ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે.
આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.
કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં.
સરદાર તેઓને એક રૂમમાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું.
આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ ભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળી સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી.
આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં…
નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.
આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.
આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું.