીઠું આપવામાં આવતું જેને ‘સેલેરિયમ’ કહેવાતું જેનાં પરથી જ આજે ‘સેલેરી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. આવો જાણીએ આ જ મીઠાંની ખારી નહીં પણ મીઠી વાતો.

મીઠાનાં ગુણ – આયુર્વેદમાં મીઠાંને ‘લવણ’ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે ‘લુણાતી ઇતિ લવણમ’ એટલે કે જે છેદન અને ભેદનની શક્તિ ધરાવે છે. તેનાં સામાન્ય ગુણધર્મોમાં તે વાત વિકારનાશક, ભોજન ને પચાવનાર, મળને સરકાવનાર, તીક્ષ્ણ, ઉષ્ણ અને ભોજનમાં રૂચિને વધારનાર અને કફ , પિત્તને વધારનાર છે. તે શરીરમાં તરત જ ભળી અને સૂક્ષ્મ સ્ત્રોતો સુધી પહોંચી જાય છે. તે શરીરમાં આદ્રતા અને મૃદુતા વધારે છે.

તે જઠરાગ્નિનું દીપન કરે છે અને ખોરાકનું પાચન કરવામાં સહાયતા કરે છે. તેને અન્ય બધાં જ રસોનો સ્વાદ વધારનાર પણ જણાવવામાં આવ્યું છે. લવણ રસનાં સેવનથી સ્તંભ કે જકડાયેલા અંગ તથા મળ અને મૂત્ર છૂટાં પડે છે. તે સ્નેહન અને સ્વેદન ગુણધર્મો પણ ધરાવે છે. તે વધેલાં માંસનું છેદન કરે છે અને વ્રણમાં થયેલાં શોથ કે સોજાને ભેદે છે.

જોકે ચરકે લવણ રસનું સેવન ઓછી માત્રામાં કરવાનું જણાવ્યું છે. મીઠું તે ઓછી માત્રામાં અમૃત છે અને વધુ માત્રામાં વિષ.

તેનાં મુખ્યત્વે પાંચ પ્રકાર પણ જણાવવામાં આવ્યા છે.

(1) સૈન્ધવ કે સિંધાલૂણ મીઠું – તે મુખ્યત્વે જમીનમાંથી મેળવવામાં આવે છે. તેમાં સોડિયમ ક્લોરાઇડની સાથે સાથે ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. આચાર્ય ચરકે રોજ લઇ શકાય તેવાં મીઠામાં સૈન્ધવ મીઠાંને સ્થાન આપ્યું છે. તે અન્ય મીઠાંની સરખામણીમાં ઓછું તીક્ષ્ણ છે. તે હૃદય માટે હિતકારી, ત્રિદોષનું શમન કરનાર, નેત્રો માટે હિતકારી, તથા જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. તેને વીર્ય વર્ધક પણ જણાવ્યું છે. તે થોડાં પ્રમાણમાં ઉષ્ણ વીર્ય પણ છે. બધાં જ પ્રકારનાં મીઠામાં આ મીઠાંને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે.

સૈન્ધવ મીઠાંનો ઉપયોગ વિવિધ શ્વાસનાં રોગોમાં અને અને સાંધાઓનાં દુખાવાને લગતાં ઔષધોનાં નિર્માણમાં થાય છે. આ ઉપરાંત સ્થૂળતા અને કોલેસ્ટેરોલ વધુ હોય ત્યારે પણ તે વપરાય છે. જે લોકોને સામાન્ય મીઠાં થી પેટમાં બળતરા કે સોજો આવતો હોય ત્યારે સૈન્ધવ મીઠું વાપરી શકાય. પંચકર્મમાં બસ્તીમાં પણ સૈન્ધવ મીઠાંનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) કાળું મીઠું કે સૌવર્ચલ કે સંચળ – તે કુદરતી રીતે પણ મળે છે અને કેટલાંક દ્રવ્યોનાં મિશ્રણથી બનાવી પણ શકાય છે. તેનાં નિર્માણ અંગે અલગ અલગ વિધિઓ પણ જોવાં મળે છે. જેમાં એક વિધિમાં સૈન્ધવ મીઠું, હરડે, આમળા અને સાજીખાર મિશ્ર કરીને લોખંડ કે માટીનાં પાત્ર પાર ગરમ કરવામાં આવે છે. જયારે હરડે અને આમળાં તેમાં મિશ્ર થઇ જાય છે ત્યારે તેને કાઢી લેવામાં આવે છે. અન્ય એક વિધિમાં શુદ્ધ સર્જીક ક્ષાર, સૈન્ધવ મીઠું અને પાણી મિશ્રિત કરીને ગરમ કરવામાં આવે છે.

આ મીઠું તે લઘુ અને હૃદય માટે હિતકારી છે. તે ઓડકારની શુદ્ધિ કરે છે અને મળ કે મૂત્ર રોકાયાં હોય તો તેને બહાર ગતિ કરે છે. તે સુગંધિત હોવાથી રુચિકર પણ છે. તે પચ્યા પછી કટુ એટલે કે તીખું બને છે.

તેમાં સોડિયમ ક્લોરાઇડની સાથે સલ્ફર મળે છે. કેટલાંક વિદ્વાન તેને પોટેશિયમ નાઇટ્રેટ યુક્ત મીઠાંને પણ તેની સાથે સરખાવે છે..

(3) સમુદ્ર કે સાગર મીઠું – તે મુખ્યત્વે સમુદ્રનું પાણી સૂકવીને મેળવવામાં આવે છે. તેમાં સોડિયમ ક્લોરાઇડની સાથે મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શ્યિમ અને સલ્ફેટ હોય છે. તે સ્વાદમાં ખારું છે પરંતુ પચ્યા પછી તે મધુર રસમાં પરિણમેં છે. તે ગુરુ છે અને કફદોષને વધારે છે. બધાં જ પ્રકારનાં મીઠાં પિત્ત દોષને વધારે છે પરંતુ આ મીઠું તે અન્યની સરખામણીમાં પિત્તને તેટલું વધારતું નથી. વિવિધ સાગરનાં પાણી અનુસાર તેમાં દ્રવ્યો ઓછાં વત્તા પ્રમાણમાં મળી શકે છે.

મોટાં ભાગે આપણે જે મીઠું લઈએ છીએ તે આ જ મીઠાં ઉપર વધુ પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે અને પછી પાછળથી તેમાં આયોડીન મિશ્ર કરવામાં આવે છે.

(4) ઔદભીદ મીઠું – તે કેટલાંક સૂકા વિસ્તારોની ધરતીમાંથી બનાવવામાં આવે છે. તેની માટીને પાણીમાં સૂકવીને આ મીઠું બનાવવામાં આવે છે. તેમાં સોડિયમ ક્લોરાઇડ, સલ્ફાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટની હાજરી જોવા મળે છે. તેમાં થોડું તીખું અને કડવાં રસની હાજરી જોવાં મળે છે. તે તીક્ષ્ણ હોય છે. તે શરીરમાં ક્લેદ વધારે છે.

(5) વિડ મીઠું – તે અંગે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અલગ અલગ ગ્રંથમાં જણાવવામાં આવી છે. હાલમાં રોમક મીઠું અને આમળા બંને મિશ્ર કરી તેને ગરમ કરવામાં આવે છે અને તે રીતે વિડ મીઠું બનાવવામાં આવે છે. તે વાતને નિયંત્રિત કરે છે અને પિત્તને વધારે છે.

રોમક મીઠું – તે રાજસ્થાનનાં સંભાર સરોવરમાંથી મેળવવામાં આવે છે. તે ગુણમાં લઘુ, કફકારક અને ગુરુ હોય છે.

મીઠાંનો ઉપયોગ – મીઠું તે યોગ્ય પ્રમાણમાં જ લેવું જોઈએ અને વધુ પડતાં ઉપયોગથી તે રક્તને અશુદ્ધ કરે છે, ચામડીનાં વિવિધ રોગ પેદા કરે છે અને પિત્ત દોષને વધારે છે. મીઠાંનો ઉપયોગ તે ઉચ્ચ રક્તનાં દબાણ ધરાવતાં લોકો માટે પણ ઓછો કરવો જોઈએ. સામાન્ય મીઠાંની જગ્યાએ વૈદ્યની સલાહથી સિંધાલૂણનો માર્યાદિત માત્રામાં ઉપયોગ કરી શકાય. તે મૂર્છાની ઉત્પત્તિ પણ કરી શકે છે. તે વાળમાં સફેદ થવાં કે ખરવાં વગેરે પણ પેદા કરી શકે છે. તેનાં એ સેવનથી ચહેરા પર કરચલીઓ જોવાં મળી શકે છે.

લેખક: વૈદ્ય મિલિન્દ તપોધન

Previous articleફેંક ફેસબુક એકાઉન્ટથી કેવી રીતે બચવું જોઈએ ? જાણો સમગ્ર ટિપ્સ અને બચો સ્કેમથી..
Next articleભોજન બનાવવા માટે નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો…